વિશ્વના રહેવા માટેના સૌથી યોગ્ય સિટીની યાદીમાં ઓસ્ટ્રેલિયાના ચાર શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ રીપોર્ટ કોરોનાવાઇરસની મહામારી બાદ પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યો છે.
ધ ઇકોનોમિસ્ટ 2021ના ગ્લોબલ લિવેબિલિટી સર્વે (રહેવા માટેના સૌથી યોગ્ય શહેરો)ની યાદીમાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરને પ્રથમ સ્થાન મળ્યું છે.
પ્રથમ 10 શહેરોમાંથી છ શહેરો ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડના છે. સર્વેમાં જણાવ્યા અનુસાર કોરોનાવાઇરસની મહામારીના કારણે લાગૂ કરવામાં કડક પ્રતિબંધોના કારણે શહેરના રહેવાસીઓ સામાન્ય જીવન જીવી શક્યા હતા.

Most liveable cities in the world announced for 2021 Source: The Economist Intelligence Unit
ઓસ્ટ્રેલિયા તરફથી એડિલેડ પ્રથમ સ્થાને
આ યાદીમાં મેલ્બર્નને બીજો ક્રમ મળ્યો હતો પરંતુ તે તાજેતરમાં પ્રસ્તુત કરવામાં આવેલા રીપોર્ટમાં સરકીને 8મા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે સાઉથ ઓસ્ટ્રેલિયાનું એડિલેડ શહેર ત્રીજા ક્રમે છે. તે ઓસ્ટ્રેલિયા તરફથી આ યાદીમાં પ્રથમ સ્થાને છે.
પર્થ તથા બ્રિસબેન અનુક્રમે છઠ્ઠા તથા દસમા ક્રમે છે.
ન્યૂ સાઉથ વેલ્સના સિડની શહેરનો ટોચના 10 શહેરોની યાદીમાં સમાવેશ થયો નથી. અગાઉ તે ત્રીજા ક્રમે હતું પરંતુ વર્તમાન રીપોર્ટમાં તે 11મા સ્થાને સરકી ગયું છે.

Auckland, New Zealand Source: AP: Tourism Auckland
ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ વિશ્વમાં પ્રથમ
ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ શહેર વિશ્વના રહેવા માટેના સૌથી યોગ્ય શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે છે. શહેર કોરોનાવાઇરસની મહામારીનું યોગ્ય રીતે નિયંત્રણ લાવવામાં સફળ રહ્યું અને ત્યાર બાદ વિશ્વના અન્ય શહેરોની તુલનામાં પ્રતિબંધો ઝડપથી ઉઠાવી લેવામાં આવ્યા હતા.
સર્વેમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઇરસ અગાઉના સમયની સરખામણીમાં સમગ્ર વિશ્વના શહેરોની સરેરાશ 7 પોઇન્ટ્સ જેટલી ઘટી છે.
ઉલ્લેખનીય છે કે યુરોપ તથા કેનેડાના ઘણા શહેરોમાં કોરોનાવાઇરસના બીજા તબક્કાના કારણે સ્કૂલ, કોલેજ, રેસ્ટોરન્ટ્સ બંધ તથા સાંસ્કૃતિક અને રમત સ્પર્ધાઓ સ્થગિત કરવી પડી હતી. જેના લીધો તેમના આંકમાં ઘટાડો નોંધાયો છે.