કોરોનાવાઇરસના કારણે હાલમાં લોકો ઘરેથી કાર્ય કરે છે. ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં વેપાર ઉદ્યોગોએ તેમના કર્મચારીઓને શક્ય હોય તો નોકરીના સ્થળ પર નહીં આવીને ઘરેથી જ કામ કરવાની છૂટ આપી છે.
બીજી તરફ યુવાનો, બાળકો પણ સ્કૂલ્સ અને યુનિવર્સિટીમાં ન જતા હોવાના કારણે ઘરે બેસીને જ Netflix નો વપરાશ કરતા હોવાથી ઇન્ટરનેટની ઝડપ પર અસર પહોંચી રહી છે.
તેથી જ, ઓસ્ટ્રેલિયામાં નેશનલ બ્રોડબેન્ડ નેટવર્ક (NBN) ઘરેથી કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં ઇન્ટરનેટની બેન્ડવીથ કેપિસીટી વધારશે.
નેશનલ બ્રોડબેન્ડ નેટવર્કે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે Telstra, Optus, Vodafone, અને TPG જેવા ઇન્ટરનેટ પ્રસાર કરતા માધ્યમોને આગામી ત્રણ મહિના સુધી કોઇ પણ વધારાની ફી લીધા વિના બેન્ડવિથની ક્ષમતા 40 ટકા જેટલી વધારવામાં આવશે.
કેન્દ્રીય કમ્યુનિકેશન મિનીસ્ટર પૌલ ફ્લેચરે પણ નેશનલ બ્રોડબેન્ડ નેટવર્કના નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે હાલમાં કોરોનાવાઇરસના કારણે મોટાભાગના કર્મચારીઓ ઘરેથી કાર્ય કરે છે તેથી જ કંપની ગ્રાહકોને વધુ ઝડપી ડેટા આપે તે આવકાર્ય છે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે બિઝનેસના કલાકો દરમિયાન ઇન્ટરનેટનો વપરાશ છ ટકા જેટલો વધી ગયો હતો. તેથી જ, આ નિર્ણય લેવાયો હતો.
40 ટકા જેટલી વધારે ઝડપ આગામી સોમવારથી લાગૂ કરવામાં આવશે.
Netflix ને ગુણવત્તા ઓછી કરવા અપીલ
મળતી માહિતી પ્રમાણે, યુરોપિયન યુનિયને Netflix ને તેમના પ્રસારણ પ્લેટફોર્મ પરની ફિલ્મો અને સિરીઝને હાઇડેફિનેશન (HD – High Definition) માં પ્રસારિત ન કરવા માટે અપીલ કરી છે.
હાઇડેફિનેશનમાં વીડિયો પ્રસારિત કરવાના કારણે ઇન્ટરનેટની ઝડપ પર અસર પહોંચે છે અને તેના કારણે કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે.
યુરોપિયન કમિશ્નરની અપીલ
યુરોપિયન કમિશ્નર થીયરી બ્રેટોને પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે તેમણે Netflix ના સીઇઓ રીડ હેસ્ટિંગ્સ સાથે Netflix ની ગુણવત્તા ઓછી કરવા માટે અપીલ કરી છે. જેથી, ઇન્ટરનેટની ઝડપમાં કોઇ ઘટાડો ન થાય.
તેમણે પોતાના નિવેદનમાં ઊમેર્યું હતું કે, આ સમયે પ્રસારણ કરતા માધ્યમો, ટેલિકોમ ઓપરેટર્સ અને વપરાશકર્તાઓએ સમજણપૂર્વક ઇન્ટરનેટનો વપરાશ કરવો જોઇએ.
બીજી તરફ, Netflix એ જણાવ્યું હતું કે, તેઓ ઇન્ટરનેટ પર કોઇ ભાર ન આવે તે માટે પ્રસારણની ગુણવત્તા સાથે તાલમેલ કરી રહ્યા છે.
Share


