ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં ક્રિસમસના તહેવાર દરમિયાન ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ વાહનચાલકોએ ડબલ ડીમેરીટ પોઇન્ટ્સ તથા જંગી દંડ ભરવો પડી શકે છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં 21મી ડિસેમ્બર મધ્યરાત્રીથી 1લી જાન્યુઆરીની મધ્યરાત્રી સુધી ડબલ ડીમેરીટ પોઇન્ટ્સનો નિયમ લાગુ પડ્યો છે.
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયા કેપીટલ ટેરીટરી તથા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પોલીસ વધુ ઝડપ, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ પર વાત કરનાર તથા સીટ બેલ્ટ ન બાંધનાર કારચાલકોને પકડી રહી છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં 21મી ડીસેમ્બરથી 1લી જાન્યુઆરી સુધી તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 6ઠી જાન્યુઆરી સુધી ડબલ ડીમેરીટ પોઇન્ટ્સનો નિયમ લાગૂ રહેશે.
ન્યૂ સાઉથ વેલ્સમાં ચાલૂ વર્ષે લાગૂ કરાયેલા નવા નિયમ અનુસાર, કાર ચલાવતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવા બદલ લાઇસન્સ ગુમાવવા સુધીની સજા થઇ શકે છે. જો આ સમય દરમિયાન કોઇ પણ ચાલક કાર ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો જોવા મળશે તો તેને 10 ડીમેરીટ પોઇન્ટ્સ તથા 337 ડોલર સુધીનો દંડ થઇ શકે છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરવા બદલ 557 ડોલરનો દંડ તથા આઠ ડીમેરીટ પોઇન્ટ્સ કપાશે. જ્યારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં નક્કી કરેલી ગતિથી વધુ ઝડપે વાહન ચલાવવા બદલ 200થી 1200 ડોલર સુધીનો દંડ તથા ચારથી 14 ડીમેરીટ પોઇન્ટ્સ સુધીનો દંડ થઇ શકે છે.
બીજી તરફ, તાસ્માનિયા, ક્વિન્સલેન્ડ, સાઉથ ઓસ્ટ્રેલિયા, વિક્ટોરિયા અને નોધર્ન ટેરીટરીમાં ક્રિસમસના સમયગાળા દરમિયાન ડબલ ડીમેરીટ પોઇન્ટ્સ કપાશે નહીં પરંતુ ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ તેમને જંગી દંડ ભરવો પડી શકે છે.
ક્વિન્સલેન્ડમાં 1218 ડોલર, 16 ડિમેરીટ પોઇન્ટ્સનો દંડ
ક્વિન્સલેન્ડમાં ક્રિસમસ દરમિયાન ડબલ ડીમેરીટ પોઇન્ટ્સનો નિયમ લાગૂ કરવામાં આવ્યો નથી પરંતુ જો કોઇ પણ ડ્રાઇવર 12 મહિનામાં સ્પીડ લિમીટથી 20 કિલોમીટરથી વધુની ઝડપથી ડ્રાઇવિંગ કરતો ઝડપાશે તો તેને ચાર ડીમેરીટ પોઇન્ટ્સ અને 435 ડોલરના દંડથી 16 ડીમેરીટ પોઇન્ટ્સ અને 1218 ડોલર સુધીનો દંડ થઇ શકે છે.
Image
સાઉથ ઓસ્ટ્રેલિયામાં પણ જંગી દંડ
સાઉથ ઓસ્ટ્રેલિયામાં વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનના ઉપયોગ બદલ ડ્રાઇવરને ત્રણ ડીમેરીટ પોઇન્ટ્સ અને 394 ડોલરનો દંડ થઇ શકે છે જ્યારે વધુ ઝડપ માટે 234 ડોલરથી 1036 ડોલર સુધીનો દંડ થઇ શકે છે.
વિક્ટોરિયામાં આઠ ડીમેરીટ કપાઇ શકે છે
વિક્ટોરિયામાં પણ ક્રિસમસ દરમિયાન ડબલ ડીમેરીટ પોઇન્ટ્સનો નિયમ લાગૂ કરાયો નથી પરંતુ વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવા બદલ ચાર ડીમેરીટ પોઇન્ટ્સ અને 484 ડોલરનો દંડ થઇ શકે છે. વધુ ઝડપ બદલ 201 ડોલરથી 806 ડોલર તથા ઓછામાં ઓછા એક ડીમેરીટ પોઇન્ટથી વધુમાં વધુ આઠ પોઇન્ટ્સ સુધીનો દંડ થઇ શકે છે.
નોધર્ન ટેરીટરીમાં 250 ડોલર સુધીનો દંડ
નોધર્ન ટેરીટરીમાં પણ ક્રિસમસ વખતે ડબલ ડીમેરીટ પોઇન્ટ્સ કપાશે નહીં પરંતુ વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરવા બદલ ત્રણ ડીમેરીટ પોઇન્ટ્સ અને 250 ડોલર સુધીનો દંડ થઇ શકે છે.
તાસ્માનિયામાં છ મહિના સુધી લાઇસન્સ રદ થઇ શકે છે
તાસ્માનિયામાં વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનના ઉપયોગ બદલ ત્રણ ડીમેરીટ પોઇન્ટ્સ અને 326 ડોલર સુધીનો દંડ થઇ શકે છે જ્યારે વધુ ઝડપ પર 81.50 ડોલર અને બે પોઇન્ટ્સથી 937.25 ડોલર અને છ મહિના સુધી લાઇસન્સ રદ થઇ શકે છે.

