'ભારતીય દિલ સાથે, હવે હું ઓસ્ટ્રેલિયન છું' - એકતા નાયક

ઓસ્ટ્રેલિયન સિટિઝનશીપ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે, હાલમાંજ ઓસ્ટ્રેલિયન નાગરિક બનેલા બ્રિસબનના એકતા નાયકે તેમના અનુભવ SBS ગુજરાતી સાથે વહેંચ્યા.

Ekta Nayak

Source: Supplied By Ekta

બ્રિસબનના સૌથી નવા ઓસ્ટ્રેલિયન નાગરિક એકતા નાયક જણાવે છે કે તેઓ ઓસ્ટ્રેલિયાની પ્રગતિ અને બહુસાંસ્કૃતિક વારસા માટે કામ કરવા ઈચ્છે છે.

વર્ષ 2011માં ગુજરાતના વડનગરથી અભ્યાસાર્થે એકતા ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. માસ્ટર ઓફ એજ્યુકેશનનો અભ્યાસ કરવા આવેલ એકતા જણાવે છે કે અત્યાર સુધીની ઓસ્ટ્રેલિયા સ્થાયી થવાની સફર ખુબ ઉતાર ચડાવ સાથેની રહી છે. પણ, લોકોનો ખુબ પ્રેમ અને સહકાર તેમને મળ્યો છે.
Ekta Nayak
Source: Supplied Ekta

ઓસ્ટ્રેલિયા સ્થાયી થવાની સફર:

એકતા જણાવે છે કે ઓસ્ટ્રેલિયામાં સ્વાગત જ એક આંચકા સાથે થયું એમ કહું તો ખોટું નહિ ગણાય. એકતાએ માસ્ટર ઓફ એજ્યુકેશનનો અભ્યાસ કરવા ગ્રિફિથ યુનિવર્સીટીમાં એડમિશન લીધું હતું. એકતાના એજ્યુકેશન એજન્ટે તેમને જાણ નહોતી કરી કે તેમને કન્ડિશન્લ એક્સેપટન્સ લેટર મળ્યો છે, અને યુનિવર્સીટીની જરૂરત પ્રમાણે માસ્ટર ઓફ એજ્યુકેશન માટે એંગ્રેજીમાં દરેક મોડ્યૂલમાં 8 બેન્ડ લાવવા જરૂરી હતા.

એકતા જણાવે છે કે શરૂઆતમાં ખુબ ચિંતા થઇ, શું કરવું, કરેલ ખર્ચો અને થનાર ખર્ચ, 8 બેન્ડનું લગભગ અશક્ય લક્ષ અને ઘેર જાણ કરવી કે નહિ. થોડો સમય આવી પરિસ્થિતિમાં પસાર કર્યા  બાદ એકતાએ યુનિવર્સીટીના પ્રિન્સિપાલ સાથે પોતાની મુશ્કેલી અંગે વાત કરવાનું નક્કી કર્યું.

એકતા જણાવે છે કે , " મેં પ્રિન્સિપાલને જણાવ્યું કે મારાથી દરેક મોડ્યૂલમાં 8 બેન્ડ લાવવા અશક્ય છે, અને તેની આખી પરિસ્થિતિ સમજાવી. પ્રિન્સિપાલ ભલા હતા, એટલે આખી ફી રીફન્ડ કરી અને સાથે બીજા કોર્સમાં જોડાઈ શકું માટેનો લેટર પણ આપ્યો."
Ekta Nayak
Source: Supplied Ekta
એકતાએ ત્યારબાદ ડિપ્લોમા ઈન આઈ ટી અભ્યાસક્રમમાં એડમિશન લીધું. સ્થાયી થવાની - સેટલમેન્ટની પ્રક્રિયામાં એકતાએ પણ એ બધી જ મુશ્કેલીઓનો સામનો કર્યો જે મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કરે છે -  રહેવા માટે યોગ્ય જગ્યાની શોધ,  નોકરી - કે કામ મેળવવામાં મુશ્કેલી અને સાથે અભ્યાસની ચિંતા. 

