ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા પ્રમાણે, આગામી નવેમ્બર મહિનાથી શરૂ થઇ રહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ બ્રિસબેનના સ્થાને સિડનીમાં ક્વોરન્ટાઇન થશે.
ABCમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ પ્રમાણે, ન્યૂ સાઉથ વેલ્સ સરકારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને તેમના પરિવારજનો માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બાયોસિક્ટોરિટી પ્લાનને મંજૂરી આપી દીધી છે.
અગાઉ ક્વિન્સલેન્ડ સરકાર સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી હતી પરંતુ તેનો કોઇ ઉકેલ ન આવતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ન્યૂ સાઉથ વેલ્સ સરકારનો સંપર્ક કર્યો હોવાનું મનાય છે.
ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ નવેમ્બરની મધ્યથી શરૂ થશે.

Indian players celebrate the dismissal of New Zealand's Martin Guptill during the Cricket World Cup warm up match between India and New Zealand. Source: AAP Image/ AP Photo/Aijaz Rahi
બે અઠવાડિયોનું ક્વોરન્ટાઇન
મળતી માહિતી પ્રમાણે, ભારતીય ક્રિકેટ ટીમ બે અઠવાડિયા સુધી ક્વોરન્ટાઇન થશે ત્યાર બાદ ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ભાગ લેશે. વન-ડે શ્રેણી બાદ ત્રણ ટી20 મેચ અને ચાર ટેસ્ટ મેચનું પણ આયોજન કરાયું છે.
એડિલેડ, મેલ્બર્ન, સિડની અને બ્રિસબેનને ટેસ્ટ મેચની યજમાની મળે તેવી સંભાવના છે. વન-ડે અને ટી20 શ્રેણી માટેના સ્થળની જાહેરાત કરવામાં આવી નથી.
હાલમાં ભારત તથા ઓસ્ટ્રેલિયાના મોટાભાગના ખેલાડીઓ દુબઇમાં આઇપીએલ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે. ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ તેઓ સીધા જ ઓસ્ટ્રેલિયા આવે તેમ મનાય છે.
જોકે, ભારતીય ક્રિકેટ ટીમના ક્વોરન્ટાઇન અને પ્રવાસના કાર્યક્રમને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડીયા (બીસીસીઆઇ) ની મંજૂરી મળી નથી.
Share

