અમદાવાદમાં અષાઢી બીજ સોમવારના રોજ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજવામાં આવી હતી.
દર વર્ષે ભગવાન જગન્નાથ અમદાવાદના માર્ગો પર હાથી, અખાડા તથા ભજનમંડળીઓ સાથે નગરચર્યાએ નીકળે છે પરંતુ આ વર્ષે કોરોનાવાઇરસની મહામારીના કારણે તે શક્ય બન્યું નહોતું. અને ભક્તો વિના રથયાત્રાને મંજૂરી આપવામાં આવી હતી.
અગાઉ વર્ષ 2020માં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાને નગરમાં ફરવાની મંજૂરી મળી નહોતી અને મંદિર પરીસરમાં જ તેને ફેરવવામાં આવી હતી. પરંતુ, હાલમાં રાજ્યમાં કોરોનાવાઇરસના કેસમાં ઘટાડો થતા આ વર્ષે સરકારે ભક્તોની હાજરી વિના રથયાત્રાને નગરમાં ફરવાની મંજૂરી આપી હતી.
રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત એમ બન્યું હતું કે ભક્તોની હાજરી વિના ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે સામાન્ય રીતે રથયાત્રાને દર વર્ષે નગરમાં ફરવા માટે 14 કલાક જેટલો સમય લાગે છે પરંતુ આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા માત્ર 4 કલાક 20 મિનીટમાં જ નિર્ધારીત યાત્રા કરીને પરત ફરી હતી.
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા વિશે...

Source: Supplied by Sagar Patel
- રથયાત્રામાં ભગવાનના રથની સાથે માત્ર 5 વાહનોને જ મંજૂરી આપવામાં આવી હતી.
- રથ ખેંચવા માટે 20 ખલાસીઓને પરવાનગી
- રથયાત્રાના વાહનચાલકો, ખલાસીઓ, સંચાલકો જેવા કર્મચારીઓના 24 કલાક પહેલા RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
- તેમણે રસીનો એક ડોઝ લીધો હોય તે જરૂરી છે.

Source: Supplied by Sagar Patel
- રથયાત્રામાં લોકોને ભેગા થવાની પરવાનગી આપવામાં આવી નહોતી.
- જે વિસ્તારમાંથી રથ પસાર થવાનો હોય તે સમયે ત્યાં કર્ફ્યુ લાગૂ કરવામાં આવ્યો હતો.
- રથયાત્રાના માર્ગો પર પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો હતો.
- ભક્તો રથયાત્રાના દર્શન કરી શકે તે માટે ટેલિવીઝન પર પ્રસારણ કરવામાં આવ્યું હતું.