ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં સાઉથ એશિયન કમ્યુનિટી ખૂબ મોટી સંખ્યામાં રહે છે. દેશથી દૂર રહીને પણ તેઓ પોતાના દેશની સંસ્કૃતિ, કલ્ચર, રમતને ભૂલ્યા નથી. મોટાભાગે સાઉથ એશિયન કમ્યુનિટીનું ફેવરિટ સ્પોર્ટ્સ ક્રિકેટ છે. મેલબોર્નમાં સમર સિઝન આવતાની સાથે જ ક્રિકેટની વિવિધ ટૂર્નામેન્ટ્સનો પ્રારંભ થઇ ગયો છે. આ સમર સિઝનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા રમાતી બિગ બેશ લીગની ટોચની ટીમ મેલબોર્ન રેનેગેડ્સે સાઉથ એશિયન કમ્યુનિટીમાં ટીમની લોકપ્રિયતા વધારવા માટે ક્રિકેટ વિક્ટોરિયા સાથે મળીને ખાસ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. જેનો મુખ્ય ઉદેશ્ય સાઉથ એશિયન કમ્યુનિટી માટે ક્રિકેટની નવી તક ઉભી કરવાનો છે.
મેલબોર્ન રેનેગેડ્સ અને ક્રિકેટ વિક્ટોરિયા દ્વારા યોજાનારી ક્રિકેટ લીગમાં સાઉથ એશિયન કમ્યુનિટીને પોતપોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. મેલબોર્ન રેનેગેડ્સ ચેમ્પિયન્સ લીગ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશની ટીમો ભાગ લેશે.
ટૂર્નામેન્ટ ફોર્મેટ
મેલબોર્ન રેનેગેડ્સ ચેમ્પિયન્સ લીગ માટે ખેલાડીઓનું ટ્રાયલ લેવામાં આવશે. 29મી ઓક્ટોબર 2017ના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ટ્રાયલમાં દરેક દેશના 50 ખેલાડીઓને પસંદ કરવામાં આવશે. દરેક દેશને 1.30 કલાકનો સમય આપવામાં આવશે. ત્યાર બાદ દરેક દેશની 15 ખેલાડીઓની ટીમ બનાવવામાં આવશે. ત્રણ અઠવાડિયા સુધી રમાનારી ટૂર્નામેન્ટમાં દરેક ટીમ એક દિવસમાં બે મેચ રમશે. દરેક ટીમ ગ્રૂપમાં બાકીની તમામ ટીમો સામે રમશે અને તેમાંથી જે પ્રથમ બે ટીમો ટોચના સ્થાને રહેશે તે બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ટૂર્નામેન્ટની ગ્રાન્ડ ફાઇનલ મેચ 10મી ડિસેમ્બર 2017ના રોજ મેલબોર્ન રેનેગેડ્સ ફેમિલી ડેના દિવસે જીલોંગમાં રમાશે.
ટૂર્નામેન્ટનો કાર્યક્રમ
12મી નવેમ્બર, 2017 - 9 am - 5pm
19મી નવેમ્બર, 2017 - 9 am - 5pm
3 ડિસેમ્બર 2017 - 9 am - 1pm
ફાઇનલ - 10 ડિસેમ્બર 2017 - જીલોંગ
મેચ દરમિયાન દરેક દેશના કલ્ચરનો પ્રમોટ કરાશે
ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન દરેક દેશની સંસ્કૃતિ તથા તેમના કલ્ચરને પ્રમોટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના ભાગરૂપે જે બંને દેશની મેચ રમાતી હશે તે બંને દેશની કલ્ચરનું પ્રદર્શન કરીને કમ્યુનિટીને જોડવાનો એક અનોખો પ્રયત્ન હાથ ધરાશે.
બેસ્ટ પર્ફોર્મ કરનાર ખેલાડીઓને સિડની તથા હોબાર્ટ સામે રમવાની તક
મેલબોર્ન રેનેગેડ્સ ચેમ્પિયન્સ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દરેક દેશની ટીમમાંથી બેસ્ટ પર્ફોર્મન્સ કરનારા ખેલાડીઓને ફેબ્રુઆરીમાં સિડની થંડર ટીમ તથા હોબાર્ટ હરિકેન્સ ટીમ સામે રમાનારી સિરીઝ માટે મેલબોર્ન રેનેગેડ્સની ટીમમાં પસંદ કરવામાં આવશે. કમ્યુનિટી ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આ સિરીઝનું આયોજન કરવામાં આવશે.
ક્રિકેટને પ્રોત્સાહન, યુવા ખેલાડીઓને ઉમદા પ્રદર્શનની તક મળશે : હુસૈન હનીફ
ટૂર્નામેન્ટના આયોજન અંગે ક્રિકેટ વિક્ટોરિયાના મલ્ટિકલ્ચર પાર્ટીસિપેશન ઓફિસર હુસૈન હનીફે જણાવ્યું હતું કે ક્રિકેટએ સાઉથ એશિયન દેશની સૌથી ફેવરિટ રમત છે અને મેલબોર્નમાં મોટી સંખ્યામાં સાઉથ એશિયન કમ્યુનિટી રહે છે તેથી આ ટૂર્નામેન્ટ દ્વારા સાઉથ એશિયન ક્રિકેટર્સને પોતાની પ્રતિભા દર્શાવવાની એક ઉમદા તક મળશે. સાઉથ એશિયાના વિવિધ છ દેશોની ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી હોવાથી તમામ ટીમો તથા દેશોને એકબીજા સાથે જોડાવવાનું પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. સાઉથ એશિયન કમ્યુનિટીના મોટાભાગના ક્રિકેટર્સ શોખ માટે ક્રિકેટ રમે છે પરંતુ આ પ્રકારની ટૂર્નામેન્ટ દ્વારા તેઓનું પ્રોફેશનલ ક્રિકેટ સાથે જોડાણ થશે જે ક્રિકેટર્સની સંખ્યામાં વધારો કરશે. ક્રિકેટર્સ ઉપરાંત મેચ ઓફિસિયલ્સ અને અન્ય સ્ટાફને પણ મોટું સ્ટેજ મળશે.
રજીસ્ટ્રેશન
ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માંગતા ખેલાડીઓ માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 16મી ઓક્ટોબર 2017 છે.અહીં રજિસ્ટર કરો.
વધારે માહિતી માટે હુસૈન હનીફનો સંપર્ક કરી શકાશે: Hhanif@cricketvictoria.com.au
Share

