પર્થમાં નવા વિકાસ પામી રહેલા વિસ્તારમાં ઘર ખરીદનારા લોકોની ઘરની નજીક જ કુદરતી સૌંદર્ય માણવાની ઇચ્છા અધૂરી રહી જશે કારણ કે ડેવલોપરને આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા કાંગારુઓને મારી નાંખવાની પરવાનગી મળી ગઇ છે.
પેરામાઉન્ટ એસ્ટેટ ખાતેના ડેવલોપરને ડીપાર્ટમેન્ટ ઓફ બાયોડાયવર્સિટી, કન્ઝર્વેન્શન એેન્ડ એટ્રેકસન્સ (DCBA) દ્વારા શાંતિથી તથા દર્દ ન થાય તે રીતે લગભગ 100 જેટલા વેસ્ટર્ન ગ્રે કાંગારુઓને મારી નાંખવાની મજૂરી મળી છે. જેની સામે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે.
અગાઉ જ્યાં ખુલ્લી જમીન હતી ત્યાં અત્યારે નવા ઘરનું નિર્માણ થઇ રહ્યું છે. અને, કાંગારું તેમાં અડચણરૂપ થઇ રહ્યા છે.
તેથી અત્યારે તેમને 90 હેક્ટરના વિસ્તારમાં સ્થાયી કરવામાં આવ્યા છે અને આ વર્ષના અંતમાં તેને મારી નાંખવામાં આવશે.
સ્થાનિક રહેવાસી લાન્સ એલેગ્રેટ્ટાએ જણાવ્યું હતું કે, "નવો વિસ્તાર વિકસે તે માટે કાંગારુંઓને નુકસાન પહોંચાડવું ખરેખર નિરાશાનજક છે."
ડેવલોપર સ્પેટીયલ પ્રોપર્ટી ગ્રૂપના નિવેદન પ્રમાણે, "શરૂઆતમાં તેમણે કાંગારુઓને બીજા સ્થાને ખસેડવા અંગે પ્રયત્ન કર્યો હતો પરંતુ બાલ્દીવિસ વિસ્તારમાં કાંગારુ કાર સાથે ટકરાયા બાદ તેમને નવો પ્લાન અમલમાં મુકીને ફેન્સિંગ કરવાની પણ ફરજ પડાઇ હતી."
ધ સિટી ઓઇ રોકિંગહામના જણાવ્યા મુજબ, "કાંગારુઓને બીજા સ્થાને ખસેડવા સુરક્ષિત નથી તેથી તેમને દવા આપીને શાંત પાડવામાં આવશે."
ડીપાર્ટમેન્ટ ઓફ બાયોડાયવર્સિટીએ જણાવ્યું હતું કે, "કાંગારુઓને બીજે ખસેડવા એ સમસ્યાનું સમાધાન નથી. તેમને જે સ્થાને ખસેડાઇ રહ્યા છે ત્યાં અગાઉથી જ કાંગારુઓની વસ્તી વધુ છે."
કાંગારુઓને બચાવવા માટે સ્થાનિક લોકો દ્વારા ઓનલાઇન પીટીશન શરૂ કરવામાં આવી છે જેમાં હજારો લોકોએ પોતાની સાઇન કરીને સમર્થન આપ્યું છે.