39 દિવસ અને સાત તબક્કાના મતદાન બાદ ભારતીય સામાન્ય ચૂંટણીમાં વોટિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. લગભગ 900 મિલિયન વોટર્સ ધરાવતા ભારતમાં સરેરાશ 65 ટકા જેટલું વોટિગં જોવા મળ્યું છે.
રવિવારે સાંજે અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતાં જ વિવિધ એજન્સીઓએ એક્ઝીટ પોલના આંકડા બહાર પાડ્યા હતા. દેશની આઠ એજન્સીઓએ આપેલા તારણ મુજબ, વર્તમાન એનડીએ સરકાર બહુમતી મેળવીને ફરીથી સત્તામાં આવે તેવી સંભાવના છે.
2014 કરતાં બેઠકો ઓછી થઇ શકે
2019ની સામાન્ય ચૂંટણી બાદ એનડીએ ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સત્તા મેળવે તેવી શક્યતા છે પરંતુ 2014ની સરખામણીમાં એનડીએની સીટ ઓછી થાય તે તરફ એક્ઝીટ પોલના આંકડા ઇશારો કરી રહ્યા છે. બીજી, તરફ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ચૂંટણી લડનારી કોંગ્રેસ પાર્ટીને અગાઉની ચૂંટણી કરતાં વધારે સારું પ્રદર્શન કરી તેમની સીટમાં વધારો થાય તેવી શક્યતા છે.
વિવિધ એજન્સીના એક્ઝીટ પોલ

Source: SBS Gujarati
એનડીએ સત્તા જાળવી રાખે તેવું અનુમાન
વિવિધ ભારતીય મીડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા એક્ઝીટ પોલના આંકડા પ્રમાણે, ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળનું નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (NDA) 280થી 306 સીટ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની આગેવાની ધરાવતું યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (UPA) લગભગ 128થી 135 જેટલી બેઠકો મેળવી તેવી શક્યતા છે.
120થી 140 જેટલી બેઠકો અન્ય પ્રાદેશિક પક્ષોના ફાળે જાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં BJP પ્રદર્શન જાળવવાનો દાવો
એક્ઝીટ પોલના આંકડા પ્રમાણે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખે તેવી શક્યતા છે. 2014ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ 26 બેઠકો જીતી હતી. આ વખતે પણ વિવિધ એજન્સીઓના અનુમાન પ્રમાણે BJP 25 જેટલી બેઠકો જીતે, કોંગ્રેસના ફાળે એક બેઠક જાય તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે.
Image
સૌથી વધુ નુકસાન ઉત્તર પ્રદેશમાં
એનડીએને સૌથી વધુ નુકસાન ઉત્તર પ્રદેશમાં થાય તેમ લાગી રહ્યું છે. 2014ની ચૂંટણીમાં એનડીએને ઉત્તર પ્રદેશમાંથી 80માંથી 75 જેટલી બેઠકો જીતી હતી પરંતુ 2019માં ભાજપ અને સાથી પક્ષોને 45 જેટલી સીટ મળે તેવી શક્યતા છે. જ્યારે 30 જેટલી બેઠકો SP - BSP ગઠબંધનના ફાળે જાય તેવી શક્યતા છે.
એક્ઝીટ પોલના આંકડા પ્રસારિત થયા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, દેશના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીને ફરીથી સરકાર રચવા પસંદ કરી છે અને નરેન્દ્ર મોદી ફરીથી દેશના પ્રધાનમંત્રી બનશે.
એક્ઝીટ પોલના આંકડા ખોટા પડી શકે
વિવિધ એજન્સીઓ દ્વારા ભારતીય ચૂંટણીના પરિણામો વિશે બહાર પાડવામાં આવેલા એક્ઝીટ પોલ ખોટા પડી શકે છે. 2004 અને 2009માં ભારતમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ જાહેર કરાયેલા એક્ઝીટ પોલના આંકડા તદ્દન ખોટા સાબિત થયા હતા.
2014માં પણ નેશનલ ડેમોક્રેટીક એલાયન્સના પ્રદર્શનને ઓછું આંકવામાં આવ્યું હતું. એક્ઝીટ પોલમાં એનડીએ 274 સીટ જીતે તેવી શક્યતા દર્શાવાઇ હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જ 282 તથા એનડીએએ 336 જીતી તમામ એક્ઝીટ પોલ ખોટા પાડ્યા હતા.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીમાં પણ વિવિધ એક્ઝીટ પોલે લેબર પાર્ટી વિજેતા બને તેવી શક્યતા દર્શાવી હતી પરંતુ લિબરલ પાર્ટીએ ફરીથી એક વખત ચૂંટણી જીતી સત્તા જાળવી રાખતા એક્ઝીટ પોલ ખોટો પૂરવાર થયો હતો.
ભારતીય લોકસભાની ચૂંટણીના પરિણામ 23મી મે ગુરુવારના રોજ જાહેર કરાશે.
SBS Gujarati દર બુધવાર અને શુક્રવારે ૪ વાગ્યે.
Share

