નવી જીયો - ટાર્ગેટીંગ એલર્ટ સિસ્ટમ સમગ્ર ન્યૂ સાઉથ વેલ્સમાં ગુરુવારથી અમલમાં આવી છે. અને, ગુમ થયેલી વ્યક્તિ અંતિમ જે સ્થળે જોવા મળી હશે તેની પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવતા લોકોને મેસેજ દ્વારા તેની માહિતી આપવામાં આવશે.
સિડની, ન્યૂકેસલ જેવા વિસ્તારોમાં પાંચ કિલોમીટરના અંતરમાં લગભગ 5 લાખ જેટલા લોકોને આવરી લેવાશે જ્યારે રીજનલ વિસ્તારોમાં 20 કિલોમીટર સુધીમાં આવતા લોકોને મેસેજ દ્વારા જાણ કરવાની યોજના છે.
મિસીંગ પર્સન્સ રજીસ્ટ્રી (MPR) ની સમીક્ષા બાદ આ સુવિધા અમલમાં મૂકવામાં આવી છે.
હાઇલાઇટ્સ
- ગુમ થયેલી વ્યક્તિ અંતિમ જ્યાં જોવા મળી હશે તેની 5 કિલોમીટરના વિસ્તારના લોકોને મેસેજ દ્વારા જાણ કરાશે
- ગુમ થયેલી વ્યક્તિનું નામ તથા અન્ય વિગતોનો મેસેજમાં સમાવેશ કરાશે.
- લોકોને મેસેજને ગંભીરતાથી લેવાની અપીલ.
રાજ્યના ક્રાઇમ કમાન્ડ ડીરેક્ટર ડીટેક્ટીવ ચીફ સુપ્રિટેન્ડેન્ટ ડેરેન બેનેટ્ટે જણાવ્યું હતું કે નવા જીઓ - ટાર્ગેટીંગ ટુલ દ્વારા ગુમ થયેલા લોકોને ઝડપથી શોધવામાં સહાયતા પ્રાપ્ત થશે.
તેમણે લોકોને અપીલ કરી હતી કે મેસેજને ગંભીરતાથી લે અને તાત્કાલિકપણે અંગે જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવે.
મેસેજમાં કેવી માહિતી હશે
જે કોઇ પણ વ્યક્તિ ગુમ થઇ હશે તે અંગે મેસેજમાં જાણ કરવામાં આવશે. જેમાં જે-તે વ્યક્તિના નામ સહિતની વિગતો અને અંતિમ તે કઇ જગ્યાએ જોવા મળી હતી તે વિશેની માહિતી હશે.
હાલમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો અને ટેરીટરીમાં લોકોને ઇમર્જન્સીની સ્થિતી જેમ કે પૂર, બુશફાયર કે પછી ખરાબ હવામાનની પરિસ્થિતીમાં આ પ્રકારથી મેસેજ દ્વારા ચેતવણી આપવામાં આવે છે.
ક્યારે મેસેજ દ્વારા જાણ કરાશે
મિસીંગ પર્સન રજીસ્ટ્રી કોઓર્ડિનેટર, ડીટેક્ટીવ ઇન્સ્પેક્ટર ગ્લેન બ્રાઉને જણાવ્યું હતું કે, લોકોના ગુમ થવાની પરિસ્થિતી તથા તેની સાથે જોડાયેલા જોખમો અલગ અલગ હોય છે.
તેથી જ જે વ્યક્તિની સુરક્ષાને વધુ જોખમ હશે તેવા સંજોગોમાં મેસેજ દ્વારા જાણ કરાશે. જેમાં ડિમેન્શિયા ધરાવતી વ્યક્તિ, સાર-સંભાળ રાખનારી વ્યક્તિ કે માતા - પિતાથી છૂટા પડી ગયા હોય તેવા વિશેષ પરિસ્થિતી ધરાવતા બાળકો અને ભીડમાં જો બાળક ગુમ થઇ જશે તો મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

Missing child Source: iStockphoto Getty image
મેસેજ મેળવ્યા બાદ તાત્કાલિક જાણ કરવાની અપીલ
મિનિસ્ટર ફોર પોલિસ એન્ડ ઇમર્જન્સી સર્વિસ ડેવિડ એલિયોટે જણાવ્યું હતું કે, જ્યારે કોઇ વ્યક્તિ ગુમ થાય છે ત્યારે એક પણ ક્ષણ બગાડ્યા વિના તે દિશામાં તપાસ કરવાની જરૂર હોય છે.
પોલિસ આ પરિસ્થિતીમાં ત્વરીત પણે તપાસ શરૂ કરી દે છે પરંતુ, હવે જ્યારે મેસેજ સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારે લોકો પણ પોલિસને આ દિશામાં મદદ કરી શકે છે.
જો કોઇ પણ વ્યક્તિને ગુમ થયેલી વ્યક્તિ અંગે મેસેજ આવે તો તે વિશે તાત્કાલિક માહિતી આપવાની મંત્રી ડેવિડ એલિયોટે અપીલ કરી હતી.
આ સુવિધા માટે ટેલિકમ્યુનિકેશન કંપનીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
