અમેરિકાના ભૂતપૂર્વં વિદેશ સચિવ હિલેરી ક્લિન્ટનથી માંડી મોટા ગજાના ઉદ્યોગપતિ હેનરી ક્રેવિસ જેવા મહાનુભાવોની હાજરી, ઇન્ટરનેશનલ સિંગર બિયોન્સેથી લઈ હિન્દી સિનેજગતના અનેક દિગ્ગજ કલાકારો દ્વારા ગીત-સંગીત અને નૃત્યોનો રંગારંગ કાર્યક્રમ, ચાર દિવસ સુધી રાજસ્થાનના ઉદયપુરમાં પાંચ હજાર એકસો જણને રોજ ત્રણ ટંક ભોજન, બે દિવસ વિશેષ પૂજા અને હવે આખો તખ્તો મુંબઈનાં આંગણે...
આ છે દુનિયાના સૌથી મોંઘેરાં લગ્નપ્રસંગની યાદીમાં નિઃશંકપણે સ્થાન પામે એવાં લાખેણા વિવાહની વાત...
ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશાના લગ્ન બુધવારે મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ સ્થિત અંબાણી પરિવારની માલિકીની આલીશાન ઈમારત એન્ટિલીયામાં નિર્ધાર્યા છે.
રિયલ એસ્ટેટ, હેલ્થકેર, ગ્લાસ પૅકેજિંગ સહિતનાં ક્ષેત્રે કારોબાર ધરાવતાં પિરામલ ગ્રુપના વારસ આનંદ પિરામલ સાથે ઈશા અંબાણીના લગ્ન થઇ રહ્યાં છે. જોકે, આ પ્રસંગની ઉજવણીની શરૂઆત તો એક અઠવાડિયા અગાઉથી જ થઈ ગઈ હતી.

A street is lit-up outside the house of Reliance Industries Chairman Mukesh Ambani ahead of the wedding of his daughter Isha in Mumbai, India. Source: AAP Image/ AP Photo/Rajanish Kakade
સંબંધીઓ-મિત્રોની હાજરીમાં લગ્ન
ઇશા અંબાણીના લગ્ન પૂર્વે ઉદયપુરમાં યોજાયેલા સેલિબ્રેશનમાં તમામ ક્ષેત્રોની સેલિબ્રિટીની હાજરી રહી હતી. જોકે, નજીકના સૂત્રો દ્વારા વિવિધ માધ્યમોમાં આપવામાં આવેલા નિવેદનો પ્રમાણે જાણવા મળ્યું હતું કે લગ્નમાં અંબાણી પરિવારના નજીકના સગા-સંબંધીઓ તથા મિત્રો સહિત કુલ 600 લોકોની જ હાજરી રહેશે.
આ ઉપરાંત, પ્રણવ મુખરજી, પ્રકાશ જાવડેકર, મમતા બેનર્જી, વિજય રૂપાણી, ચંદ્રબાબુ નાયડુ, દેવેન્દ્ર ફડણવીસ જેવા નેતાઓ પણ લગ્નમાં હાજરી આપશે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગ્નમાં હાજર રહેશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા છે.

The house of Reliance Industries Chairman Mukesh Ambani is seen illuminated, center, ahead of the wedding of his daughter Isha, in Mumbai, India. Source: AAP Images/ AP Photo/Rajanish Kakade
વીવીઆઇપી મહેમાનોની હાજરી, લોખંડી સુરક્ષા
ઈશા અને આનંદના લગ્ન એન્ટિલીયામાં યોજાવાના છે અને મહેમાનોના ઉતારા માટે દક્ષિણ મુંબઈની પાંચ ફાઈવ સ્ટાર હોટલ આખેઆખી બુક કરવામાં આવી છે. પોલીસના એક નિવેદન પ્રમાણે, વીવીઆઇપી મહેમાનો લગ્નમાં હાજરી આપવાના હોવાથી તે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. એન્ટિલીયાની ફરતે પણ ખાનગી કંપનીના બોડીગાર્ડ્સની વિવિધ ટીમો સુરક્ષા પૂરી પાડી રહી છે.
