કોવિડ-19ના કારણે છેલ્લા 2 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશનને અસર પહોંચી છે. એક ધારણા પ્રમાણે, વર્ષ 2022થી સ્થિતિ સામાન્ય થાય તેમ લાગી રહ્યું છે.
ટ્રેઝરરી દ્વારા વર્ષની મધ્યમાં કરવામાં આવેલી સમીક્ષામાં જાણવા મળ્યા પ્રમાણે, વર્ષ 2021-22માં ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશનની સંખ્યા -41,000 રહે તેવું અનુમાન હતું. તે વર્ષ 2022-23માં 180,000 સુધી પહોંચે તેમ લાગી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે 1 જુલાઇથી 30 જૂન સુધી વાર્ષિક માઇગ્રેશન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવે છે. વર્ષ 2024-25માં માઇગ્રેશનની કુલ સંખ્યા 235,000 થાય તેવું અનુમાન છે.
વિવિધ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશન પર એક નજર..
ઓસ્ટ્રેલિયાની સરહદો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને સ્કીલ્ડ વિસાધારકો માટે 15મી ડિસેમ્બર 2021થી ખુલી ગઇ છે.
અત્યારે ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સ તથા તેમના નજીકના પરિવારજનો પણ ઓસ્ટ્રેલિયા આવી શકે છે.
કામચલાઉ વિસાધારકો માટે વધુ તક...
વીસા ઇન્વોયના માઇગ્રેશન લોયર બેન વેટ્ટ જણાવે છે કે કોવિડ-19 મહામારી દરમિયાન નોકરી અને અન્ય સહાયતા ઉપલબ્ધ ન હોવાના કારણે ઘણા કામચલાઉ વિસાધારકોએ ઓસ્ટ્રેલિયા છોડ્યું હતું. આ સમય દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જ રહેવાનું પસંદ કરનારા લોકોને પર્મેનન્ટ રેસીડન્સીની તક પૂરી પાડવામાં આવે તેવી શક્યતા છે.
વર્ષ 2021-22 દરમિયાન માઇગ્રેશનની સંખ્યા 160,000 રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમાં 79,600 સંખ્યા સ્કીલ્ડ વિસા માટે, 77,300 ફેમિલી, 100 ખાસ લાયકાત માટે તથા 3000 વિસા બાળકો માટે ફાળવવાનું નક્કી કરાયું હતું.
સરકારે મહામારી દરમિયાન સમયાંતરે વિવિધ વિસાશ્રેણી માટે કેટલાક ફેરફાર કર્યા છે અને આગામી સમયમાં પણ ઓસ્ટ્રેલિયાને આર્થિક વૃદ્ધિમાં સહાય પૂરી પાડનારા વિસાધારકો માટે ફેરફાર થઇ શકે છે. તેમ ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું.
આરોગ્ય અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કાર્ય કરતા માઇગ્રન્ટ્સને પર્મેનન્ટ રેસીડન્સી

Source: Getty Images
નવેમ્બરમાં સરકારે દેશની આર્થિક વૃદ્ધિ માટે કાર્ય કરતા સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ માટે વિસામાં મોટા ફેરફાર કર્યા હતા. તે અંતર્ગત મહામારી દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જ રહીને કાર્ય કરનારા માઇગ્રન્ટ્સ પર્મેનન્ટ રેસીડન્સી માટે લાયક થઇ શકે છે.
આ ફેરફાર વર્તમાન ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ (સબક્લાસ 482) વિસાને લાભદાયી છે. આ વિસાશ્રેણીમાં શોર્ટ - ટર્મ સ્ટ્રીમ હેઠળ અગાઉ 2 વર્ષ સુધી જ ઓસ્ટ્રેલિયામાં રહી શકાતું હતું પરંતુ હવે તેઓ પર્મેનન્ટ રેસીડન્સી માટે લાયક બની શકે છે. હાલમાં અમલમાં ન હોય તેવા ટેમ્પરરી વર્ક સ્કીલ્ડ વિસા (સબક્લાસ 457) હેઠળ ઉંમરની જરૂરીયાતને હટાવવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકે જણાવ્યું હતું કે, આ ફેરફાર દ્વારા લગભગ 20,000 વિસાધારકોને લાભ થઇ શકે છે.
ડીપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ફેરફારો 25મી નવેમ્બર 2021ના રોજ લાગૂ કરવામાં આવ્યા હતા જે ડિસેમ્બર 2021થી 1લી જુલાઇ 2022 સુધી અમલમાં રહી શકે છે.
રીજનલ વિસ્તારના સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ માટે પર્મેનન્ટ રેસીડન્સી
ઓસ્ટ્રેલિયન સરકારે સ્કીલ્ડ રીજનલ સબક્લાક 191 વિસા અમલમાં મૂક્યા છે. આ વિસા 16મી નવેમ્બર 2022થી અમલમાં આવશે. આ વિસા અંતર્ગત જે વિસાધારકો અગાઉ નક્કી કરવામાં આવેલા રીજનલ વિસ્તારોમાં રહ્યા છે, કાર્ય કર્યું છે તથા અભ્યાસ કર્યો છે તેમને પર્મેન્ટ રેસીડન્સી પ્રાપ્ત થઇ શકે છે.
ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન એજન્સીના મેનેજીંગ ડાયરેક્ટર માઇગ્રેશન એજન્ટ રુબી ફોવડારે જણાવ્યું હતું કે, જે વિસાધારકો અગાઉ 494 વિસા હેઠળ 3 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયા રહ્યા છે તેઓ 191 માટે અરજી કરી શકે છે.
સ્કીલ્ડ માઇગ્રેશન માટે 'સેક્શન 48 બાર' હટાવવામાં આવ્યો
'સેક્શન 48 બાર' માં સુધારા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં રહીને જ 3 વિસાશ્રેણી માટે અરજી કરી શકાય છે.
'સેક્શન 48 બાર' જે વ્યક્તિના અગાઉ વિસાની અરજી રદ કરવામાં આવી હતી તેને લાગૂ પડે છે.
13મી નવેમ્બર 2021ના રોજ ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકે 491, 494 તથા 190 વિસા સબક્લાસ માટે તે નિયમ હટાવ્યો હતો.
કામચલાઉ ગ્રેજ્યુએટ વિસાધારકો માટે નવી ગોઠવણ
જે કામચલાઉ ગ્રેજ્યુએટ વિસાધારકો ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયા હતા અને તેઓ મહામારીના કારણે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશી ન શક્યા તેમના વિસા બદલી આપવામાં આવશે.
સરકારે જણાવ્યું છે કે જે ટેમ્પરરી ગ્રેજ્યુએટ (સબક્લાક 485) વિસાધારકોના વિસા 1લી ફેબ્રુઆરી 2020ના રોજ કે ત્યાર બાદ સમાપ્ત થઇ ગયા છે તેઓ તેટલા દિવસ માટે 1લી જુલાઇ 2022થી નવા વિસા માટે અરજી કરી શકે છે.
આ ઉપરાંત Masters by Coursework ગ્રેજ્યુએટને 2 વર્ષના બદલે 3 વર્ષ સુધી 485 વિસા ઉપલબ્ધ કરાવવામાં આવશે જ્યારે Graduate Work stream અંતર્ગત 18 મહિનાથી વધારીને 24 મહિના સુધી વિસા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સરકારે જણાવ્યું હતું કે તે ફેરફારો 1લી ડિસેમ્બર 2021થી 1લી જુલાઇ 2022 સુધી અમલમાં આવશે જ્યારે વિસા બદલી માટે 1લી જુલાઇ 2022થી અરજી કરી શકાશે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
Share



