હાલમાં સમગ્ર ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા બુશફાયરના અસરગ્રસ્તો પ્રત્યે સાત્વના દર્શાવવા માટે વિવિધ સંસ્થાઓ અને લોકો સિડની શહેરમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવતી આતશબાજીને રોકવાની માગ કરી રહ્યા છે.
પરંતુ, તાજા મળતા સમાચાર મુજબ, ફાયર સર્વિસ લોકોની સુરક્ષાની ચિંતા વ્યક્ત નહીં કરે તો સિડનીની આતશબાજી તેના નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ યોજાશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સિડનીમાં થનારી આતશબાજીનો કાર્યક્રમ રદ કરી તેમાંથી બચનારા નાણા ફાયર સેફ્ટી ટીમ તથા અન્ય સ્ત્રોતોને ફાળવવા અંગે માગ કરાઇ રહી છે.
તમારા વિસ્તારમાં આતશબાજી રદ કરવામાં આવી છે કે કેમ તે અંગે સ્થાનિક સરકાર અને ઇવેન્ટના આયોજકો પાસેથી જાણકારી મળી શકે છે.
કયા વિસ્તારમાં ફટાકડાની આતશબાજી રદ કરાઇ
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના કારણે દેશના વિવિધ શહેરોમાં યોજાનારી આતશબાજીને રદ કરવામાં આવી છે.
કેનબેરા
કેનબેરામાં યોજાનારા આતશબાજીના કાર્યક્રમને રદ કરાયો છે. ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં હાલમાં આગ ઉત્પન્ન કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હોવાથી અહીં આતશબાજીનો કાર્યક્રમ યોજાશે નહીં.
ક્વિન્સલેન્ડ
આર્મિડેલ ખાતેના કાર્યક્રમને પણ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.
સિડની ખાતેનો કાર્યક્રમ રદ કરવા માંગ
હાલ સુધીમાં 270,000 લોકોએ સિડનીમાં નવા વર્ષની વધામણી નિમિત્તે યોજાતા આતશબાજીના કાર્યક્રમને રદ કરવા માટેની પિટીશન પર સહી કરી છે.
આ ઉપરાંત, ન્યૂ સાઉથ વેલ્સના ડેપ્યૂટી પ્રીમિયર જ્હોન બારીલારોએ પણ કાર્યક્રમ રદ કરવા અંગે જણાવ્યું છે.
આતશબાજી નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે જ થશે
પિટીશનમાં લોકોએ કાર્યક્રમ રદ કરવાની માગ કરી હોવા છતા પણ સિડનીના લોર્ડ મેયર ક્લોવર મૂરે અને રાજ્યના પ્રીમિયર ગ્લેડીસ બેરેજીક્લિયાને સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે જ આતશબાજી કરવામાં આવશે. જો, ફાયર સર્વિસ લોકોની સુરક્ષા અંગે કોઇ ચિંતા વ્યક્ત કરશે તો જ તે રદ કરાશે.
સિટી ઓફ સિડનીના જણાવ્યા પ્રમાણે, તેમણે બુશફાયરના કારણે અસતગ્રસ્ત થયેલા લોકોને 620,000 ડોલરનું દાન કર્યું છે.
Share



