સમગ્ર ભારત દેશમાં સરદાર વલ્લભભાઇ પટેલની 143મી જન્મજયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી પણ ભારતથી હજારો કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમાજના લોકોએ પણ તે દિવસની ઉજવણી કરી હતી. મેલ્બોર્નમાં સ્થાયી ગુજરાતી સમાજના લોકોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ મનાવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન કરનાર ગુજરાતી હેલ્પલાઇન ઓસ્ટ્રેલિયાના પ્રમુખ અમિત રાયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા દિવસે મેલ્બોર્નમાં વસતા ગુજરાતી સમાજના લોકોને એકત્ર કરીને નવી પેઢીના બાળકોને ભારતીય સંસ્કૃતિ તથા સરદાર વલ્લભભાઇ પટેલે દેશ માટે આપેલા યોગદાનને યાદ કરવાનો મુખ્ય હેતૂ હતો. કાર્યક્રમમાં કુલ 100 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમની શરૂઆત સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી હતી. ત્યાર બાદ દર્શ રાયે ભારતીય રાષ્ટ્રગીત તથા શીખા પટેલ, એન્જલ પટેલ અને રીષી રાયે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત પ્રસ્તુત કર્યું હતું.

National Unity Day was celebrated in Melbourne. Source: Amit Ray
કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઇ પટેલના જીવન તથા આઝાદીની લડતમાં તેમણે આપેલા ફાળા અંગેનો એક વિડીયો પ્રસ્તુત કરાયો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ સમારંભનું જીવંત પ્રસારણ કરાયું હતું.
ત્યારબાદ વૈષ્ણવજન ભજન ગાવામાં આવ્યું હતું અને જીતેન્દ્ર જોષી દ્વારા સ્ટેન્ડ અપ કોમેડી કરવામાં આવી હતી. હેની ક્ષત્રિયએ દેશભક્તિ તથા બોલીવૂડના ગીતો પ્રસ્તુત કર્યા હતા.

National Unity Day was celebrated at Melbourne. Source: Amit Ray
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે મેલ્બોર્નમાં યોજાયેલા કાર્યક્રમમાં લગભગ 15 જેટલા ગુજરાતી સંસ્થાઓ, મંદિર તથા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.
Share


