છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય પ્રવાસીઓ માટે ઓસ્ટ્રેલિયા રજાઓ ગાળવાનું સૌથી લોકપ્રિય સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. બિઝનેસ ઇનસાઇડરના જણાવ્યા પ્રમાણે, 3 લાખથી પણ વધારે ભારતીય પ્રવાસીઓએ 2017માં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો છે ત્યારે, અહીંના વિવિધ રાજ્યોની સરકાર પણ પ્રવાસીઓને આકર્ષવા માટે પેકેજીસ તથા પ્લાન્સ લાવી રહી છે.
રાજ્યનો પ્રવાસ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે, ન્યૂ સાઉથ વેલ્સ સરકારે તાજેતરમાં જ ભારતની ઓનલાઇન ટ્રાવેલ કંપની મેકમાય ટ્રીપ સાથે એક એમઓયુ સાઇન કર્યું છે.

A tourist stands on a path leading toward the Sydney Opera House and a construction barricade in Sydney, Australia. Source: AAP Image/ AP Photo/Paul Miller
મેકમાય ટ્રીપ સાથેના એમઓયુ અંતર્ગત ન્યૂ સાઉથ વેલ્સ સરકાર રાજ્યના અંતરીયાળ તથા સ્થાનિક પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપશે.
મિનિસ્ટર ઓફ ટુરિઝમ તથા મેજર ઇવેન્ટ્સ, એડમ માર્શલના જણાવ્યા પ્રમાણે, "ભારત ન્યૂ સાઉથ વેલ્સ માટે સૌથી ઝડપથી વિકસી રહેલું પ્રવાસન સ્થળ છે. 2013થી અત્યાર સુધીમાં લગભગ 2 ગણા ભારતીય પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા છે અને તેનું માર્કેટ વાર્ષિક $350 મિલિયન સુધી પહોંચ્યું છે."
બિઝનેસ ઇનસાઇડરના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રિલયા આવનારા ભારતીય પ્રવાસીઓમાં 15.3%ની વૃદ્ધિ જોવા મળી છે જે ચીનની 13.3% કરતા વધુ છે.

Tourists visiting Sydney's world famous icons, the Sydney Harbour Bridge and the Sydney Opera House Source: AAP Image/Dean Lewins
આંતરીક ન્યૂ સાઉથ વેલ્સનો વિકાસ
મેકમાય ટ્રીપ સાથેના એમઓયુ અંતર્ગત ન્યૂ સાઉથ વેલ્સ સરકાર સ્થાનિક અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા પ્રવાસન સ્થળોનો વિકાસ તથા તેની જાહેરાત કરશે. એડમ માર્શલના જણાવ્યા પ્રમાણે, "સરકાર રાજ્યના આંતરિક વિસ્તારોમાં પ્રવાસનને મહત્વ આપશે. જેમાં કોફ્સ હાર્બર, બ્લ્યુ માઉન્ટેસ, ધ હંટર વેલી, કીયામા અને પોર્ટ સ્ટીફન્સનો સમાવેશ થાય છે."
"જેના કારણે સ્થાનિક હોટલ, રેસ્ટોરન્ટ્સ અને દુકાનોને રોજગાર તથા વેપાર મળી રહેશે. આ ઉપરાંત 2025 સુધીમાં $20 મિલિયનના પ્રવાસીઓના ખર્ચના લક્ષ્યાંકને પૂરો કરવામાં મદદ મળશે."

Tourists take pictures of the harbour from the Opera House at Circular Quay in Sydney. Source: AAP Image/Angela Brkic
ટ્રાવેલ એજન્ટ્સ માટે ટ્રેનીંગ કાર્યક્રમ
મેકમાય ટ્રીપના ચીફ ઓપરેટીંગ ઓફિસર રાજેશ માગોઉના જણાવ્યા પ્રમાણે, "ન્યૂ સાઉથ વેલ્સ સાથેના એમઓયુ દ્વારા દિલ્હી, મુંબઇ, અમદાવાદ તથા બેંગલોર તથા ભારતના અન્ય શહેરોમાંથી ઓસ્ટ્રેલિયા જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. ટ્રાવેલ એજન્ટ્સને યોગ્ય ટ્રેનિંગ તથા ન્યૂ સાઉથ વેલ્સના પ્રવાસન સ્થળોની જાહેરાત પણ કરવામાં આવશે."