વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝન માટે મંગળવારે જયપુરમાં વિવિધ ક્રિકેટ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી.
જેમાં કેટલાક ખેલાડીઓ તદ્દન સામાન્ય ભાવમાં વેચાયા હતા જ્યારે કેટલાક સ્થાનિક ખેલાડીઓ તેમની બેસ પ્રાઇઝથી પણ ઘણી ઉંચી કિંમતે વેચાયા હતા. આ હરાજીમાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી હતી કે કિંગ્સ ઇલેવન પંજાબ ટીમે તમિલનાડુના વરુણ ચક્રવર્તી કે જે ભારતીય ક્રિકેટ વર્તુળમાં ખૂબ જ ઓછું જાણીતું નામ છે તેને 8.4 કરોડ રૂપિયાની કિંમતે ખરીદ્યો હતો.
વરુણ ચક્રવર્તીની બેસ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી તેને કિંગ્સ ઇલેવન પંજાબ ટીમે 42 ગણી ઉંચી રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 2019ની આઇપીએલ સિઝનમાં ચક્રવર્તી પંજાબની ટીમમાંથી રમતો જોવા મળશે.
Image
આર્કીટેક્ટમાંથી ક્રિકેટર બન્યો
રાતોરાત ચર્ચામાં આવનારા વરુણ ચક્રવર્તીની સફર થોડી રસપ્રદ છે. ક્રિકેટનેક્સ્ટ વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, સામાન્ય બાળકની જેમ તેણે પણ નાનપણમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું પરંતુ ઉચ્ચ કક્ષાનું ક્રિકેટ રમવામાં તે નિષ્ફળ રહ્યો હતો.
ધોરણ 12માં આવીને તેણે ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું અને ત્યાર બાદ પાંચ વર્ષનો આર્કીટેક્ટનો કોર્સ કર્યો હતો. બે વર્ષ સુધી ખાનગી કંપનીમાં નોકરી કર્યા બાદ તેણે નોકરી પણ છોડી દીધી હતી.
ક્રિકેટનેક્સ્ટને આપેલા એક ઇન્ટરવ્યુંમાં તેણે જણાવ્યું હતું કે, "મને લાગતું હતું કે હું મારી પર ખૂબ જ દબાણ બનાવતો હતો. મારે બધું છોડી દેવું હતું. મેં મારા માતા - પિતાને પણ જણાવ્યું હતું કે હું નોકરી નથી કરી શકતો. તેમણે મને સાથ આપ્યો હતો."
"મને ખબર નહોતી કે હું ભવિષ્યમાં શું કરીશ. સૌ પ્રથમ, મેં છ વર્ષથી મારી ક્રિકેટ કિટબેગ વાપરી નહોતી તે સાફ કરી અને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું."
ત્રણ વર્ષની અંદર જ વરુણની આઇપીલમાં પસંદગી થઇ
ફરીથી ક્રિકેટ શરૂ કર્યાના ત્રણ વર્ષની અંદર જ વરુણની આઇપીએલમાં પસંદગી થઇ છે. જોકે તેણે ગયા વર્ષે તમિલનાડુ પ્રીમિયર લીગમાં સિયેચેમ મદુરાઇ પેન્થર્સ તરફથી રમતી વખતે 4.7ના ઇકોનોમી સાથે 9 વિકેટ લીધી હતી અને ટીમને ચેમ્પિયન બનાવવામાં ભાગ ભજવ્યો હતો.
તાજેતરમાં વિજય હઝારે ટ્રોફીમાં પણ તે બીજો સૌથી હાઇએસ્ટ વિકેટ લેનારો બોલર બન્યો હતો.
બેસ પ્રાઇઝ પર જ વેચાવાની આશા હતી
વિવિધ મીડિયા સાથે વાત કરતા વરુણે જણાવ્યું હતું કે જ્યારે તેનું નામ હરાજીમાં બોલાઇ રહ્યું હતું ત્યારે તે ભગવાનનું નામ લઇ રહ્યો હતો અને મને લાગતું હતું કે હું મારી મૂળ કિંમત પર જ કોઇ ટીમ તરફથી રમીશ. મને આટલા બધા રૂપિયા મળશે તેની આશા નહોતી.
Image
અન્ય સ્ટાર ખેલાડી ઓછી કિંમતે ખરીદાયા
વિશ્વ ક્રિકેટના કેટલાક સ્ટાર ખેલાડીઓ તેમની આશા પ્રમાણે ઓછી કિંમતે ખરીદાયા હતા. ભારતીય ક્રિકેટર યુવરાજ સિંઘ પ્રથમ રાઉન્ડમાં ખરીદાયો નહોતો. જ્યારે બીજા રાઉન્ડમાં તેને માત્ર એક કરોડની રૂપિયામાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમે ખરીદ્યો હતો. ક્રિસ જોર્ડન, મનોજ તિવારીને કોઇ પણ ટીમે ખરીદ્યા નહોતા. માર્ટિન ગુપ્ટિલને 1 કરોડ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ખરીદ્યો હતો.
Share

