ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે વિદેશથી ઓસ્ટ્રેલિયા ઉતરાણ કરતા મુસાફરો માટે ફ્લાઇટ અગાઉ કરવામાં આવતો કોવિડ-19 ટેસ્ટ પડતો મૂકવાનો નિર્ણય લીધો છે.
આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું હતું કે, સરકાર ઓસ્ટ્રેલિયા ઉતરાણ કરતા મુસાફરો માટે ફ્લાઇટમાં બેસતા અગાઉ કોવિડ-19 નેગેટિવ રીપોર્ટ દર્શાવવાની જરૂરીયાત હટાવી રહી છે.
આ નવો ફેરફાર 17મી એપ્રિલથી લાગૂ થશે.
તેમણે ઉમેર્યું હતું કે, મુસાફરો માટે માન્ય રસીના 2 ડોઝ તથા ફ્લાઇટ દરમિયાન માસ્ક પહેરી રાખવાનો નિયમ યથાવત રહેશે પરંતુ આરોગ્ય સલાહ પ્રમાણે, કોવિડ-19 પ્રી-ડીપાર્ચર ટેસ્ટની જરૂરીયાત હટાવવાનો નિર્ણય લેવાયો છે.

Health Minister Greg Hunt. Source: AAP
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું હતું કે, કેટલાક સ્થળોએ કોવિડ-19 ટેસ્ટની ઉપલબ્ધતા તથા તેના પરિણામમાં સાતત્યનો અભાવ જોવા મળ્યો છે. તેમણે ઓસ્ટ્રેલિયાની બે મોટી એરલાઇન્સ ક્વોન્ટાસ તથા વર્જીનના ચીફ એક્સીક્યુટીવ ઓફિસર્સ સાથે પણ આ બાબતે ચર્ચા કરી તેમની આરોગ્ય સલાહ લીધી હોવાનું જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ કોવિડ-19ના કારણે દેશના રહેવાસીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને લાગૂ કરવામાં આવેલા બાયોસિક્યોરિટી એક્ટ અંતર્ગતના નિયમો પણ હટાવવાનો નિર્ણય લીધો છે.
ઓસ્ટ્રેલિયા મુસાફરી કર્યા અગાઉ કરવામાં આવતા કોવિડ-19 ટેસ્ટની જરૂરીયાત સમાપ્ત કર્યા ઉપરાંત, તેમણે ક્રૂઝ શિપ પર લાદવામાં આવેલા પ્રતિબંધો પણ હટાવવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19 કેસની સંખ્યા ન વધે તે માટે કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયા મુસાફરી કર્યા અગાઉ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે પ્રિ-ડીપાર્ચર કોવિડ ટેસ્ટ કરાવવાનો નિયમ અમલમાં મૂક્યો હતો.
અગાઉ ઓસ્ટ્રેલિયા મુસાફરી કર્યાના 72 કલાકની અંદર કોવિડ-19 માટેનો PCR ટેસ્ટ કરાવી નેગેટિવ પરિણામ દર્શાવવું જરૂરી હતું. જોકે, ત્યાર બાદ સરકારે રેપીડ એન્ટીજન ટેસ્ટને માન્ય કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે, હવે 17મી એપ્રિલથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ કર્યા અગાઉ કોવિડ-19 ટેસ્ટ કરાવી નેગેટિવ પરિણામ દર્શાવવું જરૂરી રહેશે નહીં.