એકતા એ સમય યાદ કરતા જણાવે છે કે, " અહીં આવ્યાના ઘણો સમય સુધી મારી પાસે કોઈ કામ ન હતું, ત્યારે ક્લિનીંગ માટેની ઘણી તકો ઉપલબ્ધ હતી પણ મારે એ કામ નહોતું કરવું. હું મારા માતા- પિતાની એકની એક દીકરી આથી મારી પાસેથી તેઓને ખાસ અપેક્ષા હતી આથી ક્લિનીંગ કરતા ઓફિસની વ્હાઇટ કોલર જોબ મને જોઈતી હતી. "

એકતા જણાવે છે કે તેઓ ટેલી કોલર, માર્કેટિંગ, કોલ સેન્ટર અને કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ જેવી જોબ માટે અરજી કરતા, તેઓ ઇન્ટરવ્યૂ સુધી પહોંચતા પણ નોકરી નહોતી મળતી. એવામાં એક મિત્રે સબવે વિષે જણાવી અને ત્યાં અરજી કરવાની સલાહ આપી.

એકતા જણાવે છે કે, " શરૂઆતમાં શહેરની માધ્યમમાં આવેલ એક  સબવે સ્ટોરમાં કેઝ્યુઅલ તરીકે કામ કર્યું, 6 મહિના પછી મારા ઘેરની નજીકના સબવેમાં વેકેન્સી થઇ. અહીં હું વર્ષ 2012 થી કામ કરું છું અને આજે અહીં મેનેજર છું. "

મારું - અમારું ભવિષ્ય અહીં છે

એકતા જણાવે છે કે ઓસ્ટ્રેલિયા તેમના માટે ખુબ લકી દેશ રહ્યો છે. અહીં તેઓ તેમના પતિને મળ્યા, તેમનો પરિવાર શરુ થયો અને પોતાની આગવી ઓળખ પણ ઉભી કરી શક્યા.

એકતા અને મેહુલ એકબીજાને ગુજરાતથી જ ઓળખતા હતા. મેહુલે એકતાની સ્થાયી થવાની પરેશાનીઓમાં મદદ કરી, તેઓ એકબીજાને વધુ સારી રીતે ઓળખતા થયા અને લગ્ન કરવાનું નક્કી કર્યું. બંને જણાએ આ સંબંધ માટે પોતપોતાના પરિવારોને રાજી કર્યા અને વર્ષ 2012 માં તેઓના લગ્ન થયા.

લગ્ન બાદ એકતાએ પાર્ટનર વિસા માટે અરજી કરી અને તેને તે જલ્દીથી મળી ગયા.

એકતા જણાવે છે કે જિંદગી સેટ થયેલ લાગી અને વર્ષ 2017માં અમારે ત્યાં બાળકીનો જન્મ થયો.

મેહુલ એકતાને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ લેવા માટે સમજાવી ચુક્યા હતા પણ, ભારતીય  નાગરિકતા છોડવા માટે એકતા સંપૂર્ણ રીતે તૈયાર ન હતા, તેઓ બહાના બનાવીને વાત ટાળી દેતા. "પણ જયારે દીવાનો જન્મ થયો, પછી વિચાર આવ્યો કે દિવા તો ઓસ્ટ્રેલિયન નાગરિક છે, મેહુલ પણ ઓસ્ટ્રેલિયન નાગરિક વર્ષ 2015 માં બની ચુક્યા હતા... તો મારું - અમારું ભવિષ્ય તો અહીં જ છે. આથી ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ લેવાનો નિર્ણય લીધો", એકતાએ ઉમેર્યું
"પણ જયારે દીવાનો જન્મ થયો, પછી વિચાર આવ્યો કે દિવા તો ઓસ્ટ્રેલિયન નાગરિક છે, મેહુલ પણ ઓસ્ટ્રેલિયન નાગરિક વર્ષ 2015 માં બની ચુક્યા હતા... તો મારું - અમારું ભવિષ્ય તો અહીં જ છે. આથી ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ લેવાનો નિર્ણય લીધો", એકતા
વર્ષ 2017માં જયારે ઓસ્ટ્રેલિયન સરકારે નાગરિકતા માટેની પરીક્ષા પ્રક્રિયામાં બદલાવની જાહેરાત કરી ત્યારે એકતાએ પોતાનો અરજી કરવાનો પ્લાન તુરંત જ અમલમાં મુક્યો.

