ઓસ્ટ્રેલિયામાં રજીસ્ટ્રેશન કરાવવા ઇચ્છતી આંતરરાષ્ટ્રીય નર્સ અને મીડવાઇફ માટે નર્સિંગ એન્ડ મિડવાઇફ બોર્ડ ઓફ ઓસ્ટ્રેલિયાએ નવું એસેસમેન્ટ મોડલ અમલમાં લાવવા અંગે વર્ષ 2018માં જાહેરાત કરી હતી.
ગયા વર્ષે એસેસમેન્ટમાં આઠમાંથી ત્રણ માપદંડો કરી દેવામાં આવ્યા હતા અને હવે સંસ્થા વિદેશની નર્સો માટે આઉટકમ – બેસ્ડ એસેસમેન્ટ મોડલ અમલમાં મૂકી રહ્યું છે.
નવી પદ્ધતિ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય ક્વોલિફાઇડ નર્સ અને મિડવાઇફ માર્ચ 2020થી નવા એસેસમેન્ટ મોડલનો લાભ લઇ શકશે, તેમ નર્સિંગ એન્ડ મિડવાઇફ બોર્ડ ઓફ ઓસ્ટ્રેલિયાએ ફી અને તેના માળખા વિશે વાત કરતા જણાવ્યું હતું.
Image
મુખ્ય મુદ્દા
- આઉટકમ બેસ્ડ મોડલ માર્ચ 2020થી શરૂ થશે.
- વર્તમાન બ્રિજીંગ પ્રોગ્રામ કરતાં અડધી ફી રહેશે.
- મોટાભાગના એસેસમેન્ટના સ્ટેજ વિદેશથી થઇ શકશે.
- ઓબ્જેક્ટીવલી સ્ટ્રક્ચર્ડ ક્લિનીકલ એક્ઝામ એડિલેડમાં યોજાશે.
હાલમાં વિદેશમાં રહેતા અને ઓસ્ટ્રેલિયામાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે કોલેજમાંથી ડિગ્રી ન મેળવનારા નર્સ અને મિડવાઇફ માટે આ એસેસમેન્ટ મોડલ અનૂકુળ રહેશે.
SBS Malayalam સાથેની વાતચીતમાં સંસ્થાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નર્સ અને મિડવાઇફે રજીસ્ટ્રેશન કરાવ્યા પહેલા આ મોડલ પાસ કરવું જરૂરી છે.
મેલ્બર્નના શિક્ષણ સલાહકાર જૈસન થોમસે જણાવ્યું હતું કે નવી પદ્ધતિ દ્વારા એસેસમેન્ટ સરળ થશે કે અઘરું તે અસ્પષ્ટ છે.
વધુ પડાવ
નવા એસેસમેન્ટ મોડલમાં ત્રણ સ્ટેજ રાખવામાં આવ્યા છે. જેમાં ઘણા આંતરિક પડાવ પણ છે. જોકે, તે વિદેશમાં રહીને પણ પાસ કરી શકાય છે.
એસેસમેન્ટ પોતાની વિગતો ચેક કરવાથી શરૂ થાય છે. જેમાં અરજીકર્તાની ડિગ્રીની તપાસ થશે.
જે નર્સ અને મિડવાઇફ ઓસ્ટ્રેલિયન ધારાધોરણની સમકક્ષ ડિગ્રી મેળવશે તે રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.
જો ડિગ્રી ઓસ્ટ્રેલિયન ધારાધોરણ પ્રમાણે હોય પરંતુ સમકક્ષ ન હોય તો ઉમેદવારે આઉટકમ – બેસ્ડ એસેસમેન્ટ મોડલ પાસ કરવું પડશે.
આઉટકમ બેસ્ડ મોડલ બે પ્રકારે થશે
પ્રથમ સ્ટેજમાં વૈકલ્પિક પરીક્ષા હશે અને બીજા સ્ટેજમાં ઓબ્જેક્ટિવ સ્ટ્રક્ચર્ડ ક્લિનીકલ પરીક્ષા પાસ કરવી પડશે.
વૈકલ્પિક પરીક્ષા તમામ દેશોમાં ઉપલબ્ધ રહેશે. પ્રથમ સ્ટેજ પાસ કર્યા બાદ જ ઉમેદવાર બીજા સ્ટેજમાં પ્રવેશી શકશે.
બીજા સ્ટેજમાં ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર રેગ્યુલેશન એજન્સીની દેખરેખ હેઠળ પરીક્ષા લેવાશે.
ફી ઓછી થશે
વર્તમાન પદ્ધતિ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય નર્સો અને મિડવાઇફ ટૂંકાગાળાનો બ્રિજીંગ પ્રોગ્રામ પાસ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા. આ પ્રોગ્રામની ફી 15,000થી 18,000 ડોલર સુધીની છે.
પરંતુ, નવા મોડલમાં ફી ઘટાડવામાં આવી છે.
રજીસ્ટર્ડ નર્સ માટે વૈકલ્પિક પરીક્ષાની ફી 200 ડોલર રાખવામાં આવી છે. જ્યારે મિડવાઇફ માટે 165 ન્યૂઝીલેન્ડ ડોલર ફી નક્કી કરવામાં આવી છે.
વૈકલ્પિક પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવા અંગે હજી સુધી કોઇ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.