કોઇ પણ સફળ સ્પોર્ટ્સ સ્ટારની સફળતા પાછળ તેની મહેનત તો રહેલી જ હોય છે પરંતુ તે ઉપરાંત પણ પરિવારના સભ્યોનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી હોય છે. પરિવારની મહેનત, મિત્રોનો સાથ તથા ગુરુનું યોગ્ય માર્ગદર્શન ન મળે તો વ્યક્તિ સફળતા મેળવી શકતો નથી. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સફળ ક્રિકેટર બનાવવામાં તેના મિત્રોએ મહેનત કરી, જો સચિનના મોટાભાઇ અજીત તેડુંલકરે તેને યોગ્ય માર્ગદર્શન ન આપ્યું હોત, સચિન ક્રિકેટર બને તે માટે પોતે ક્રિકેટ ન છોડ્યું હોત તો તો દુનિયાને સચિન તેડુંલકર જેવો માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન ન મળી શક્યો હોત. આવી જ રીતે ક્રિકેટવિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર ક્રિકેટર પાર્થિવ પટેલને જો તેના કાકા જગત પટેલનો સાથ ન મળ્યો હોત, પાર્થિવને ક્રિકેટર બનાવવા માટે મહેનત, સંઘર્ષ ન કર્યો હોત તો દેશને સૌથી નાની વયે ટેસ્ટ ક્રિકેટ રમનાર વિકેટકીપર ન મળી શક્યો હોત. ખેલાડીની સફળતા પાછળ રહેલા પરિવારના સભ્યોના યોગદાનની ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી હતી. તાજેતરમાં અમદાવાદની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં પાર્થિવના કાકા જગત પટેલના સંઘર્ષ તથા તેમની મહેનતની વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ જગતભાઇ વિશે શું કહ્યુંઃ
અમદાવાદમાં પોતાના ભાષણમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "પાર્થિવ ઉત્તમ ક્રિકેટર બને તે માટે તેને દરરોજ સવારે ચાર વાગ્યે તેના કાકા સ્કૂટર પર બેસાડીને પ્રેક્ટિસ કરાવવા માટે લઇ જતા હતા અને સમગ્ર જીંદગી તેમણે પોતાના ભાઇનો દિકરો ક્રિકેટર બને તે માટે સવારે ચાર વાગ્યે ઉઠવાનું, ગમે તેટલી ઠંડી કેમ ન હોય, સ્કૂટર પર તેને સ્ટેડિયમ લઇ જવો, તેને રમત માટે પ્રોત્સાહિત કરવો જેવો સંઘર્ષ કર્યો છે ત્યારે જ દેશને પાર્થિવ જેવો એક પ્રતિભાશાળી ખેલાડી મળી શક્યો છે.
પાર્થિવની આંગળી કપાઇ અને જગતભાઇએ ક્રિકેટર બનાવવાનો નિર્ધાર કર્યો
જગતભાઇના જણાવ્યા પ્રમાણે તેમની જીંદગીમાં બનેલી એક ઘટનાના કારણે તેમણે પાર્થિવને ક્રિકેટર બનાવવાનો નિર્ધાર કર્યો. જગતભાઇની ભૂલથી બાળપણમાં પાર્થિવના હાથની બે આંગળીઓ કપાઇ ગઇ હતી, તે ઘટનાએ જગતભાઇને અંદરથી હચમચાવી મૂક્યા અને ભવિષ્યમાં આ ઘટના માટે કોઇ તેમને દોષ ન આપે તે માટે તેમણે પાર્થિવનું ભવિષ્ય ઉજળું બનાવવાનો નિર્ધાર કર્યો અને પાર્થિવને શ્રેષ્ઠ ક્રિકેટર બનાવવાની દિશામાં મહેનત શરૂ કરી.
ક્રિકેટથી જ દિવસ શરૂ થતો અને ક્રિકેટથી જ અંત
જગતભાઇએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે પાર્થિવને સવારે 4 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ પ્રેક્ટિસમાં તેઓ લઇ જતા હતા ત્યાર બાદ 9 વાગ્યે ઘરે આવતા અને 11 વાગ્યે વિદ્યાનગર સ્કૂલમાં મૂકવા જતા. નોકરમાંથી તે સમય કાઢીને પાર્થિવને સ્કૂલની ક્રિકેટ ટીમની પ્રેક્ટિસમાં અને ત્યાર બાદ સાંજે ચાર વાગ્યે ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે લઇ જતા હતા. આ દિનચર્ચા દરેક મોસમમાં, વર્ષમાં તમામ દિવસ ચાલતી હતી અને નવ વર્ષની અવિરત મહેનત બાદ પાર્થિવે 2002માં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું.
પાર્થિવે પણ મહેતન કરી
પોતાના સંઘર્ષની સાથે જગતભાઇ પાર્થિવની મહેનતને પણ બિરદાવે છે. તેઓ જણાવે છે કે " પાર્થિવમાં ધગશ ગજબની હતા. તેણે પોતાની તરફથી તમામ મહેનત કરી હતી. તેની મહેનત રંગ લાવી અને તે ભારતીય ટીમમાં મહાન ખેલાડીઓની સાથે દેશનું પ્રતિનિધિત્વ કરી શક્યો.
જગતભાઇ પાસે પાર્થિવની તમામ મેચનો રેકોર્ડ
પાર્થિવે અંડર-14 ક્રિકેટ ટીમમાં પસંદ થયા બાદ અત્યાર સુધી રમેલી તમામ મેચ (ડોમેસ્ટિક, આંતરરાષ્ટ્રીય) માં તેણે કરેલા પ્રદર્શનની રેકોર્ડ બુક બનાવી છે. જે સમયે રેકોર્ડ્સ જાણવા માટે કોઇ ચોક્કસ વેબસાઇટ નહોતી તે સમયે જગતભાઇએ પાર્થિવની બેટિંગ, વિકેટકીપિંગ, ટીમ સ્કોર, મેચનું પરિણામ ચોક્કસ ટેબલ અને કોલમ બનાવીને નોંધ્યા છે. આ ઉપરાંત તેમણે તેના ફોટોગ્રાફ્સ અને ક્રિકેટના ડોક્યુમેન્ટ્સની પણ એક અલગ ફાઇલ બનાવી છે.
Share

