મેલ્બર્નના રહેવાસી શ્રેયાંશ ધર્મેશ શાહ, તેમના પરિવાર તથા તેમના 6 મિત્રોએ ભારતના મુંબઇ શહેર જવા માટે 28 ડિસેમ્બરે શ્રીલંકન એરલાઇન્સની ટિકિટ ખરીદી હતી.
હાઇલાઇટ્સ:
- શ્રેયાંશ શાહ 26 તથા 28 ડિસેમ્બરે મેલ્બર્ન એરપોર્ટ ખાતે કરેલા ટેસ્ટમાં કોવિડ પોઝીટીવ આવ્યા હતા.
- ડો ડગ્લાસે જણાવ્યું હતું કે, એરપોર્ટ તથા ઇમર્જન્સી વિભાગમાં એક જ સરખું સાધન વપરાય છે. તે ખૂબ જ સંવેદનશીલ અને ભરોસાપાત્ર છે.
- વિક્ટોરીયાના આરોગ્ય વિભાગે તેમની ટેસ્ટીંગ પ્રણાલી અને પેથોલોજી સુવિધા પર સંપૂર્ણ ભરોસો હોવાનું જણાવ્યું હતું.
શ્રેયાંશ શાહે SBS Hindi સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમણે મુસાફરીના 72 કલાક અગાઉ એટલે કે 26મી ડિસેમ્બરે મેલ્બર્ન એરપોર્ટ ખાતે આવેલી Histopath Labમાં ફરજિયાત COVID RT-PCR ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. અને, તેમના 'Express RT-PCR swab' નું પરિણામ 3 કલાકમાં આવી ગયું હતું.
અમારા સિવાય ગ્રૂપના અન્ય તમામ લોકોનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રીપોર્ટ નેગેટીવ આવવાનો મતલબ હતો કે અમે ભારત નહીં જઇ શકીએ અને પરિવારને નહીં મળી શકીએ. અમે પરિવારને છેલ્લા 3 વર્ષથી મળ્યા નહોતા, તેમ શ્રેયાંશ શાહે SBS Hindi ને જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, "ત્યાર બાદ અમે ઘરે આવ્યા અને આઇસોલેટ થયા પરંતુ અમને કોઇ લક્ષણો નહોતા એટલે અમે ઘરે રેપીડ એન્ટીજન ટેસ્ટ કર્યો અને અમારો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. અમે સુનિશ્ચિત કરવા માટે ફરીથી એક વખત રેપીડ એન્ટીજન ટેસ્ટ કર્યો અને પરિણામ ફરીથી નેગેટીવ આવ્યું."

ઓસ્ટ્રેલિયાના નાગરિક શ્રેયાંસ શાહ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કાર્યરત છે. તેમણે Histopath Lab ના પોઝીટીવ ટેસ્ટના પરિણામ બાદ તેમના મિત્રો તથા નજીકના સંપર્કમાં આવેલા લોકો અને તેમના દિકરાના ચાઇલ્ડ કેરમાં જાણ કરવાનું નક્કી કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, તે જ દિવસે સાંજે (26મી ડિસેમ્બરે) તેઓ મેલ્બર્ન શોગ્રાઉન્ડ્સ ખાતે ડ્રાઇવ-થ્રૂ પીસીઆર ટેસ્ટ કરાવવા ગયા હતા. જેનું 28મી ડિસેમ્બરે નેગેટીવ પરિણામ આવ્યું હતું.
એક જ દિવસે બંને ટેસ્ટનું અલગ અલગ પરિણામ આવવું હાસ્યાસ્પદ છે. કલાકોમાં જ વાઇરસ તમારા શરીરમાંથી બહાર ન જતો રહે. અમને આગળ શું પગલાં લેવા તે વિશે અસમંજસની પરિસ્થિતિ ઉત્પન્ન થઇ હતી. તેમ શ્રેયાંશ શાહે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે ત્યાર બાદ તેમણે 28મી ડિસેમ્બરના રોજ મેલ્બર્નના ક્લેટન વિસ્તારમાં આવેલા મોનાશ હેલ્થ ટેસ્ટીંગ સેન્ટર ખાતે પત્ની તથા બાળક સાથે ગયા હતા. અગાઉની યોજના પ્રમાણે, 28 ડિસેમ્બરના રોજ શ્રેયાંશ તેમના 6 મિત્રો સાથે મુંબઇની ફ્લાઇટમાં મુસાફરી કરવાના હતા.