એકતા કહે છે કે, "પહેલા હતું કે ભારત જઈ આવું પછી અરજી કરીશ, પણ જેવી નિયમ બદલવાની જાણ થઇ, મને થયું કે મારે હવે પરીક્ષા આપવી પડશે. પણ થોડી પ્રોટેસ્ટ થઇ અને સરકારે આ નિયમમાં બદલાવ 1 જુલાઈ 2018 સુધી અમલમાં મુકવાનો ટાળ્યો. તો મેં જાન્યુઆરી માં જ અરજી કરી દીધી."

એકતા કહે છે કે તેઓએ જૂની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જ પરીક્ષા આપી અને આજે ઓસ્ટ્રેલિયન નાગરિક બનીને તેઓ એક અચિવમેન્ટની લાગણી અનુભવી રહ્યા છે.

એકતા કહે છે કે એક દિલચસ્પ વાત એ છે કે મેહુલને નાગરિકતા 26મી જાન્યુઆરી 2018 ના રોજ મળી એટલેકે ઓસ્ટ્રેલિયા ડેના અને મને 16મી સપ્ટેમ્બરના ઓસ્ટ્રેલિયન સિટિઝનશીપ દિવસની ઉજવણી પૂર્વસંધ્યાએ - આ બંને દિવસો ખાસ છે.

કેવી લાગણી અનુભવો છો?

એકતા જણાવે છે કે, "મારા પિતા મને શિક્ષણથી  એટલી સજ્જ કરવા માંગતા હતા કે હું કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકું અને માટે જ ઓસ્ટ્રેલિયા આવવાનો નિર્ણય લીધો હતો, અને બીજું કારણ હતું કે મેં બહુ ઓછી ઉંમરે આર્થિક સઘ્ધરતા અને સલામતીનું મહત્વ જાણ્યું હતું."

એકતા પોતાના ઓસ્ટ્રેલિયા આવવાના નિર્ણય અંગે વિગતે જણાવતા કહે છે કે, તેઓએ આર્થિક તંગી જોઈ હતી, તેમના પિતાએ ક્યારેય આર્થિક કારણોની અસર એકતા સુધી પહોંચવા નહોતી દીધી. પણ ,તેઓએ તેમના પિતાની આ મુશ્કેલી જોઈ હતી અને તરુણાવસ્થા માંજ નક્કી કર્યું હતું કે તેઓ એટલા પૈસા કમાશે કે આર્થિક પ્રશ્નો તેમના પરિવારથી દૂર ભાગી જશે.

આજે આ વાત સાકાર થઇ શકી છે - ઓસ્ટ્રેલિયામાં આપતા કામના મહત્વના કારણે.
એકતા ઉમેરે છે કે, " ઓસ્ટ્રેલિયા એવો દેશ છે જ્યાં તમે આઝાદ છો, તમારે શું કામ કરવું છે, કેવી રીતે કરવું છે તે તમે નક્કી કરો છો. અહીં પૈસા, હોદ્દો કે ટાઇટલ પરથી વ્યક્તિને જજ નથી કરવામાં આવતી. અહીં વ્યક્તિનું વ્યક્તિ તરીકે માન છે. આ એક એવો મોટો વિવિધતાઓ ધરાવતો દેશ છે જ્યાં કેટલાય દેશોની સંસ્કૃતિ અને સભ્યોની સુવાસ એક જ જગ્યાએથી લઇ શકાય છે. અહીં લોકો એકબીજાને મદદ કરવા તત્પર છે."
એકતા કહે છે કે, " અહીં કશુંક પણ સારું કરો તો લોકો તમને આગળ વધવા ખુબ પ્રોત્સાહિત કરે છે. "
Ekta
Source: Supplied
એકતા નોકરી સાથે કેટલાક સ્થાનિક અખબારો કે સામાયિકોમાં લખે છે, કેટલીક સંસ્થાઓ સાથે સ્વયંસેવક તરીકે જોડાયેલ છે.

પોતાના આગામી પ્લાન્સ વિષે જણાવતા એકતા કહે છે કે તેઓ ટૂંક સમયમાંજ એક બિઝનેસ ખરીદવા ઈચ્છે છે.

એકતા અંતમાં કહે છે કે, "ભારતીય દિલ સાથે, હવે હું ઓસ્ટ્રેલિયન છું".


Share

Published

Updated

By Harita Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service