ગુજરાતના બરોડાના યુવા ક્રિકેટર પ્રિયાંશુ મોલિયાએ ડીકે ગાયકવાડ અંડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને એક જ ઇનિંગ્સમાં અણનમ 556 રન ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.
પ્રિયાંશુએ જીવનની આ યાદગાર ઇનિંગ્સ મોહિન્દર લાલા અમરનાથ ક્રિકેટ એકેડેમી (MLACA) તરફથી યોગી ક્રિકેટ એકેડેમી સામે વડોદરા ક્રિકેટ એકેડેમી (VCA) ગ્રાઉન્ડ પર રમી હતી.
પ્રિયાંશુ હાલમાં ભારતના 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય મોહિન્દર અમરનાથ પાસેથી ટ્રેનિંગ લઇ રહ્યો છે.

Priyanshu with his team after playing a mammoth innings. Source: Suresh Moliya
પ્રિયાંશુએ તેની આ રેકોર્ડ બ્રેક ઇનિંગ્સમાં 319 બોલનો સામનો કરીને 98 બાઉન્ડ્રી તથા એક સિક્સર ફટકારી હતી. જેની આ ઇનિંગ્સની મદદથી તેની ટીમે ચાર વિકેટના નુકસાને 826 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ, વિરોધી ટીમને 84 રનમાં આઉટ કરીને ઇનિંગ્સ અને 689 રનથી વિજય મેળવ્યો હતો.
રેકોર્ડ ઇનિંગ્સ રમ્યા ઉપરાંત પ્રિયાંશુએ મેચમાં છ વિકેટ પણ લીધી હતી.
ભારતના વર્તમાન ટેસ્ટ ક્રિકેટર પૃથ્વી શોના 546 રનના રેકોર્ડને તોડનારા પ્રિયાંશુએ SBS Gujarati સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું મારી નૈસર્ગિક રમત રમ્યો હતો. તેમની બોલિંગ સારી હતી અને હું ઘણી વખત આઉટ થતા બચ્યો હતો.
આ ઇનિંગ્સે મારામાં આત્મવિશ્વાસ જગાવ્યો છે અને હું ભવિષ્યમાં પણ આ પ્રકારની ઇનિંગ્સ રમવા માટે આતુર છું.
જમોણી બેટ્સમેન પ્રિયાંશુના રોલ મોડેલ મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર તથા ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી છે. તે જણાવે છે કે, હું હંમેશાં આ બંને મહાન ખેલાડીઓને અનુસરું છું. હું સચિન પાસેથી મહેનત તથા ધગશ શીખ્યો છું અને વિરાટ કોહલીને હું રમતો જોઇને તેની બેટિંગ ટેકનિક અનુસરવાનો પ્રયત્ન કરું છું.
પ્રિયાંશુના પિતા સુરેશભાઇ પુત્રની આ સિદ્ધિથી ખૂબ જ આનંદિત છે. તેમણે SBS Gujarati ને જણાવ્યું હતું કે, હું ખૂબ જ ખુશ છું. મને ખબર હતી કે પ્રિયાંશુ મોટી ઇનિંગ્સ રમી શકે છે. અને આજે તેણે તે સાબિત કરી દીધું છે.

Priyanshu (C) with his father Sureshbhai (L) and coach (R) after playing memorable innings. Source: Suresh Moliya
પ્રિયાંશુએ આઠ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને તે છેલ્લા ત્રણ વર્ષથી ભારતના ભૂતપૂર્વ મહાન ઓલરાઉન્ડર મોહિન્દર અમરનાથ પાસેથી ટ્રેનિંગ લે છે, તેમ સુરેશભાઇએ જણાવ્યું હતું.
આ પ્રથમ વખત નથી કે પ્રિયાંશુએ વિરોધી ટીમ સામે શાનદાર ઇનિંગ્સ રમી હોય. ગયા વર્ષે તેણે આ જ ટૂર્નામેન્ટમાં 254 રનની ઇનિંગ્સ રમી હતી. અને, તે હજી પણ આવી લાંબી ઇનિંગ્સ રમવા આતુર છે.
Share