ઉદયપુરમાં યોજાયેલા કાર્યક્રમો પર એક નજર...
ગ્રહ શાંતિ, મંગળ પૂજા, મહેંદી અને મોસાળાં જેવી પરંપરાગત ગુજરાતી વિધિ સાથે થઈ રહેલા ઈશા અંબાણીના લગ્નનું સૌથી મોટું આકર્ષણ રહ્યું ઉદયપુરમાં યોજાયેલી સંગીત સંધ્યા, જેમાં દેશના લગભગ તમામ મોટા ઉદ્યોગપતિઓ અને થોકબંધ ફિલ્મ કલાકારો એ સાંજે ઉદયપુર પહોંચ્યા હતા.
Image
ગુજ્જુ ગીતમાં અંબાણી પરિવારનું પર્ફોર્મન્સ
લગ્ન અગાઉ ઉદયપુરમાં યોજાયેલી સંગીત સંધ્યામાં અંબાણી પરિવારે ખાસ પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમણે ફિલ્મ "કલ હો ન હો"ના ગુજ્જુ ગીત પર ડાન્સ કરીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તે પર્ફોર્મન્સ સોશિયલ મીડિયામાં ઘણું વાઇરલ પણ થયું હતું.
સંગીત સંધ્યાના મુખ્ય આકર્ષણ રહ્યા હતા અમેરિકાનાં ભૂતપૂર્વં ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન. જ્યારે, ઇન્ટરનેશનલ સિંગર બિયોન્સેને થોડી મિનિટના પરફૉર્મન્સ માટે તેડાવવામાં આવી.
આ ઉપરાંત, શાહરૂખ, સલમાન અને આમિર સહિત બોલીવૂડના ત્રણેય ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન, રેખા, અનિલ કપૂર, વિદ્યા બાલન, દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ તથા પ્રિયંકા ચોપરા, અમેરિકન સિંગર નિક જોનાસ અને સચિન તેંડુલકર જેવા સેલિબ્રિટી હાજર રહ્યાં હતા.
અન્નસેવામાં 5100 લોકોને ભોજન પીરસાયું
સંગીત સંધ્યાની આગળ પાછળના ચાર દિવસ ઉદયપુરમાં વર તથા કન્યાના પરિવાર તરફથી અન્નસેવાના ભાગ રૂપે ઉદયપુર શહેરના પાંચ હજાર એકસો જણને ત્રણ ટાઇમ ભોજન પીરસવામાં આવ્યું હતું. ઉદયપુર પ્રત્યે અંબાણી પરિવારને માન હોવાથી તથા લગ્ન માટે લોકોના આશીર્વાદ મળી રહે તે માટે આ સેવા કરવામાં આવી હોવાનું મનાય છે.
સ્વદેશ બજારમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી
પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં સ્વદેશ બજાર પણ બનાવવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશના વિવિધ ક્ષેત્રોની સંસ્કૃતિ તથા કળાને રજૂ કરતી 108 પ્રકારની ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દેશ-વિદેશથી લગ્નમાં ભાગ લેવા માટે આવી રહેલા મહેમાનો માટે આ બજાર બનાવવામાં આવ્યું હોવાનું મનાય છે.
ઇશા અંબાણીના લગ્ન ભારતના ઇતિહાસમાં મોંઘેરા લગ્નોમાંથી એક બની રહેશે અને બ્લૂમબર્ગ-ક્વિન્ટ નામની વેબસાઈટના અંદાજ પ્રમાણે આ લગ્નની તમામ વિધિ - કાર્યક્રમો તથા મહેમાનોની આગતા-સ્વાગતા વગેરે મળીને કુલ એકસો મિલિયન અમેરિકન ડૉલર એટલે કે 720 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે.
Share

