સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં કોરોનાવાઇરસ વધી રહ્યો હોવાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22મી માર્ચના રોજ સમગ્ર ભારત દેશમાં જનતા કર્ફ્યુ રાખવાની અપીલ કરી હતી.
22મી માર્ચ, રવિવારે ભારતીય સમય પ્રમાણે સવારે 7થી રાત્રે 9 વાગ્યા એટલે કે 14 કલાક લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, લોકોએ પણ વડાપ્રધાન મોદીના આદેશનું પાલન કરીને સ્વેચ્છાએ ઘરમાં જ રહેવાનો નિર્ણય લીધો હતો.
ગુજરાતના સૌથી મોટા અમદાવાદ શહેરમાં રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા અને, બજારોએ પણ સજ્જડ બંધ પાળ્યો હતો.
SBS Gujarati સાથેની વાતચીતમાં અમદાવાદના જર્નાલિસ્ટ સાગર પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં જનતા કર્ફ્યુને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
અમદાવાદમાં સામાન્ય રીતે જે બજારોમાં ભીડ જોવા મળતી હોય છે ત્યાં અત્યારે સન્નાટો છવાયેલો છે અને કોઇ પણ સામાન્ય નાગરિક રસ્તા પર જોવા મળી રહ્યું નથી.

Shops are closed in India. Source: Supplied/Sagar Patel
શનિવાર સાંજથી જ લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હોય તેમ રસ્તા પર અવરજવર ઓછી કરી દીધી હતી અને ઘરે જ રહેવાનું પસંદ કર્યું હતું, તેમ સાગર પટેલે જણાવ્યું હતું.
ગુજરાત 25મી સુધી લૉકડાઉન
ગુજરાતમાં કોરોનાવાઇરસના કુલ કેસની સંખ્યા 14 સુધી પહોંચતા સરકાર દ્વારા રાજ્યને લૉકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના 4 મોટા શહેર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટને 25મી માર્ચ સુધી લૉકડાઉન કરવાનો આદેશ અપાયો છે.
જેના કારણે આ 4 શહેરોમાં સરકારી ઓફિસો, દૂધ – શાકભાજી અને જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ, મેડિકલ સ્ટોર, દવાખાના, હોસ્પિટલ, રેલવી, પેટ્રોલપંપ, બેન્ક જેવી સર્વિસ ચાલૂ રહેશે જ્યારે મૉલ – શોપિંગ સેન્ટર્સ, મલ્ટીપ્લેક્સ, હોટલ – રેસ્ટોરન્ટ બંધ રહેશે.

People observes curfew in India. Source: Supplied/Sagar Patel
મુંબઇમાં સામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેન બંધ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં કોરોનાવાઇરસને ધ્યાનમાં રાખીને મુંબઇની લોકલ ટ્રેનને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 22મી માર્ચથી કોઇ પણ સામાન્ય નાગરિક મુંબઇની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે નહીં.
બીજી તરફ, ભારતીય રેલવેએ પણ રવિવાર રાત્રે 10 વાગ્યા સુધી તમામ ટ્રેન રદ કરી દીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.
Share

