સિડનીના પશ્ચિમ વિસ્તારમાંથી એક યુવક ગુમ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ વિભાગના ફેસબુક પેજ પરની પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે, 23 વર્ષીય સૈમ કુગાશિયા 10મી સપ્ટેમ્બર 2021 શુક્રવારના રોજ સવારે 10.25 વાગ્યે તેના ક્વેકર્સ હિલ વિસ્તારમાં આલ્ફોર્ડ સ્ટ્રીટ પર આવેલા ઘરમાંથી બહાર ગયો હતો.
રીવરસ્ટોન પોલીસ એરીયા કમાન્ડના અધિકારીઓએ રવિવારે 12મી સપ્ટેમ્બરે ધટનાની જાણકારી મળતા તપાસ શરૂ કરી દીધી હતી.
SBS Gujarati એ ન્યૂ સાઉથ વેલ્સ પોલીસનો સંપર્ક કરતા પોલીસ હજી પણ ઘટનાની તપાસ કરી સૈમની શોધખોળ યથાવત્ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
પોલીસે ફેસબુક પર પોસ્ટ કરેલી માહિતી પ્રમાણે, ભારતીય ઉપમહાદ્વીપના યુવક સૈમની ઉંચાઇ 185 સેન્ટીમીટર, મધ્યમ બાંધો તથા કાળા વાળ ધરાવે છે.
તેણે ડેનિમનું હુડી જેકેટ પહેર્યુ હોવાની શક્યતા છે, તથા ગ્રે ટીશર્ટ, લાંબુ કાળુ પેન્ટ અને 'Nike' ના બૂટ પહેર્યા હતા. આ ઉપરાંત તેની પાસે કાળા રંગની બેગ પણ હતી.
પોલીસે સૈમની જાણકારી માટે લોકોને વિનંતી કરી છે. જો કોઇને સૈમ અંગે જાણકારી પ્રાપ્ત થાય તો ક્રાઇમ સ્ટોપર્સનો 1800 333 000 પર અથવા રીવરસ્ટોન પોલીસ સ્ટેશનનો (02) 98382199 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
આપવામાં આવેલી કોઇ પણ જાણકારી ગુપ્ત રાખવામાં આવશે તેમ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું.