ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના સિડની શહેરમાં સેન્ટ્રલ બિઝનેસ ડીસ્ટ્રીક્ટ (CBD) વિસ્તારમાં સ્ટેબીંગની ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઇને જવાબી કાર્યવાહી કરી એક વ્યક્તિની ધકપકડ કરી છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના જણાવ્યા પ્રમાણે, કિંગ અને ક્લિયરન્સ સ્ટ્રીટ વિસ્તારમાં મંગળવારે બપોરે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે ટ્વિટરના માધ્યમથી લોકોને આ વિસ્તારમાં ન જવા માટે સૂચના આપી હતી.

Police at the scene. Source: AAP
ઘટના સ્થળથી થોડા અંતર પર રહેલા તેજસ ઓઝાએ જણાવ્યું હતું કે તેમણે થોડા સમય અગાઉ એક મિટીંગ પૂરી કરી હતી અને તે જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરીને જમીન પર પાડી દીધો હતો.
ઘટના સ્થળની આસપાસ ઉભેલા ઘણા લોકોએ જણાવ્યું હતું કે તે વ્યક્તિના હાથમાં ચપ્પુ હતું અને તેના વડે રાહદારીઓ તથા લંચ કરી રહેલા લોકો પર તેણે હુમલો કર્યો હતો.
ટ્વિટર પર એક ટ્વિટમાં જણાવાયું હતું કે કોઇ અજાણી વ્યક્તિએ રસ્તા પરથી પસાર થઇ રહેલા લોકો પર ચપ્પા વડે હુમલો કર્યો હતો.
2GB રેડિયોના એક કોલરે જણાવ્યું હતું કે હાથમાં ચપ્પુ લઇને ફરી રહેલા માણસને પોલીસે પકડી લીધો હતો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે જણાવ્યું હતું કે તે વ્યક્તિના હાથમાં ધારિયા જેવું કોઇ ઘાતક હથિયાર હતું.
એક ઉબર ડ્રાઇવર, લિયોને 2GBને માહિતી આપી હતી કે એક અર્ધનગ્ન માણસનું શરીર લોહીથી ખરડાયેલું હતું અને તે હાથમાં ચપ્પુ લઇને તેની કાર સાથે અથડાયો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તે વ્યક્તિની ઉંમર લગભગ 23 - 24 વર્ષ જેટલી હશે.
ધ ગાર્ડિયને જણાવ્યું હતું કે સ્ટ્રીટ પર ચાલી રહેલા લોકો પર ચપ્પા વડે હુમલો કરનારા માણસની પોલીસે ધરપકડ કરી લીધી છે.