કેન્દ્રીય પ્રવાસન મંત્રી ડેન તેહાનના જણાવ્યા પ્રમાણે, ક્રિસમસ દરમિયાન ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો ખુલી મૂકવામાં આવે તેવી શક્યતા છે.
તેમણે ઉમેર્યું હતું કે કોવિડ-19 રસીકરણનો દર વધી રહ્યો છે એટલે સરકાર વેક્સીન પાસપોર્ટ, ઓસ્ટ્રેલિયાના લોકોને હોટલ ક્વોરન્ટાઇન કર્યા વિના વિદેશ પ્રવાસ કરવાની પરવાનગી આપવા અંગે કાર્ય કરી રહી છે.
ઓસ્ટ્રેલિયન સરકારની દેશને ફરીથી ખુલ્લો મુકવાની યોજના અંતર્ગત, 16 વર્ષ કે તેથી મોટી ઉંમરના 80 ટકા લોકો રસીના બંને ડોઝ મેળવી લે ત્યારે તેમને વિદેશ પ્રવાસની મંજૂરી આપવામાં આવશે.
મતલબ કે, થેરાપ્યુટીક ગુડ્સ એડમિનીસ્ટ્રેશન દ્વારા મંજૂરી મેળવનારી રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો ઘરે જ ક્વોરન્ટાઇન થઇ શકશે.
મંત્રી તેહાને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય યોજના અંતર્ગત ક્રિસમસ વખતે આંતરરાષ્ટ્રીય સરહદો ખુલી મૂકવામાં આવે તેવી યોજના છે.
જોકે, ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ કયા દેશોમાં મુસાફરી કરી શકશે તે સ્પષ્ટ થયું નથી. પરંતુ મંત્રી તેહાને જણાવ્યું હતું કે, વિવિધ દેશો સાથે આ અંગે ચર્ચા ચાલી રહી છે.
હાલમાં 45,000થી વધુ ઓસ્ટ્રેલિયન્સ વિદેશમાં ફસાયેલા છે જેમાંથી લગભગ 4700 અતિ જરૂરિયાત ધરાવતા લોકો છે.

Source: AAP Image/Dean Lewins
અમેરિકાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, પરિસ્થિતી યોગ્ય થાય ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ કરવાની યોજના છે.
તેમણે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને પરત લાવવા માટે આતુર છે.
બીજી તરફ, સ્કાય ન્યૂઝમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે, 90 ટકા રસીકરણ ન થાય ત્યાં સુધી ક્વિન્સલેન્ડ ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યો સાથેની સરહદો શરૂ ન કરે તેવી શક્યતા છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ક્વિન્સલેન્ડની કેબિનેટ 90 ટકા રસીકરણનો લક્ષ્યાંક નક્કી કરવા પર વિચારણા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ક્વિન્સલેન્ડ અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ નેશનલ કેબિનેટના 80 ટકા રસીકરણના લક્ષ્યાંક બાદની યોજના અંગે સહેમતિ દર્શાવી નહોતી.