તાજેતરમાં નેશનલ કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે 22મી જાન્યુઆરી 2021થી ઓસ્ટ્રેલિયા મુસાફરી કરતા પ્રવાસીઓએ 72 કલાકની અંદર કરાવેલો તેમનો કોરોનાવાઇરસનો (PCR) નેગેટીવ રીપોર્ટ જમા કરાવવો પડશે.
મુસાફરો ફ્લાઇટ ઉપડે તે એરપોર્ટ પર એરલાઇનને તેમનો નેગેટીવ રીપોર્ટ આપી શકે છે.
શું છે નવો નિયમ
- ઓસ્ટ્રેલિયા મુસાફરી કરતા પ્રવાસીઓએ તેમની ફ્લાઇટ્સમાં પ્રવેશ કરતા અગાઉ એરલાઇનને 72 કલાકની અંદર કરાવેલો કોરોનાવાઇરસનો નેગેટીવ રીપોર્ટ જમા કરાવવાનો રહેશે.
- જો તમે ઓસ્ટ્રેલિયા આવતી વખતે કોઇ અન્ય દેશમાં ઊતરાણ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છો તો તમારે જે - તે દેશના એરપોર્ટની જરૂરિયાતો તથા તમારી એરલાઇન કંપની સાથે ત્યાર બાદની મુસાફરી અંગેની જરૂરિયાત તપાસવી જોઇએ.
- જો તમે કે તમારા ગ્રૂપના અન્ય કોઇ સભ્યમાં કોરોનાવાઇરસનું નિદાન થયું તો તમને ઓસ્ટ્રેલિયા મુસાફરી કરવા દેવામાં આવશે નહીં.
- આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં મુસાફરી કરતી વખતે તથા એરપોર્ટ્સ પર માસ્ક પહેરવું ફરજિયાત છે.
નિયમમાં છૂટછાટ
કેટલાક વિશેષ કારણોસર નવા નિયમમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત.....
- ચેક ઇન દરમિયાન ચાર કે તેથી ઓછી વયના બાળકો
- અગાઉની આરોગ્યલક્ષી બાબત અંતર્ગત જે લોકો કોરોનાવાઇરસનો ટેસ્ટ ન કરાવી શકે તેઓ મેડિકલ સર્ટિફીકેટ રજૂ કરીને છૂટ મેળવી શકે છે.
- આંતરરાષ્ટ્રીય એર ક્રૂ
- ગ્રીન ઝોન દેશોમાંથી ઓસ્ટ્રેલિયા આવતા મુસાફરો
- જે દેશોમાં કોરોનાવાઇરસ (PCR) ટેસ્ટ કરવાની સુવિધા ન હોય તેવા દેશોમાંથી આવતા મુસાફરો
એરલાઇન કંપનીનો સંપર્ક કરીને સ્થાનિક સરકારની વધારાની જરૂરિયાત વિશે માહિતી મેળવી શકાય છે.
જે કોઇ મુસાફરનો કોરોનાવાઇરસનો ટેસ્ટ નેગેટીવ આવશે તેણે પણ ઓસ્ટ્રેલિયા ઊતરાણ કર્યા બાદ નક્કી કરેલા સ્થાન પર 14 દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે.
ઉલ્લેખનીય છે કે 15મી જાન્યુઆરી 2021 ના રોજથી ઓસ્ટ્રેલિયામાં થઇ રહેલા ઊતરાણની સંખ્યા ઘટાડવામાં આવી હતી અને આગામી 15મી ફેબ્રુઆરીએ તે અંગે સમીક્ષા કરીને તેમાં કોઇ ફેરફાર કરવામાં આવશે.


