અમદાવાદ શહેરમાં ઝીકા વાયરસના ત્રણ કેસ નોંધાયા છે , પૂર્વ વિસ્તાર બાપુનગરમાં બે અને અને પશ્ચિમમાં આવેલ મેમનગરમાં એક. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે પાંસઠ લાખ અમદાવાદીઓ થી ઘણા દિવસો સુધી આ વાત છુપાવી રાખી છે. હવે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતનો પહેલો ઝીકા વાયરસ અમદાવાદમાં નોંધાયો છે એવો રિપોર્ટ જાહેર કર્યો , ત્યારે ના છૂટકે તંત્ર સફાળું જાગ્યું છે.
ગયા મહિને ગાંધીનગર ખાતે આફ્રિકા ડેવલપમેન્ટ બેન્કની બેઠક યોજાઈ હતી જેમાં ભાગ લેવા આફ્રિકાના દેશોથી અનેક લોકો ગુજરાત આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત બેઠકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે થયું હતું . એક વિવાદ એવો પણ છે કે આ બેઠક રદ્દ ન થાય તે માટે રાજ્ય સરકારે ઝીકા વાયરસના કિસ્સા બાબતે મૌન રાખ્યું હતું .
અમદાવાદમાં જૂન મહિનાના પહેલા ત્રણ દિવસ માં જ મેલેરિયાના ૭૬ દર્દીઓ મ્યુનિસિપલ દવાખાનામાં દાખલ થયા હોવાનું ચોપડે ચડ્યું છે. તેમાં ખાનગી હોસ્પિટલો અને ફેમિલી ડોકટરોની માહિતી ઉમેરીયે તો કુલ ૬૫૦ થી ૮૫૦ કેસ અત્યારે જોવા મળે છે. તે ઉપરાંત પાણી જન્ય રોગચાળાએ પણ માઝા મૂકી છે. ત્રણ જ દિવસના ગાળામાં ઝાડા-ઉલટીના ૨૫૮ કેસ, કમળાના ૨૭ કેસ અને ટાઇફોઇડના ૨૭ કેસ મળીને ૩૧૧ દર્દીઓ મ્યુનિસિપલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તો સામે પાંચ સો જેટલા દર્દી ખાનગી હોસ્પિટલોમાં હોવાનો અંદાજ છે.
કમિશનરની કડક સૂચના છતાં પ્રદુષિત પાણી, દવા છંટકાવ અને સ્વચ્છતા જાળવવાના અનેક પ્રયાસો ઢીલા પડ્યા છે.
આ પરિસ્થિતિમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાત અને ભારતમાં ઝીકા વાયરસના કેસ પર નજર રાખવાની વાત કહી છે ત્યારે સરકારી તંત્રએ પણ સાબદી નજર રાખવી પડશે નહિ તો ચોમાસામાં ગંભીર મુશ્કેલી સર્જાઈ શકે છે.