વિક્ટોરિયન સ્ટેટ ગવર્મેન્ટ આગામી ટૂંક સમયમાં જ Mobile Myki નું પરીક્ષણ કરવા જઇ રહી છે. Mobile Mykiમાં પેસેન્જર્સને Myki કાર્ડ સાથે રાખવું નહીં પડે. આ એપ્લિકેશન અંતર્ગત ગ્રાહક મુસાફરી સંબંધિત તમામ ડેટા એપ્લેકેશનમાં સ્ટોર કરી તેનો વપરાશ કરી શકશે. હાલમાં આ સુવિધા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર જ ઉપલબ્ધ રહેશે.
Mobile Myki એ સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા કાર્ય કરશે અને બસ, ટ્રેન તથા ટ્રામમાં જ્યાં પણ Myki કાર્ડ રીડર પર કાર્યરત છે ત્યાં તેનો ઉપયોગ કરી શકાશે.
આ નવી ટેક્નોલોજીના કારણે, ગ્રાહક પાસે Myki કાર્ડ રીચાર્જ કરાવવા ઉપરાંત બેલેન્સ ચેક કરવાની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ટિકીટ મશીન આગળ લાંબી લાઇન અને કાર્ડ ખોવાઇ જવાના ડરથી છૂટકારો મળશે.
આ ઉપરાંત પેસેન્જર્સ પાસે Myki Money અને Myki Pass નું પણ રીચાર્જ કરાવવાની સુવિધા રહેશે.
પબ્લિક ટ્રાન્સપોર્ટ વિક્ટોરીયાનો રોજીંદો વપરાશ કરતા ભારતીય વિદ્યાર્થી આશિષ કાલેએ આ અંગે જણાવ્યું હતું કે, "Mobile Myki દ્વારા રીચાર્જ ઉપરાંત બેલેન્સ વિશેની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવાથી તે મારા જેવા પેસેન્જર માટે ઘણી મદદરૂપ બની રહેશે."

Ashish Kale, an international student studying in Melbourne. Source: Ashish Kale
પબ્લિક ટ્રાન્સપોર્ટ વિક્ટોરીયાના જણાવ્યા પ્રમાણે, " Mobile Myki નું પરીક્ષણ આગામી મહિનાઓમાં શરૂ થશે અને તેમાં સૌ પ્રથમ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના 1000 વપરાશકર્તાઓને તેનો લાભ અપાશે. ત્યાર બાદ બીજા તબક્કામાં કમ્યુનિટીના સામાન્ય લોકોને તેમના એન્ડ્રોઇડ સ્માર્ટફોન દ્વારા એપ્લિકેશનનું પરીક્ષણ કરવાની તક અપાશે.
Mobile Myki દ્વારા વપરાશકર્તા પોતાના મોબાઇલની સ્કીન બંધ હશે તો પણ Myki ઓન અને ઓફ કરી શકશે. તેના માટે તેમણે મોબાઇલમાં તે એપ્લિકેશન ખોલવાની જરૂર પડશે નહીં.
" જો Mobile Myki ઉપયોગમાં લેવાશે તો તે પલ્બિલ ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ કહેવાશે. તેના દ્વારા લાંબી લાઇનમાં ઉભા રહેવાથી લઇને કાર્ડ ઓન અને ઓફ કરવા સુધીની પ્રક્રિયાથી છૂટકારો મળશે " તેમ ટ્રેન અને બસનો રોજિંદો વપરાશ કરતા વૈભવ દેશપાંડેએ જણાવ્યું હતું.

Frequent passenger of PTV, Vaibhav Deshpande Source: Vaibhav Deshpande
2019ની શરૂઆત સુધી પરીક્ષણ
Mobile Myki નું સમગ્ર પરીક્ષણ 2019ની શરૂઆત સુધી થાય તેમ માનવામાં આવે છે. ત્યાર બાદ તેને રોજિંદા વપરાશ માટે સામાન્ય પેસેન્જર્સની વચ્ચે બહાર પાડવા અંગે નિર્ણય લેવાશે.
વર્તમાન Myki કાર્ડ અસ્તિત્વમાં જ રહેશે
Mobile Myki ના પરીક્ષણ પહેલા અને બાદ પણ વર્તમાન Myki અસ્તિત્વમાં રહેશે. હાલના સમયમાં 12 મિલિયન વપરાશકર્તા સાથેની Myki ટિકીટ સિસ્ટમ વર્ષે 700 મિલિયન જેટલા વ્યવહાર કરે છે.