કોમનવેલ્થ રમતોની આરંભવીધી 4એપ્રિલના યોજાશે અને 8મી એપ્રિલથી એથ્લેટીક્સ રમતો શરુ થશે. ઓસ્ટ્રેલિયા ખાતેની આ રમતોમાં સારો દેખાવ કરવા સરિતા પ્રયત્નશીલ છે. તેઓ નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યા છે.
ખેલાડી તરીકેની સફર :
સરિતા નાનપણથીજ ખેલ કૂદમાં રસ ધરાવતા. તેઓએ શરૂઆત ખો- ખોના ખેલાડી તરીકે કરી હતી. ખો- ખોની રાષ્ટ્રીય સ્પર્ધામાં તેઓ ગુજરાત રાજ્ય તરફથી 17 વખત રમ્યા છે. તેમની ક્ષમતા જોઈને રાષ્ટ્રીય કક્ષાએ એક રમત દરમિયાન એક કોચે તેમને સલાહ આપી કે તેઓએ એક વ્યક્તિગત રમતમાં ધ્યાન આપી કારકિર્દી બનાવવી જોઈએ.
વર્ષ 2012માં ગુજરાત સરકાર દ્વારા શરુ કરાયેલ ખેલ મહાકુંભમાં તેઓએ 100, 200 અને 400 મીટર દોડમાં અને રીલે દોડમાં ભાગ લીધો અને તેઓએ પ્રથમ સ્થાન મેળવ્યું.
નડિયાદ ખાતે સરકારી સ્પોર્ટ્સ એકેડમીમાં વધુ તાલીમ મેળવી અને વર્ષ 2014-15માં આંતર યુનિવર્સીટી એથ્લેટીક્સ સ્પર્ધામાં તેમણે કાંસ્ય ચંદ્રક, 2015-2016માં રજત ચંદ્રક અને 2016-2017 માં સુવર્ણ ચંદ્રક મેળવ્યો.

Source: Sarita Gayakwad
ત્યારબાદ ભારત સરકાર તરફથી પટિયાલા ખાતે ઇન્ડિયન કેમ્પમાં તાલીમ લીધી અને વર્ષ 2017માં પ્રથમ વખત ભારત તરફથી એશિયન ચેમ્પિયનશીપમાં 400 મીટર રીલેમાં તેમની પસંદગી કરવામાં આવી.

Source: Sarita Gayakwad
ફ્રેબ્રુઆરી 2018માં તેઓએ એશિયન ગેમ્સ ઇન્વિટેશન ટુર્નામેન્ટમાં 400મીટર હર્ડલ દોડમાં પ્રથમ અને 400 મીટર દોડમાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો. અને કોમનવેલ્થ ગેમ્સમાં તેઓ ભારતને ચંદ્રક અપાવવા પ્રતિબદ્ધ છે.
સંઘર્ષથી સફળતાની કહાની :
સરિતા ગાયકવાડ ડાંગ જિલ્લાના કરડીઅંબા ગામના વતની છે, તેમના માતાપિતા છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેમની બન્ને બહેનો ભણવામાં હોશિયાર છે. નાનપણથીજ ખેલ ક્ષેત્રે રુચિ ધરાવતા સરિતાને પરિવાર તરફથી મોરલ સપોર્ટ ખુબ મળ્યો પણ આર્થિક તંગીના કારણે તેને ખેલાડી તરીકેની કારકિર્દી બનાવવી એક સ્વપ્ન લાગતું.
તેઓ જણાવે છે કે તેઓના કાકાને ઘેર ટીવી હતું અને તેઓ તેમાં ડીડી સ્પોર્ટ્સ જોતા, ભારતીય મહિલા ખેલાડીઓ સાનિયા મિર્ઝા, સાનિયા ને જોઈ તેમને થતું કે એક દિવસ તેઓ પણ ભારતને આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રતિષ્ઠા અપાવશે.

Source: Sarita Gayakwad
ગ્રામ્ય સરકારી શાળામાં અભ્યાસ કરતા સરિતા ખો - ખોની રમતના રાષ્ટ્રીય કક્ષાના ખેલાડી બન્યા. તેમનો સારો દેખાવ જોઈ તેમને વ્યક્તિગત ખેલ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ આપવામાં આવી.
પ્રથમ વખત ખેલ મહાકુંભમાં દોડમાં ભાગ લીધો અને પ્રથમ ક્રમે આવ્યા ઇનામમાં 25,000 રૂપિયા મળતા તેઓ ખુશીથી રડી પડ્યા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાએ પણ શાનદાર દેખાવના કારણે તેમને નડિયાદ ખાતે આવેલ સ્પોર્ટ્સ એકેડમીમાં તાલીમ આપવામાં આવી અને તેઓ ખેલાડી તરીકે કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત થયા.

Source: Sarita Gayakwad
સરિતા જયારે નડિયાદ ખાતે સ્પોર્ટ્સ એકેડમીમાં ભરતી થયા ત્યારે તેમણે જરૂરી શૂઝ પહેરીને દોડવાનું શરુ કર્યું, ત્યાંસુધી તો તેઓ ખુલ્લા પગે દોડતા અને કોઈ ખાસ સ્પર્ધામાં તેઓ કોઈના શૂઝ લઈને પહેરતા.
રાષ્ટ્રીય કક્ષાએ સુંદર દેખાવ બાદ ભારત સરકારે તેમને ઇન્ડિયન કેમ્પમાં તાલીમ અપાવી અને તેઓ આજે આ મુકામ સુધી પહોંચ્યા છે.