મેલ્બર્નમાં રહેતા 11 વર્ષીય અનિરુદ્ધે પોતાના જન્મદિવસે ભેટમાં મળેલા પૈસાનો ઉપયોગ જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરતા વિકલાંગોની મદદ માટે કરવાનું નક્કી કર્યું છે.
અનિરુદ્ધ વર્ષ 2015માં ગ્રેટ ઓસ્ટ્રેલિયન સ્પેલિંગ બી સ્પર્ધા જીતી ચુક્યા છે. જાહેર વાહનવ્યવ્હારમાં મુસાફરી કરતા વિકલાંગ લોકોને મુસાફરીમાં સગવળ રહે તે માટે તેઓએ ‘Need a seat? Ask me!’ નામક પહેલ શરુ કરી છે.
આ પહેલ અંતર્ગત જાહેર વાહનવ્યવ્હારમાં મુસાફરી કરતા વિકલાંગ કે અન્ય જરૂરત મંદ લોકોની બેસવામાટે સીટ ઉપલબ્ધ કરાવવા લોકો ને પ્રોત્સાહિત કરાશે. આ પહેલમાં મદદ કરવા ઇચ્છતા લોકો એ બસ, ટ્રેન, ટ્રામ માં ‘Need a seat? Ask me!’ નો બિલ્લો લગાડીને બેસવાનું રહેશે અને જયારે કોઈ જરૂરત મંદ વ્યક્તિ સીટ માટે વિનંતી કરે તો પોતાની સીટ તેમને આપશે અથવા અન્ય વ્યક્તિને તેમ કરવા વિનંતી કરશે .
એસ બી એસને આપેલ ઇન્ટરવ્યૂમાં અનિરુદ્ધે જણાવ્યું હતું કે હાલમાંજ લંડન ખાતે ‘Please offer me a seat’ નામક બિલ્લા સાથે આ પ્રકારની એક પ્રયોગાત્મક પહેલ કરવામાં આવી, અને તેઓને પણ આ ઘટના થી મેલબર્ન ખાતે આ પહેલ કરવાની પ્રેરણા મળી જેથી વિકલાંગો કે અન્ય જરૂરતવાળી વ્યક્તિની જાહેર વાહનવ્યવહારની મુસાફરી આરામદાયક બનાવી શકાય .
અનિરુદ્ધનું કહેવું છે કે ઘણા લોકોની ખાસ જરૂરતો પ્રત્યક્ષ રીતે જોઈ નથી શકાતી જેમકે કોઈ વ્યક્તિ સનબર્નના એક પ્રકારના ચામડીના રોગોથી પીડાતી હોય કે કોઈને લો બ્લડ પ્રેશર હોય કે અન્ય કોઈ વિશેષ જરૂરત હોય તેમને આ પહેલ થી થોડી મદદ મળી શકશે .
ગત મહિને શરુ કરેલ આ અભિયાન હેઠળ અત્યાર સુધી અનિરુદ્ધે 300 થી વધુ બિલ્લો વહેંચ્યા છે. મેલ્બર્ન સેન્ટ્રલ સ્ટેશનના સ્ટાફ દ્વારાપણ તેને ખાસ મદદ મળી રહી છે.
આ અભિયાન અંગે અનિરુદ્ધે ફેસબુક પેજ પણ બનાવ્યું છે - Show You Care. અનિરુદ્ધની આ પહેલ પોતાના પૈસાથી શરુ કરેલ હવે તેને આર્થિક મદદની જરૂર છે. લોકોને મદદ કરવાના આ નવા અભિગમની પ્રસંશા અન્ય રાજ્યોમાં પણ થઇ રહી છે અને લોકો અન્ય રાજ્યોમાં પણ આ પહેલ શરુ કરવા ઈચ્છી રહ્યા છે.
Share

