ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના રેકોર્ડ 466 કેસ નોંધાતા તથા ચાર દર્દીના મૃત્યુ પણ થતા રાજ્ય સરકારે સમગ્ર ગ્રેટર સિડની, વોલોન્ગોંગ અને બ્લૂમાઉન્ટન્સ વિસ્તારોમાં નિયંત્રણો વધુ કડક કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 129,352 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, પ્રીમિયર ગ્લેડીસ બેરેજીક્લિયને જણાવ્યું હતું.
ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે, રસી નહીં લેનારી એક 40 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે આ ઉપરાંત, રસી લેનારા પરંતુ અગાઉથી જ આરોગ્યલક્ષી સમસ્યા ધરાવનારા એક 70 વર્ષીય પુરુષનું કોવિડ-19થી મૃત્યુ થયું છે.
આ ઉપરાંત, અન્ય બે મૃત્યુમાં એક 80 વર્ષીય પુરુષ તથા 70 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.
રાજ્યમાં હાલમાં 378 લોકો હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર લઇ રહ્યા છે, જેમાંથી 64 દર્દી ICUમાં, જેમાં 29 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
પ્રથમ વખત સમગ્ર ગ્રેટર સિડની માટે નિયંત્રણો લાગૂ
- રાજ્યમાં પ્રથમ વખત ગ્રેટર સિડની, બ્લૂ માઉન્ટેન્સ, વોલોંગોન્ગ અને શેલહાર્બર વિસ્તારોમાં 5 કિલોમીટર બહાર મુસાફરી નહીં કરવાનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. અગાઉ આ નિયમ માત્ર સૌથી વધુ અસરગ્રસ્ત 8 વિસ્તારોમાં જ લાગૂ હતા.
- રાજ્યમાં ઓસ્ટ્રેલિયન ડીફેન્સ ફોર્સના વધુ 500 સૈનિકોની મદદ લેવામાં આવશે.
- તાત્કાલિક ધોરણે આપવામાં આવતા દંડની રકમ 5000 ડોલર કરવામાં આવી છે.
- ગ્રેટર સિડનીમાં રહેતા લોકોએ રીજનલ ન્યૂ સાઉથ વેલ્સમાં જવા માટે પરવાનગી મેળવવી જરૂરી છે.
- Recreation એટલે કે આનંદપ્રમોદ માટે ઘરની બહાર જઇ શકાશે નહીં, યોગ્ય રીતે કસરત કરવા માત્ર બહાર નીકળવાની પરવાનગી છે.
- ન્યૂ સાઉથ વેલ્સમાં 1400 પુરુષો અને મહિલાઓ હાઇવે પેટ્રોલ દ્વારા કોવિડ-19ના નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે દેખરેખ રાખશે.
- ન્યૂ સાઉથ વેલ્સના પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, નવા નિયમો અને દંડ આજથી લાગૂ થશે.
કોવિડ-19 ટેસ્ટ બાદ ઘરે આઇસોલેટ થનારા લોકોને નાણાકિય સહાય
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, સોમવાર 16મી ઓગસ્ટથી, રાજ્યમાં કોવિડ -19 ટેસ્ટ કર્યા બાદ ઘરમાં આઇસોલેશનમાં રહેનારા લોકોને રાજ્ય સરકાર તરફથી $320ની ચુકવણી કરવામાં આવશે.