અમે પરિવારના ચારેય સભ્યોએ તે દિવસે સવારે ટેસ્ટ કરાવ્યો અને ત્યાર બાદ હું મેલ્બર્ન એરપોર્ટ ખાતે આવેલી Histopath Lab ગયો અને ત્યાં તેમને શોગ્રાઉન્ડ્સ ખાતે આવેલા મારા નેગેટીવ રીપોર્ટ અંગે માહિતી આપી, તેમ શ્રેયાંશે ઉમેર્યું હતું.
મેં તેમને (Histopath) ને મારો ફરીથી ટેસ્ટ કરવા જણાવ્યું કારણ કે મારા સ્વાસ્થ્ય વિશે અને પરિવારની સારસંભાળ કેવી રીતે રાખવી તે વિશે મારે જાણવું જરૂરી હતું.
થોડા સમય ચર્ચા કર્યા બાદ તેઓ મારો ફરીથી ટેસ્ટ કરવા સહેમત થયા. મારો ટેસ્ટ ફરીથી પોઝીટીવ આવ્યો હતો. હું તરત જ ઘરે ગયો અને જ્યાં સુધી મોનાશ સેન્ટરનું નેગેટીવ પરિણામ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટાઇન થયો.
ફરીથી એક જ દિવસમાં 2 ટેસ્ટ કરાવ્યા અને બંનેમાં અલગ અલગ પરિણામ આવ્યા. વિક્ટોરીયન સરકારની આરોગ્ય પ્રણાલી પર પ્રશ્નો ઉભા થયા છે. આ અંગે ચોક્કસ પગલાં લેવા જરૂરી છે, તેમ શ્રેયાંશ શાહે જણાવ્યું હતું.

Histopath Diagnostic Specialists ના મેડિકલ ડીરેક્ટર, ડો ક્રિસ ડગ્લાસે જણાવ્યું હતું કે, તેઓ એરપોર્ટ પર ટેસ્ટ કરવા માટે 'Roche LIAT' નામનું સાધન વાપરે છે.
હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં આ જ સાધન વપરાશમાં લેવાય છે. તે ખૂબ જ સંવેદનશીલ અને ભરોસાપાત્ર છે. ભૂતકાળમાં ઘણા કિસ્સામાં 'LIAT' દ્વારા વાઇરસ ઝડપાયો છે પરંતુ અન્ય સાધનમાં તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે, તેમ ડો ડગ્લાસે SBS Hindi ને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, મોટાભાગના કેસ ઘણા ચેપ અથવા લક્ષણો વિના હોય તેવી શક્યતા છે.
11મી જાન્યુઆરીએ શ્રેયાંશ શાહે જણાવ્યું હતું કે, તેમને કોવિડનો ચેપ લાગ્યો હતો કે નહીં તે વિશે હજી તેઓ અનિશ્ચિત છે.
અમારા શરીરમાં શું થઇ રહ્યું છે તે વિશે કોઇ જાણ નથી પરંતુ, અમને કોવિડના લક્ષણો નથી, તેમ શ્રેયાંશે ઉમેર્યું હતું.
SBS Hindi એ શ્રેયાંસનો ટેસ્ટ નેગેટીવ આવ્યો તે પેથોલોજી સેન્ટરને ઇમેલ કર્યા હતા પરંતુ 5 દિવસ સુધી કોઇ પ્રત્યુત્તર આવ્યો નહોતો.
વિક્ટોરીયાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, તેમને તેમના ટેસ્ટ સેન્ટર્સ તથા ટેસ્ટીંગ પ્રણાલી પર પૂરો ભરોસો છે અને વ્યક્તિગત કેસ અંગે કોઇ ટીપ્પણી કરી શકે તેમ નથી.
કોરોનાવાઇરસ હોટલાઇનનો 1800 675 398 પર સંપર્ક કરી મદદ મેળવી શકાય છે. ઓનલાઇન મંતવ્ય માટે http://www.health.vic.gov.au/feedback-and-complaints ની મુલાકાત લઇ શકાય.

