ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં 16 વર્ષથી મોટી ઉંમરના 70 ટકા લોકોએ કોવિડ-19 પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવી લીધા છે. 70 ટકા રસીકરણનો લક્ષ્યાંક મેળવનારું ન્યૂ સાઉથ વેલ્સ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
રાજ્યએ 70 ટકા રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરી લીધા બાદ પ્રીમિયર ડોમીનિક પેરોટેયે ન્યૂ સાઉથ વેલ્સના લોકડાઉનમાંથી બહાર આવવા માટેના કેટલાક મોટા ફેરફારોની ગુરુવારે સવારે 10 વાગ્યે જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બુધવાર રાત્રે 8 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં 587 કેસ નોંધાયા હતા.
રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો માટે સોમવારથી કેટલાક નિયંત્રણો હળવા થઇ રહ્યા છે. હોસ્પિટાલિટી તથા રીટેલ ક્ષેત્રોમાં સુધારા કરવામાં આવ્યા નથી.
પ્રીમિયર પેરોટેયે સુધારા અંગે જાહેરાત કરી હતી. જેમાં,
- ઘરમાં મુલાકાતીઓની સંખ્યા 5થી વધારીને 10 કરવામાં આવી છે.
- જાહેર સ્થળોએ લોકોના ભેગા થવાની સંખ્યા 20થી વધારીને 30 કરવામાં આવી છે.
- લગ્ન તથા અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની સંખ્યા 50થી વધારીને 100 થઇ છે.
- ઇન્ડોર પૂલ શરૂ કરી શકાશે.
રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા 80 ટકા સુધી પહોંચશે તે પછીના સોમવારથી વધુ નિયંત્રણો હળવા કરવામાં આવશે.
ઓક્ટોબર 25થી આ નિયંત્રણો હળવા થાય તેવી પ્રીમિયર પેરોટેયે શક્યતા વ્યક્ત કરી હતી. જેમાં,
- ઓફિસ બિલ્ડીંગમાં ફેસમાસ્કનો વૈકલ્પિક ધોરણે અમલ થશે
- ઘરમાં 20 લોકો સુધી મુલાકાતની પરવાનગી
- જાહેર સ્થળોએ 50 લોકોને ભેગા થવાની પરવાનગી
- ટિકીટ સાથેના આઉટોડર કાર્યક્રમોમાં 3000 લોકોને ભેગા થવાની પરવાનગી
ઓક્ટોબર 18થી કિન્ડરગાર્ટન, યર 1 તથા યર 12ના વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકશે, અન્ય વિદ્યાર્થીઓ 25મી ઓક્ટોબરથી શાળાએ આવી શકશે.
ડેપ્યુટી પ્રીમિયર પૌલ ટુલીએ જણાવ્યું હતું કે, રીજનલ વિસ્તારોમાં કાર્ય કરતા કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હશે તો 11મી ઓક્ટોબરથી કાર્યસ્થળે પરત ફરી શકશે અને તેમને બીજો ડોઝ મેળવી લેવા નવેમ્બર 1 સુધી સમય અપાશે.