ISIS પર છેલ્લા કેટલાક વર્ષોમાં ખાડી દેશોમાં હજ્જારો નિર્દોષ લોકોને મોતને ઘાટ ઊતારવાનો અને કેટલાયને ઘરવિહોણા કરવાનો આરોપ છે ત્યારે તેમના અત્યાચારનો ભોગ બનેલી યુવતીની વાત એના જ શબ્દોમાં સાંભળીયે તો કાળજું કંપી ઉઠે તેમ છે. જોકે, નાદિયા નામની યુવતીએ હિંમત દર્શાવી અને અત્યારચાર સામે લડત લડી 2018નો યુએનનો નોબલ શાંતિ પુરસ્કાર મેળવવામાં સફળ થઇ હતી.
આવો જાણિએ, 2018 નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત થનારી નાદિયા મુરાદની સંઘર્ષપૂર્ણ કહાની જે “લાસ્ટ ગર્લ” નામના પુસ્તકમાં સમાવવામાં આવી છે.
Image
ISIS નો ઇરાકમાં અત્યાચાર
ઇરાકના સિંજાર વિસ્તારના કોચોગામની સ્વરૂપવાન યુવતી નાદિયા પોતાની માતા અને છ ભાઈઓ સાથે રહેતી હતી. એક રાત્રે અચાનક કેટલાક લોકોએ કોચોગામને બાનમાં લીધું અને ગામના તમામ લોકોને ભેગા કરી પ્રાથમિક શાળા તરફ લઇ ગયા ત્યારે જ આ હિંમતવાન યુવતીએ તેમની સામે થૂંકીને ટોળાંમાં સામેલ થઇ ગઈ અને તેમનો વિરોધ કર્યાનો સંતોષ માન્યો.
ગામના લોકોને નિશાન બનાવ્યા
યુવતીએ તેમની હરકતનો વિરોધ નોંધાવવાનો સંતોષ માન્યો પરંતુ આ સંતોષ લાંબો ટક્યો નહિ. તેઓ સ્ત્રીઓને ઉપરના માળે અને પુરુષોને નીચે રહેવાનું ફરમાન કર્યું. ઉપરના માળે બે વ્યક્તિઓ કોથળા લઇને આવ્યા અને ત્યાં હાજર ગામના લોકોને તેમના દાગીના, ઘડિયાળ અને મોબાઇલ કોથળામાં જમા કરાવવા ફરમાન કર્યું. ત્યાર બાદ, ગામના લોકોને ધર્મપરિવર્તનની ધમકી આપી.
જે લોકોએ તેમનો વિરોધ કર્યો તેમને એકપણ ક્ષણનો વિચાર કર્યા વગર અંધાધૂંધ ગોળીબાર કરીને મોતને ઘાટ ઊતાર્યા. જોકે નાદિયાના ભાઈ સઈદે મરી જવાનું નાટક કર્યું અને બચ્યો પણ પછી એની પણ હત્યા થઇ હતી. આ ઘટના બાદ નાદિયા પોતાના પરિવારને ફરી મળી શકી જ નહિ.
Image
મહિલાઓ પર ISIS નો જુલમ
ISIS ના લોકોએ ત્યારબાદ પરણેલી સ્ત્રીઓ તથા કુંવારી છોકરીઓને અલગ કરીને એક બસમાં લઇ ગયા. પુસ્તકમાં નાદિયાના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેઓ મહિલાઓને અલગ કરી રહ્યા હતા ત્યારે તેણે છેલ્લી વખત પોતાની માતાને જોઇ હતી.
“મને આજે પણ બીજી ટ્રકમાં છેલ્લે ઉભેલી મારી માંનું અડધું દેખાતું મુખ યાદ છે જે મેં છેલ્લી વખત જોયું હતું.”
બસમાં અબુ નામનો વ્યક્તિ યુવતીઓની શારીરિક છેડછાડ કરતો હતો અને નાદિયાએ તેના જુલમથી બચવા માટે ઉલ્ટી કરવાનો પ્રયત્ન કર્યો જેથી તે ગંદી થાય અને તે તેની પાસે ન આવે, પરંતુ તેમ ન બન્યું. નાદિયાએ તેની અશ્લિલ હરકતનો વિરોધ કર્યો એટલે તેના શરીર પર સિગારેટના ડામ દેવામાં આવ્યા.
યુવતીઓને મોસુલ શહેર લઇ ગયા
મોસુલમાં યુવતીઓનું ખરીદ-વેચાણ ચાલતું હતું. તેના કહેવા પ્રમાણે, એક વૃદ્ધ માણસે અમેરિકન ડોલરનું બંડલ આપીને ત્રણ છોકરીઓને ખરીદી હતી. જેમાં 13 વર્ષની છોકરીનો પણ સમાવેશ થતો હતો. તેને પણ સલમાન નામના બીજા વ્યક્તિને વેચી હતી. અને, સલમાન તેના બે ડ્રાઇવર મુર્તઝા અને યહ્યા પણ તેની પર શારીરિક અત્યાચાર ગુજારતા હતા.
Image
નાદિયા વારંવાર પુરુષોના અત્યાચારનો ભોગ બની
નાદિયાએ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, તે વારંવાર પુરુષોના અત્યાચારનો ભોગ બની હતી. એક વખત તેમણે તેને આમેર નામના વ્યક્તિને ત્યાં મોકલી અને તે જ્યારે ઘરથી બજારમાં ગયો ત્યારે દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો અને આ જ તકનો લાભ લઇને તે ભાગી નીકળી હતી.
શરણાર્થી બની જર્મની – સ્વિટ્ઝર્લેન્ડ ગઇ
નાદિયા ગમેતેમ કરીને શરણાર્થી બનીને જર્મની – સ્વિટ્ઝર્લેન્ડ ગઇ અને ત્યાં એને ખબર પડી કે કોચો ગામની 80 જેટલી સ્ત્રી તથા બાળકોના મૃતદેહ મળ્યા છે. જેમાં તેની માતાનો મૃતદેહ પણ હતો.
યુનાઇટેડ નેશન્સમાં આપવીતી જણાવી
નાદિયાને સ્વિટ્ઝર્લેન્ડમાં પોતાની પર થયેલા અત્યાચાર રજૂ કરવા માટે ત્રણ મિનિટ અપાઇ હતી. તેણે ધ્રૂજતા પગે આખી વાત રજૂ કરી. યુનોએ ત્યાર બાદ સિક્યુરિટી કાઉન્સિલ સમક્ષ અત્યાચારના પૂરાવા ભેગા કરવા એક ટીમ બનાવી અને નાદિયાને યુનાઇટેડ નેશન્સની ગુડવિલ એમ્બેસેડર બનાવી.
2018માં તેને સંયુક્ત રીતે શાંતિનો નોબલ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી.
ધ લાસ્ટ ગર્લ
આ સમગ્ર આપવીતી “ધ લાસ્ટર ગર્લ” નામના પુસ્તકમાં લખાઇ છે. લાસ્ટ ગર્લ એટલે કે મારા જેવી તકલીફ પડી હોય એવી આ દુનિયામાં હું છેલ્લી યુવતી હોઉં. ભવિષ્યમાં પણ કોઇ યુવતીને મારા જેવી તકલીફ ન પડે.
આ પુસ્તક ઓસ્ટ્રેલિયાની અનેક લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે.
Share

