ભારત અધિકૃત જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરી 2019ના દિવસે ભારતીય જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાને શુક્રવારે એક વર્ષ થયું હતું.
આત્મઘાતી હુમલાની પ્રથમ પૂણ્યતિથી પર જવાનોને યાદ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ ટ્વિટ દ્વારા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટરના માધ્યમથી પોતાના સંદેશમાં લખ્યું હતું કે, ભારત ક્યારેય પણ દેશ માટે પોતાનો જીવ આપી દેનારા સૈનિકોના બલિદાનને નહીં ભૂલે.
બીજી તરફ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટરના માધ્યમથી સંદેશો મોકલ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે દેશ જવાનોની શહાદતને સલામી આપી રહ્યો છે. આતંકવાદ સામેની લડાઇમાં અમે પીછેહટ કરીશું નહીં.
ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટર પર સંદેશ મૂક્યો હતો અને સીઆરપીએફના જવાનોને યાદ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે 14મી ફેબ્રુઆરી 2019ના રોજ ભારત અધિકૃત જમ્મુ કાશ્મીરના પુલવામામાં જવાનોના કાફલા પર આત્મધાતી હુમલો થયો હતો અને તેમાં 40 સૈનિકોના મૃત્યુ થયા હતા.
શ્રીનગર ખાતેના કેમ્પમાં સૈનિકોને શ્રદ્ધાંજલિ
પુલવામા હુમલાની પ્રથમ વરસી પર સીઆરપીએફના શ્રીનગર સ્થિત લેથપોરા કેમ્પ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
તમામ 40 જવાનોના ઘરે મુલાકાત કરનારા ઉમેશ જાધવ શ્રદ્ધાંજલિમાં મુખ્ય મહેમાન
જવાનોના શ્રદ્ઘાંજલિ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મ્યુઝીશિયન ઉમેશ ગોપીનાથ જાધવને મુખ્ય મહેમાન બનાવવામાં આવ્યા હતા. ઉમેશે પુલવામાં હુમલામાં જે 40 સૈનિકોના મૃત્યુ થયા હતા. તે તમામ જવાનોના ઘરે જઇને પરિવારજનોની મુલાકાત કરી હતી અને તેમના ઘરની માટી લઇને તેને કળશમાં ભેગી કરી હતી. અને, તે કળશને પ્રથમ વરસી પર લેથપોરા કેમ્પમાં અર્પણ કરી હતી.
તમામ 40 જવાનોના ઘરની મુલાકાત લઇને તેમણે 61 હજાર કિલોમીટરની યાત્રા કરી હતી.
Share

