ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 1405 કેસ નોંધાયા હતા અને 6 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
જોકે, રીજનલ ન્યૂ સાઉથ વેલ્સના ઓછું જોખમ ધરાવતા વિસ્તારોમાં શનિવાર 11મી સપ્ટેમ્બર મધ્યરાત્રિએ 12.01 વાગ્યાથી નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં એક વખત 70 ટકા લોકો રસીના બંને ડોઝ મેળવી લે ત્યાર બાદના સોમવારથી સમગ્ર રાજ્યમાં રીજનલ ન્યૂ સાઉથ વેલ્સ જેવા જ નિયંત્રણો હળવા થશે પરંતુ તે ક્યારે અમલમાં આવશે તે અંગે સરકારે કોઇ ચોક્કસ તારીખ જાહેર કરી નહોતી.
એક અંદાજ પ્રમાણે, 70 ટકા રસીકરણ સુધી પહોંચવાનો લક્ષ્યાંક ઓક્ટોબરના મધ્ય સુધીમાં મેળવી શકાશે તેમ પ્રીમિયરે આગાહી કરી હતી.
રીજનલ ન્યૂ સાઉથ વેલ્સ તથા સમગ્ર રાજ્યમાં નવા નિયંત્રણોની યાદી
રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો તથા આરોગ્યલક્ષી છૂટછાટ મેળવનારા લોકોને નિયંત્રણોમાંથી વધુ છૂટ મળશે.
ઘર અને જાહેર સ્થળે યોજાતા મેળાવડા
- ઘરની પાંચ વ્યક્તિ મુલાકાત લઇ શકશે, 5 વ્યક્તિની મર્યાદામાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થશે નહીં.
- જાહેર સ્થળે 20 લોકો ભેગા થઇ શકશે.
હોસ્પિટાલિટી, રીટેલ તથા જીમ
- હોસ્પિટાલિટી સ્થળે દર 4 સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિના નિયમ સાથે શરૂ થઇ શકશે. બહારના સ્થળ પર દર 2 સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિનો નિયમ અને ઉભા રહીને ખાણીપીણીને મંજૂરી મળશે
- રીટેલ વેપાર - ઉદ્યોગ દર 4 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિના નિયમ સાથે શરૂ થઇ શકશે.
- વ્યક્તિગત સર્વિસ જેમ કે હેરડ્રેસર, નેઇલ સલૂન્સ દર 4 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિના નિયમ સાથે શરૂ થઇ શકશે પરંતુ દરેક સ્થળે એકસાથે 5 ગ્રાહકોની મર્યાદા અમલમાં રહેશે.
- જીમ અને ઇન્ડોર મનોરંજનના સ્થળો દર 4 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિના નિયમ સાથે શરૂ થઇ શકશે, તેમાં એક સમયે 20 લોકો સાથે ક્લાસ યોજી શકાશે.
- રમતગમતના સ્થળો અને સ્વિમીંગ પૂલ ફરીથી શરૂ થઇ શકશે.

Customers at bars and restaurants in the promenade Circular Quay of Harbour Bridge in Sydney. Source: Sergi Reboredo/Sipa USA
- શાળાઓ 25 ઓક્ટોબરથી કોવિડસેફની ત્રીજા સ્તરની ગોઠવણ સાથે શરૂ થશે.
સ્ટેડિયમ, સિનેમાગૃહ અને અન્ય મનોરંજનના સ્થળો
- મોટા મનોરંજનના સ્થળો, સ્ટેડિયમ, રેસકોર્સ, થીમપાર્ક અને ઝૂ દર 4 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિના નિયમ સાથે શરૂ થશે, તેની મર્યાદા 5000 લોકો જેટલી રખાશે.
- ટિકીટ અને બેસી શકાય તેવા કાર્યક્રમોમાં લોકોના ભેગા થવાની સંખ્યા 500 રહેશે.
- ઇન્ડોર મનોરંજન અને સિનેમા, થિયેટર્સ, મ્યુઝીક હોલ, મ્યુઝીયમ, ગેલેરી દર 4 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિના નિયમ અથવા બેસવાની 75 ટકા ક્ષમતા સાથે શરૂ થઇ શકશે.
લગ્નો, અંતિમ સંસ્કાર, પ્રાર્થનાગૃહો
- લગ્નોમાં 50 મહેમાનોને પરવાનગી, ડાન્સને મંજૂરી તથા ભોજન ફક્ત બેસીને જ થઇ શકશે.
- 50 લોકો અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકશે, ભોજન ફક્ત બેસીને જ થઇ શકશે.
- ચર્ચ અને અન્ય પ્રાર્થના ગૃહો દર 4 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિના નિયમ સાથે પ્રાર્થના યોજી શકશે. પરંતુ ગાયન થઇ શકશે નહીં.
મુસાફરી
- કેરેવાન પાર્ક અને કેમ્પિંગ ગ્રાઉન્ડ્સ શરૂ થશે.
- કારપુલિંગને પરવાનગી મળશે
માસ્ક
- ઇન્ડોર સ્થળે યોજાતા જાહેર કાર્યક્રમો, ઇન્ડોર જાહેર વાહન વ્યવહાર, ગ્રાહકો સાથે સીધો સંપર્ક ધરાવતા હોસ્પિટાલિટી સ્થળો, વેપાર - ઉદ્યોગોના સ્થળો તથા વિમાન અને એરપોર્ટ્સ પર માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
- આઉટડોર સ્થળે ફક્ત હોસ્પિટાલિટી કર્મચારીઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
- 12 વર્ષથી નાના બાળકોએ ઇન્ડોર સ્થળે માસ્ક પહેરવું જરૂરી નથી.
16 વર્ષથી નાની ઉંમરના રસી નહીં મેળવેલા બાળકો તમામ આઉટડોર સ્થળની મુલાકાત લઇ શકશે પરંતુ ઇન્ડોર સ્થળે મુલાકાત માટે તેમના ઘરની એક વ્યક્તિ સાથે હોય તે જરૂરી છે.
નોકરીદાતાએ તેમના કર્મચારીઓને ઘરેથી કાર્ય શક્ય હોય તો તે ગોઠવણ યથાવત રાખવી.
ન્યૂ સાઉથ વેલ્સના કેટલાક વિસ્તારોમાં નિયંત્રણોમાં છૂટ આપવામાં આવી છે જ્યારે, અમુક વિસ્તારોમાં હજી પણ લોકડાઉન યથાવત રહેશે. ઘરે જ રહેવાનો આદેશ ધરાવતા રીજનલ વિસ્તારો વિશે અહીંથી માહિતી મેળવો.