ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રથમવાર ૧૦૦૦ થી વધુ નવા કોવિડ કેસ નોંધાયા છે.
3 કોવિડ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. ૩૦ અને ૬૦ વર્ષીય વેસ્ટર્ન સિડનીના રહેવાસીનું ઘરે મૃત્યુ થયું હતું. એક ૮૦ વર્ષીય પુરુષનું પણ મૃત્યુ થયું છે. ત્રણે દર્દીઓએ કોવિડ-19 સામે રક્ષણ આપતી રસી લીધી ન હતી.
છેલ્લા ૨૪ કલાકમાં સ્થાનિક રીતે હસ્તગત કરાયેલા ૧૦૨૯ નવા કેસ નોંધાયા છે.
ICU માં દાખલ કરાયેલા ૧૧૬ કોવિડ દર્દીઓમાંથી ૧૦૨ લોકોએ કોવિડ રસી લીધી નથી.
ન્યૂ સાઉથ વેલ્સના પ્રાદેશિક વિસ્તારોમાં દરરોજ નવા ચેપ નોંધાઈ રહ્યા છે તેથી રાજ્યના તમામ પ્રાદેશિક વિસ્તારોમાં શુક્રવાર ૧૦ સપ્ટેમ્બરની મધ્યરાત્રિ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.
સિડનીમાં રસીના બંને ડોઝ લીધેલા લોકો માટે નિયંત્રણો હળવા કરાયા
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં :
સોમવાર ૧૩ સપ્ટેમ્બરથી, સાથે રહેતા પરિવારના સભ્યો મનોરંજન માટે આઉટડોર સ્થળોની મુલાકાત લઇ શકશે.
સાથે રહેતા પાંચ લોકોને ઘરના ૫ કિલોમીટરની અંદર પિકનિક માટે પાર્કમાં મળવાની મંજૂરી આપવામાં આવી છે. કસરત માટે અપાયેલી એક કલાકની છૂટની ઉપર વધારાની એક કલાકની છૂટ આપવામાં આવી રહી છે. ખુલ્લી જગ્યામાં મળતી વખતે પોતાના LGA ની અંદર રહેવું ફરજીયાત રહેશે.
પ્રીમિયર ગ્લેડીસ બેરેજિકલીયન અને મુખ્ય આરોગ્ય અધિકારી ડો કેરી ચાન્ટે કહ્યું કે કડક લોકડાઉનમાં રહેતા પરિવારોનાં માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સાથે જ પાર્ક કે અન્ય આઉટડોર સ્થળમાં એકઠા થયેલા પાંચ લોકો ખરેખર એક સાથે રહે છે કે કેમ તે ચકાસવા માટે પોલીસ ડ્રાઇવિંગ લઇસન્સ જેવા ઓળખપત્રની તપાસ કરી શકે છે.
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી લાગુ કરાયેલા કર્ફ્યુના નિયમો યથાવત રહેશે.
ગ્રેટર સિડનીના અન્ય વિસ્તારો:
પુખ્ત વયના પાંચ લોકો તેમના ઘરથી ૫ કિ.મીની અંદર આવેલી ખુલ્લી જગ્યામાં એકઠા થઈ શક્શે. નિયમ ૧૩ સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
ન્યૂ સાઉથ વેલ્સ પ્રીમિયર ગ્લેડીસ બેરેજિકલીયને જણાવ્યું છે કે ઓક્ટોબરના મધ્ય સુધીમાં રાજ્યના ૭૦% લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા હશે.