વૈશ્વિક સ્તરે ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે ભારત આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબધો વધુ મજબૂત બને તેવા ઉદેશથી ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના પ્રીમિયર ગ્લેડિયસ બેરેજિકલીઅન ભારત ટ્રેડ મિશન પર છે.
ન્યુ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિયસ બેરેજિકલીઅન દ્વારા ન્યુ સાઉથ વેલ્સ અને ભારત વચ્ચે વ્યાપાર અને ટેક્નોલોજી ક્ષેત્રે બે વર્ષ માટે ભાગીદારી કરતા $1.6 મિલિયનના ભંડોળની જાહેરાત કરવામાં આવી હતી. આ ભંડોળ ન્યુ સાઉથવેલ્સના યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ્સને ભારતીય તજજ્ઞો પાસે તાલીમ લેવા મદદરૂપ થશે.
તેઓએ મહારાષ્ટ્રના મુખ્યમન્ત્રીની શુભેચ્છા મુલાકત લીધી હતી અને વર્ષ 2008ના મુંબઈ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
પ્રીમિયર ગ્લેડિયસ બેરેજિકલીઅને બોમ્બે સ્ટોક એક્સચેન્જની મુલાકાત લીધી હતી, વ્યાપાર - ઉદ્યોગ જગતના અગ્રણીઓને મળ્યા હતા અને ન્યુ સાઉથ વેલ્સ - ઓસ્ટ્રેલિયા ખાતે ઉપલબ્ધ વ્યાપાર અવસરો અંગે જાણકારી આપી હતી.
મુંબઈ ખાતે AACTA (ઓસ્ટ્રેલિયન એકેડમી ઓફ સિનેમા એન્ડ ટેલિવિઝન આર્ટ્સ) ના એશિયા ઇન્ટરનેશનલ એન્ગેજમેન્ટ કાર્યક્ર્મના ઉદ્ઘાટન પ્રસંગે સુ શ્રી ગ્લેડિયસ બેરેજિકલીઅન અને અન્ય સિનેજગતની પ્રતિભાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્મ હેઠળ ભારતીય ફિલ્મ - સિરિયલ નિર્માતાઓને ઓસ્ટ્રેલિયામાં નિર્માણ કરવા માટે પ્રોત્સાહન આપશે.
આ ઉપરાંત પ્રિમિયરે 2017 ના (AACTA) શ્રેષ્ઠ અભિનેતા તરીકે લાયન ફિલ્મમાં પ્રશંસનીય અદાકારી કરનાર ભારતીય અભિનેતા સની પવારને પુરસ્કાર એનાયત કર્યો હતો.
ન્યુ સાઉથવેલ્સ વર્ષ 2020 સુધી વાર્ષિક AACTA પુરસ્કારનું આયોજન કરશે.
મુંબઈના પ્રવાસ દરમિયાન પ્રિમિયર ગ્લેડિયસ બેરેજિકલીઅન ક્રિકેટર સચિન તેંડુલકરને મળ્યા હતા. આ ઉપરાંત ગ્રેટર વેસ્ટર્ન સિડની જાયન્ટ ફૂટબોલર જેસ દલ પોસ સાથે સેન્ટ કોલાબા ગર્લ્સ હાઇસ્કૂલની મહિલા ફૂટબોલ ટીમને મળ્યા હતા. ભારતીય મહિલાઓની ટિમ વર્ષ 2020 AFL ઇન્ટરનેશનલ કપમાં ભાગ લે તે માટેની તક પુરી પાડવા તરફ વાટાઘાટ કરી હતી.
નવી દિલ્હી ખાતે ધ જ્યોર્જ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘SMARThealth’ યોજના હેઠળ 'IMPACT Diabetes’ કાર્યક્ર્મનો વિધિવત આરંભ પ્રીમિયર ગ્લેડિયસ બેરેજિકલીઅને કર્યો. આ કાર્યક્રમ હેઠળ મહિલા સ્વાસ્થ્ય કાર્યકરોને ડાયાબિટીસની તાપસ અને સારવાર માટે સ્માર્ટફોન એપ વાપરવાની તાલીમ આપવામાં આવશે.
ન્યુ સાઉથ વેલ્સ સ્વાસ્થ્ય ભંડોળ અનુદાન દ્વારા ‘SMARThealth’ પાઇલોટ પ્રોગ્રામ વર્ષ 2013માં શરુ કરવામાં આવ્યો હતો. જેમાં ઇલેક્ટ્રોનિક ડિસિઝન સપોર્ટ ટુલની મદદ થી લાંબા સમયથી ચાલતી બીમારીઓની સારવારમાં સુધારો કરવાનો ઉદેશ હતો.