ન્યૂ સાઉથ વેલ્સમાં જાહેર વાહનવ્યવહારમાં મુસાફરો દ્વારા કરવામાં આવતા ખરાબ વ્યવહાર સામે રાજ્યની પોલિસે બે દિવસીય ઓપરેશન ચલાવ્યું હતું.
જેમાં અન્ય મુસાફર સાથે દુર્વ્યવહાર, મુસાફરી દરમિયાન હથિયારો સાથ રાખવા તથા અન્ય ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ન્યૂ સાઉથ વેલ્સ પોલિસના જણાવ્યા પ્રમાણે, 6મે શુક્રવારથી 7 મે શનિવાર સુધી Operation Colossus હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત 103 લોકોની વિવિધ ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
પોલિસે જણાવ્યું હતું કે, જાહેર સ્થળો પર ચપ્પુ સાથે રાખવાના આરોપમાં 5 લોકોની ધરપકડ કરાઇ હતી.
સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 119 ગુના હેઠળ પગલાં લેવામાં આવ્યા હતા.

Source: NSW Police Force/Facebook
આ ઉપરાંત, 382 લોકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 57 લોકો ડ્રગ્સ સાથે ઝડપાયા હતા.
પોલિસે જણાવ્યું હતું કે, આ ઓપરેશન દરમિયાન રાજ્યમાં બસ, ટ્રેન તથા ફેરીમાં મુસાફરો દ્વારા થતા ખરાબ વર્તન, હથિયારો સાથે રાખવા તથા અન્ય મુસાફરો સાથે હિંસા જેવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી.
એક ઘટનામાં સિડનીના સેન્ટ્રલ રેલવે સ્ટેશન ખાતે 74 વર્ષીય મહિલાને મોબાઇલ ફોન વડે તેમના ચહેરા પર મુક્કો મારવામાં આવ્યો હતો.
આ ઘટના શુક્રવારે બપોરે 1 વાગ્યે બની હતી.
ત્યાર બાદ જાહેર શૌચાલય પાસે બનેલી અલગ અલગ ઘટનાઓમાં એક 58 વર્ષીય પુરુષ તથા 64 વર્ષીય સ્ત્રી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

Sydney Central Station,Australia Source: Photodisc
ઇજા થતાં તેમને ઘટના સ્થળે જ સારવાર પૂરી પાડવામાં આવી હતી.
44 વર્ષીય એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
ઘરપકડ દરમિયાન તેણે પોલિસ કોન્સ્ટેબલ સાથે ખરાબ વર્તન કર્યું હતું.
તે મહિલા પર અન્ય વ્યક્તિને ઇજા પહોંચાડવા, પોલિસ સાથે ખરાબ વર્તન જેવા આરોપો લાગૂ કરવામાં આવ્યા હતા અને પેરામેટા લોકલ કોર્ટમાં શનિવારે હાજર કરવામાં આવી હતી.