મેલ્બર્નમાં કોરોનાવાઇરસનું સંક્રમણ કાબૂમાં ન આવતા રાજ્ય સરકારે વર્તમાન નિયંત્રણો વધુ 7 દિવસ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 51,000 કોરોનાવાઇરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 6 કેસનું નિદાન થયું હતું. હાલમાં રાજ્યમાં કોરોનાવાઇરસના સંક્રમણની સંખ્યા 60 થઇ ગઇ છે.
રાજ્યના એક્ટીંગ પ્રીમિયર જેમ્સ મેર્લિનોએ જણાવ્યું હતું કે, મેલ્બર્નમાં નિયંત્રણો વધુ સાત દિવસ માટે લંબાવાયા છે જ્યારે રીજનલ વિક્ટોરીયામાં કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે.
ગુરુવાર 3જી જૂન રાત્રે 11.59 વાગ્યાથી 5 કારણોસર જ ઘરની બહાર જઇ શકાશે..
- જીવન જરૂરીયાતની ચીજવસ્તુની ખરીદી
- નોકરી કે અભ્યાસ માટે
- સારસંભાળ લેવા કે આપવા
- કસરત કરવા
- રસી લેવા
મેલ્બર્નના રહેવાસીઓ ઘરથી 10 કિલોમીટરના વિસ્તારમાં કસરત કે ખરીદી કરવા માટે જઇ શકશે. જ્યારે યર 11 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકશે.
આ ઉપરાંત, ઘણા આઉટડોર કાર્યો અને નોકરીઓ જેમ કે લેન્ડસ્કેપીંગ, પેઇન્ટીંગ, સોલર પેનલ સાથે સંકળાયેલું કાર્ય પણ શરૂ કરી શકાશે.
મેટ્રોપોલિટન મેલ્બર્નમાં નિયંત્રણો વધુ 7 દિવસ માટે લંબાવવામાં આવ્યા છે પરંતુ રીજનલ વિક્ટોરીયોમાં કેટલાક નિયંત્રણો હળવા કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

Acting Victorian Premier James Merlino speaks to the media. Source: AAP
જે અંતર્ગત ગુરુવાર રાત્રે 11.59 વાગ્યાથી રીજનલ વિક્ટોરીયાના રહેવાસીઓ...
- કોઇપણ કારણસર ઘરની બહાર જઇ શકશે તથા મુસાફરીના અંતરની મર્યાદા પણ હટાવવામાં આવી છે.
- ચોક્કસ કારણોસર જ મેલ્બર્નની મુલાકાત લઇ શકાશે અને તે દરમિયાન મેલ્બર્નના નિયંત્રણોનું પાલન કરવું પડશે.
- આઉટડોર સ્થળો પર 10 લોકો એકઠાં થઇ શકશે,
- ખાદ્યસામગ્રી વેચતા વ્યવસાયો તથા હોસ્પિટાલીટી ક્ષેત્ર બેસવાની વ્યવસ્થા સાથે શરૂ થઇ શકશે. જેમાં દર 4 સ્ક્વેયર મીટરના નિયમ સાથે 50 લોકોને મંજૂરી
- રીટેલ સર્વિસ શરૂ થઇ શકશે. આ ઉપરાંત, બ્યૂટી, ટેટૂ સર્વિસ પણ માસ્ક પહેરવાની શરત સાથે શરૂ કરી શકાશે.
- ઇન્ડોર તથા આઉટડોરમાં ધાર્મિક કાર્યક્રમો તથા મેળાવડા વિધી કરાવનારી વ્યક્તિ ઉપરાંત 50 લોકો સાથે યોજી શકાશે.
- લગ્ન સમારંભમાં 10 લોકો તથા અંતિમ સંસ્કારમાં 50 લોકોને પરવાનગી
- જૂનિયર આઉટડોર કમ્યુનિટી સ્પોર્ટ્સ તથા વયસ્ક લોકો માટે આઉટડોર ટ્રેનિંગ શરૂ કરી શકાશે.
- આઉટડોર પૂલ, સ્વીમિંગ ક્લાસિસ 4 સ્ક્વેયર મીટરના નિયમથી 50 લોકો સાથે યોજી શકાશે.
- સ્થળના ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને લાઇબ્રેરીમાં 50 લોકો સુધી ભેગા થવાની પરવાનગી
- આઉટડોરમાં બેસવાની સુવિધા સાથેના મનોરંજનમાં 50 લોકો કે સ્થળની કુલ બેસવાની ક્ષમતાના 50 ટકામાંથી જે ઓછું હશે તે અમલમાં મૂકી શરૂ કરી શકાશે.