શુક્રવારે મદદનીશ ઇમિગ્રેશન અને સીમા સુરક્ષા મંત્રી એલેક્સ હૉકે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સ્થાનાંતરિત સમુદાયના વૃદ્ધ વાલીઓ માટે સતત 5 વર્ષ રહી શકે તે પ્રાવધાન માટેના વિસા અંગે સામુદાયિક મસલત શરુ કરવામાં આવશે.
" એક પરિવારની ત્રણ પેઢીને ફરી મેળવવાના ખુબ સામાજિક ફાયદાઓ છે અને આથી જ અમે 5 વર્ષ માટેના હંગામી વિસાની ઘોષણા કરીએ છીએ."
"વૃદ્ધ વાલીઓ તેમના પરિવાર માટે ખુબ મહત્વ ધરાવે છે ....અને તેઓ પરિવાર - સમાજના ઘડતરના પાયાના પથ્થર સમાન છે"
શ્રી હૉકે સાથે એ વાતની પણ પુષ્ટિ કરી કે વર્તમાન વિસાનો કાર્યક્રમ સક્ષમ નથી, ઘણીવાર આ કાર્યક્રમ હેઠળ 30 વર્ષ જેટલો લાંબો સમય રાહ જોવી પડે છે.
ઓસ્ટ્રેલિયાના નાગરિકો કે કાયમી નિવાસીઓના વાલીઓ માટેની વર્તમાન વિસા યોજનાના બે ભાગ છે :
1) "નોન કોન્ટ્રીબ્યુટર" વિસા શ્રેણી જેમાં $7,000 ફી છે પણ, કાર્યવાહી પુરી કરવામાં 18 થી 30 વર્ષનો સમય લાગે છે.
2) "કોન્ટ્રીબ્યુટર" વિસા શ્રેણી જેમાં $50,000 ફી છે અને કાર્યવાહીનો સમય 2 વર્ષ જેટલો છે.
આ નીતિને અમલમાં મુકવા માટે, આ નીતિની ખાસિયતો અંગે મત પ્રગટ કરવા માટે સમુદાય નેતાઓ માટે આમંત્રિત કરીને સામુદાયિક મસલત થશે.
"આજે હું જાહેરાત કરું છું કે ટર્નબુલ સરકાર આ અંગે (નીતિ) વ્યાપક મસલત કરશે જેથી આ વિઝા માટે સુયોજન સૌથી વિકલ્પો ઉપલબ્ધ કરાવી શકાય."
આ જાહેરાત પ્રોડક્ટિવિટી કમિશનના એ અહેવાલ બાદ કરવામાં આવી છે, જેમાં જણાવાયું હતું કે માઈગ્રન્ટના વાલીઓને આધાર આપવો દેશના અર્થતંત્ર પર બોજો વધારે છે.
ગઠબંધન સરકારે જૂન મહિનામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઓસ્ટ્રેલિયન નાગરિકો અને કાયમી નિવાસીઓના વાલીઓ માટે 5 વર્ષના વિસા આપવાનું વચન આપ્યું હતું . હાલમાં જેમણે સહવર્તી કાયમી વિસા માટે અરજી નોંધાવી છે તેમના પૂરતી આ ઓફર દરેક કેસ આધારિત સીમિત છે
લેબરપક્ષે માઈગ્રન્ટ સમુદાયના વાલીઓ માટે સતત ત્રણ વર્ષ સુધી રહી શકે તે પ્રાવધાન સાથે વિસા આપવાનું વચન આપ્યું હતું .