ભારતીય નૌસેનાનું ચોકિયાત જહાજ INS સુમેધા પર્થના ફ્રીમેન્ટલ બંદર ખાતે લાંગરવામાં આવેલ છે. ભારતના ૭૬માં સ્વાતંત્ર્ય દિન અને આઝાદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે તેના પર ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ ને રોજ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના પૂર્વ સેનાનીઓ અને અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
ભારતીય નૌસેનાએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એન્ટાર્કટિકા સિવાય વિશ્વમાં દરેક ખંડમાં ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરવાનો નવતર વિચાર સેવ્યો હતો. આ પૈકી ભારતીય નૌકા દળનું પેટ્રોલિંગ વહાણ આઈ એન એસ સુમેધા પર્થના ફ્રીમેન્ટલ બંદરે ૧૪ થી ૧૭ ઓગસ્ટ, ત્રણ દિવસ માટે લાંગરવામાં આવ્યું છે. બધા જહાજોમાં પર્થ ખાતેનું INS સુમેધા સૌથી પૂર્વમાં હોવાથી સમગ્ર વિશ્વમાં આ પહેલ અંતર્ગત પ્રથમ ધ્વજ તેના તૂતક પર ફરકાવાયો. આ પ્રસંગે INS સુમેધાના દ્વાર સહેલાણીઓ અને ભારતીય સમુદાયના સભ્યો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

Indian community members visit INS Sumedha at Freemantle Port in Western Australia
ભારતીય નેવી બેન્ડે પર્થની ઇન્ડિયા ડે પરેડમાં ભાગ લઇ સંગીતના સુરો રેલાવ્યા હતા.

INS Sumedha Indian navy band at India Day Parade in Perth
INS સુમેધા જહાજ અને તેના જવાનો
આઈ એન એસ સુમેધા ભારતમાં બનેલ પેટ્રોલિંગ વાહન છે જેની લંબાઈ 344 ફૂટ છે. આ વાહનમાંથી 30 કિમિ દૂર સુધી પ્રહાર કરી શકાય છે. INS Sumedhaના કમાન્ડર ફણીન્દ્રએ માહિતી આપતા કહ્યું કે આવી રહેલી મિસાઈલની ગરમી માપી તેને બીજી દિશામાં વાળવાની ક્ષમતા જહાજ ધરાવે છે.
વિશ્વના કોઈ પણ ખૂણા માંથી ચોવીસે કલાક ભારત સાથે સંપર્ક કરી શકાય છે.
હાલમાં 100 થી વધુ જવાનો સુમેધામાં કાર્યરત છે. કેપ્ટ્ન ફણીન્દ્રએ જણવ્યું હતું કે જવાનો રોજ સવારે યોગા કરે છે. દોરડાથી બોલ બાંધી ફૂટબોલ રમે છે, હવામાન સારું હોય ત્યારે બેડમિંટન રમાય છે.જહાજ પર દર અઠવાડિયે જુદા જુદા વિભાગો એક ડીશ બનાવે છે અને તમામ ક્રૂ સાથે વહેંચે છે.

INS Sumedha crew members in Perth
ભરતીય નૌકાદળના જહાજની મુલાકત દ્વારા મૈત્રીપૂર્ણ સંબંધોનો વિકાસ
ભારતીય નૌસેનાના જણાવ્યા મુજબ INS સુમેધા ક્રોસ ડેક મુલાકાત, વ્યવસાયિક સંપર્ક અને કેટલીક રમત પ્રતિયોગિતામાં રોયલ ઓસ્ટ્રેલિયન નેવી સાથે ભાગ લેશે. અને ૧૭મી ઓગસ્ટે પાછા ફરતી વેળા, તે રોયલ ઓસ્ટ્રેલિયન નેવીના HMAS Anzac સાથે સમુદ્ર ભાગીદારી અભ્યાસમાં પણ ભાગ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જહાજની મુલાકાત ભારતનો વ્યૂહાત્મક દૃષ્ટિકોણ "પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વિકાસ" (Security And Growth for All in Region - SAGAR) ને રેખાંકિત કરે છે. અને દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં સુવ્યવસ્થા સુનિશ્ચિત કરવા તરફ ઓસ્ટ્રેલિયા અને ભારતનાં ઉદ્દેશ્યો મેળવવામાં મોટો ભાગ ભજવે છે.
INS Sumedhaની પર્થ મુલાકાત, ઓગસ્ટ 2021માં બંને દેશના નૌકાદળના વડાઓ દ્વારા આપવામાં આવેલ સંયુક્ત માર્ગદર્શન સાથે સુસંગત છે. અને ભારતીય નૌકાદળની અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભારતીય નૌસેનાના જહાજ INS સુમેધાની ઓસ્ટ્રેલિયા મુલાકાત બંને રાષ્ટ્રો વચ્ચેની '2020 વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી' સાથે જોડાયેલ છે.
ભારતથી બાલી થઇ ઓસ્ટ્રેલિયા અને મલેશિયાની મુલાકાત લઇ જહાજ 40 દિવસે ભારત પરત ફરશે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.