ભારતીય લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 2014નો પણ તેનો રેકોર્ડ તોડી રહી હોય તે સાથે મત ગણતરીમાં લગાતાર સરસાઈ મેળવી રહ્યું છે. હવે મત ગણતરીના બાકીના રાઉન્ડમાં વધઘટ થાય તો પણ જંગી ઉથલ પાથલ સર્જાય તેમ લાગી રહ્યું નથી.
રૂઝાન પ્રમાણે ભાજપ 2014ની 282 બેઠકોના આંકને આગળ વધારી 290થી 300નો આંક પાર કરશે અને એનડીએ 336ના આંકથી 340 પ્લસ પાર કરશે. અને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી યુક્ત નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ ભારતમાં ફરીથી સરકાર બનાવતા તરફ આગળ વધી રહ્યું છે.
કોંગ્રેસને માટે ભારે નિરાશા એ છે કે 2014ના તેના 44 બેઠકોના આંકમાં 8-12 બેઠકો વધારી શકે. યુપીએ અને અન્ય પક્ષોની બેઠકોનો સરવાળો 200ની નજીક માંડ પહોંચી શકે તેમ છે ત્યારે હવે રાહુલ ગાંધી, માયાવતી, અખિલેશ યાદવ ,મમતા બેનરજી,ચંદ્રાબાબુ નાયડુ અને ચંદ્રશેખર રાવ જેવા વડાપ્રધાનના સપના જોતા નેતાઓને તેમના રાજ્યમાં રાજકીય અસ્તિત્વ ટકાવવાના ફાંફા પડે તેવો રકાસ થયો છે.
છેલ્લા સમચાર મળ્યા ત્યારે નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ 336, યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ 91 અને અન્ય પક્ષોએ 111 સીટ પર લીડ જાળવી રાખી હતી.
ગુજરાતમાં તમામ સીટ પર ભાજપ આગળ
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 2014ની જેમ ફરીથી પોતાનું વર્ચસ્વ જાળવવામાં સફળ રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભાજપ તમામ 26 સીટો પર આગળ જોવા મળ્યું હતું.
લગભગ મોટાભાગના એક્ઝીટ પોલ અને ગુજરાતની ચૂંટણીનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરનારા પણ માનતા હતા કે આ વખતે ભાજપ કમ સે કમ 3થી 5 બેઠકો ગુમાવશે પરંતુ તેમ ન થતા ભાજપે તમામ 26 સીટો જીતવા તરફ પ્રયાણ કર્યું હતું.

Source: Supplied
બીજી તરફ, પરિણામ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવતા પાર્ટીના ગુજરાતના ગાંધીનગર ખાતેના મુખ્યાલયમાં કાર્યકરોનો મેળાવડો જમા થયો હતો અને ઢોલ - નગારાના નાદ સાથે ફટાકડા ફોડી ઉજવણી શરૂ કરી દીધી હતી.
અમિત શાહ રેકોર્ડ માર્જીનથી આગળ
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ગાંધીનગર સીટના ઉમેદવાર અમિત શાહ આસાનીથી પોતાની સીટ જીતી તેમ લાગી રહ્યું છે. અંતિમ સમાચાર મળ્યા ત્યારે તેઓ કોંગ્રેસના ચતુરસિંહ જવાનજી ચાવડા સામે 2,75,000 જેટલા વોટના માર્જીનથી આગળ ચાલી રહ્યા હતા.
ગુજરાતના અન્ય પરિણામ
જૂનાગઢમાં કોંગ્રેસના પુંજા વંશની જીત નિશ્ચિત મનાતી હતી તે ભાજપના રાજેશ ચુડાસમા સામે હારી જવા ભણી છે.
આ ઉપરાંત કોંગ્રેસ બનાસકાંઠામા પરથી ભટોલ થકી જીતી ભાજપના પરબત પટેલને હરાવશે તેવા મજબૂત જણાતા હતા તે હવે રકાસ ભણી છે.
પાટણમાં કોંગ્રેસ જગદીશ ઠાકોરથી ગેલમાં હતું પણ મોદી વેવમાં તેઓ ભાજપના ભરતસિંહ ડાભી સામે વળતા પાણીએ છે.
નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતેના ભાજપ કાર્યાલયમાં લગભગ 20 હજાર કાર્યકરોને સંબોધિત કરશે.
Share

