આલ્કોહોલના સેવન અંગે ધ નેશનલ હેલ્થ એન્ડ મેડિકલ રીસર્ચ કાઉન્સિલે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
જેમાં ઓસ્ટ્રેલિયન્સને આલ્કોહોલના સેવનથી થતી બિમારીઓથી બચવા માટે અઠવાડિયામાં 10થી વધુ ડ્રીન્ક નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.
અગાઉ વર્ષ 2009માં આ માર્ગદર્શિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં દર અઠવાડીયે 14 સ્ટાન્ડર્ડ ડ્રીન્કની મર્યાદા નક્કી કરાઇ હતી પરંતુ હાલમાં તેમાં 4 ડ્રીન્કનો ઘટાડો કરવામાં આવ્યો છે.
અઠવાડિયામાં 10 સ્ટાન્ડર્ડ ડ્રીન્ક
વર્ષ 2020માં નવી પ્રસ્તુત કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે, અઠવાડિયામાં મહત્તમ 10 સ્ટાન્ડર્ડ ડ્રીન્ક કરી શકાય છે અને એક દિવસમાં 4 ડ્રીન્કથી વધારે સેવન કરવું હિતાવહ નથી.
સ્ટાન્ડન્ડ ડ્રીન્ક એટલે 10 ગ્રામ આલ્કોહોલ અથવા મિડ સ્ટ્રેન્થ બિયરનું 375 ml નું કેન, ફૂલ સ્ટ્રેન્થ બિયરનું એક 285 ml નું કેન અથવા સાઇડર,425 ml લાઇટ બિયર, 100 મિલિલીટર વાઇન અથવા સ્પાર્કલિંગ વાઇન, 30 ml ધરાવતું સ્પિરીટ.
ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે આલ્કોહોલથી 4000 મૃત્યુ
ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે આલ્કોહોલના સેવનથી 4000 જેટલા મૃત્યુ તથા 70,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.
આ ઉપરાંત કેન્સર સહિત 40 જેટલી બિમારીઓનું જોખમ પણ રહે છે.
ઓસ્ટ્રેલિયાના એક્ટીંગ ચીફ મેડિકલ ઓફિસર પૌલ કેલીએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં દર 4 વ્યક્તિએ 1 વ્યક્તિ આલ્કોહોલનું મર્યાદાથી વધુ સેવન કરે છે.
આ ઉપરાંત, દર 2માંથી 1 ગર્ભવતી સ્ત્રી ચેતવણી આપી હોવા છતાં પણ વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરે છે જે તેમનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકે છે.
કિશોરાવસ્થા માટે માર્ગદર્શિકામાં ફેરફાર
ટીનેજર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો માટે પણ આલ્કોહોલના સેવનની માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યા છે.
અગાઉની માર્ગદર્શિકા પ્રમાણે, 15 વર્ષ કે તેથી ઓછી ઉંમરના યુવાનોને આલ્કોહોલનું સેવન નહીં કરવા જણાવાયું હતું. પરંતુ નવી માર્ગદર્શિકા મુજબ, યુવાન 18 વર્ષની ઉંમર સુધી ન પહોંચે ત્યાં સુધી તેણે આલ્કોહોલનું સેવન ટાળવું જોઇએ.
આલ્કોહોલ કઇ ઉંમરે વધુ નુકસાનકારક સાબિત થાય
આલ્કોહોલનું સેવન વ્યક્તિ માટે ત્રણ પડાવ પર સૌથી વધુ નુકસાનકારક સાબિત થાય છે, આ ત્રણેય ઉંમર દરમિયાન વ્યક્તિના મગજમાં કેટલાક ફેરફાર થતા હોવાથી તેની સૌથી વધુ અસર જોવા મળે છે.
- જન્મ અગાઉ
- 15થી 19 વર્ષની ઉંમરે
- 65 વર્ષની ઉંમર બાદ
** ધ નેશનલ હેલ્થ એન્ડ મેડિકલ રીસર્ચ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, આલ્કોહોલના સેવનનું કોઇ પણ સ્તર સુરક્ષિત નથી પરંતુ જો શારીરિક રીતે મજબૂત યુવાનો માર્ગદર્શિકાનું પાલન કરે તો આલ્કોહોલના કારણે થતી બિમારી અને મૃત્યુની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. અને, જો સંપૂર્ણપણે સ્વસ્થ રહેવું હોય તો આલ્કોહોલનું સેવન ન કરવું હિતાવહ છે.
Share

