કેન્દ્રીય કૃષીમંત્રી ડેવિડ લિટલપ્રાઉડે જણાવ્યું હતું કે, "દુકાળની પ્રવર્તી રહેલી પરિસ્થિતિમાં Coles અને Woolworths જેવા સુપરમાર્કેટ્સે જો તેમના એક ડોલર પ્રતિ લીટર દૂધની જાહેરાતને બંધ કરી હોત તો તેઓ ખેડૂતોને વધુ સારી રીતે મદદ કરી શક્યા હોત."
વરસાદનો અવાજ કોઇ પણ ખેડૂતના કાનમાં એક સુંદર સંગીત સમાન હોય છે અને હાલમાં જ પડેલા વરસાદે ન્યૂ સાઉથ વેલ્સના ગ્લેનમોરમાં રહેતા અને ખેતી - ડેરીનો વ્યવસાય કરતા ગેવિન મૂરેના મનમાં એક નવી આશા જગાડી છે.
તેમણે તાજેતરમાં જ પોતાની 40 જેટલી ગાયો વેચવી પડી હતી અને અત્યારે તેને પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે.
મૂરેના જણાવ્યા પ્રમાણે, "અત્યારે વધારે વરસાદની જરૂર છે. પરંતુ આ એક સારી શરૂઆત છે. અત્યારે મને એ ચિંતા સતાવી રહી છે કે શું મારે ખેતી ચાલુ રાખવી જોઇએ કે આ ઉદ્યોગ છોડીને અન્ય કોઇ કામ સ્વીકારવું જોઇએ."
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અત્યારે ઓછામાં ઓછો 200 મીલીલીટર વરસાદની જરૂર છે અને બીજો 100 મીલીલીટર વરસાદ ડેમ ભરવા માટે કે જે આગામી સમયમાં પડનારી ગરમી સામે રક્ષણ આપી શકે.
બીજી તરફ, મોટા સુપરમાર્કેટ્સમાં દૂધ માત્ર એક ડોલર લીટરના ભાવથી વેચાઇ રહ્યું છે, કૃષીમંત્રી ડેવિડ લિટલપ્રાઉડે સુપરમાર્કેટ્સને વધુ કડક પગલા લેવાની માગ કરી છે.
તેમણે Coles ના માત્ર 3 લીટરના પેકમાં જ ભાવવધારાના પગલાની તથા ખેડૂતોને નાણા માટે ગ્રાન્ટનો પ્રસ્તાવ રાખવાની નીતિની ટીકા કરી છે.
લિટલપ્રાઉડના જણાવ્યા પ્રમાણે, "ડેરી ઉત્પાદકોને ગ્રાન્ટ માટે અરજી કરાવવાની સુપરમાર્કેટ્સની નીતિ તદ્દન ખોટી છે. અમને એ પણ ખબર નથી કે આ પદ્ધતિ દ્વારા તે રકમ યોગ્ય ખેડૂત સુધી પહોંચશે કે કેમ, Woolworths દ્વારા લેવામાં આવેલા પગલાં પણ તદ્દન નિષ્ઠાહિન અને કપટી છે."
મંત્રીએ Coles અને Woolworths બંનેને એક લીટર દૂધ પર 10 સેન્ટનો વધારો ન કરવા બદલ ટીકા કરી હતી.
જ્હોન ફેરલી છેલ્લા એક દશકથી Coles અને Woolworths ને દૂધ વેચે છે. તેમના જણાવ્યા પ્રમાણે, "આ ઉદ્યોગને કાયમ માટે ટકાવી રાખવાનો એક ઉપાય એક ડોલરે લીટર દૂધનું વેચાણ બંધ કરવાનો છે."
ફેરલીએ જણાવ્યું હતું કે, "Coles અને Woolworths તથા અન્ય તમામ સુપરમાર્કેટ્સ જો ડેરી ઉદ્યોગ સાથે આ રીતે જ વર્તન કરશે તો તેમણે ભવિષ્યમાં ઉત્પાદનોની આપૂર્તિ સામે મુશ્કેલીનો સામનો કરવો પડશે."
Coles ના જણાવ્યા પ્રમાણે, તેમણે દુકાળમાં રાહત આપવા માટે લગભગ 12 મિલિયન ડોલર્સનો ફાળો ચૂકતે પણ કરી દીધો છે જ્યારે Woolworths નું કહેવું છે કે તેમણે દુકાળ સામે મદદ કરવા માટે એકત્રિત કરેલા 5 લાખ ડોલર આ અઠવાડિયાથી 280 જેટલા ખેડૂતો માસિક ચૂકવણી રૂપે ચૂકતે કરવામાં આવશે.
બીજી તરફ Aldi ના કહેવા પ્રમાણે તેમણે દૂધમાં ભાવવધારાને સ્વીકારી લીધું છે પરંતુ ગ્રાહકોને દૂધની ખરીદી પર કોઇ પણ પ્રકારનો ટેક્ષ લાદશે નહીં.
Share

