થોડા સમય અગાઉ સ્ટ્રોબેરીમાંથી સોય (નીડલ) નીકળ્યાની ઘટના બન્યા બાદ હવે વિક્ટોરિયાના અલ્દી (Aldi) સુપરમાર્કેટમાંથી ખરીદવામાં આવેલી દ્રાક્ષમાંથી પણ સોય નીકળ્યાની માહિતી મળી છે.
ક્લોઇ શૌએ રવિવારે ફેસબુક પર આ અંગે એક પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે અલ્દી સ્ટોરમાંથી ખરીદવામાં આવેલી દ્રાક્ષમાં સોય જોવા મળી હતી. ત્યાર બાદ તેમણે સુપરમાર્કેટ તથા પોલીસને જાણ કરી હતી.
ફેસબુક પર કરેલી પોસ્ટમાં ક્લોઇએ લખ્યું હતું કે કેરોલિન સ્પ્રીન્ગ્સ ખાતેના અલ્દી સ્ટોરમાંથી મેં દ્રાક્ષ ખરીદી હતી.
સોય નીકળ્યા બાદ તેણે અન્ય લોકોને પણ સલાહ આપતા જણાવ્યું હતું કે, બાળકોને દ્રાક્ષ આપતા અગાઉ તેની યોગ્ય તપાસ કરો.
ક્લોઇએ ત્યાર બાદ દ્રાક્ષનો ફોટો પર અપલોડ કર્યો હતો જેમાં સોય દેખાઇ રહી હતી.
વિક્ટોરિયા પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
એક નિવેદનમાં પોલીસે કહ્યું હતું કે જે કોઇ વ્યક્તિ આ પ્રકારની હરકત કરતા ઝડપાશે તેને દંડ તથા 10 વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે.
અલ્દીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થો સાથે કોઇ પણ પ્રકારના ચેડા કરવા એ ગુનો છે. અમે આ પ્રકારની ઘટના ન બને તે માટે અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ.
ઉલ્લેખનીય છે કે 25મી ઓગસ્ટે ફેરફિલ્ડના સ્ટોરમાંથી ખરીદવામાં આવેલી સ્ટ્રોબેરીમાંથી સોય મળી હતી અને તેની ફરિયાદ 10મી સપ્ટેમ્બરે કરવામાં આવી હતી.

Source: AAP
એક આંકડા પ્રમાણે, ગયા વર્ષે સમગ્ર દેશમાં ફળોમાંથી સોય તથા અન્ય છેડછાડ થયાની લગભગ 100થી વધારે ફરિયાદ નોંધાઇ હતી.
Share

