ઓસ્ટ્રેલિયામાં રહેવાસીઓ કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે Million Dollar Vax Alliance ગ્રૂપ દ્વારા મિલિયન ડોલરની ઇનામી રકમના કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 31મી ઓક્ટોબર 2021 સુધીમાં કોવિડ-19 પ્રતિરોધક રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા 18 કે તેથી મોટી ઉંમરના ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓને ભાગ લેવાની તક પ્રાપ્ત થઇ હતી.
તાજેતરમાં કરવામાં આવેલા ડ્રોમાં રસીના બંને ડોઝ મેળવી લેનારી ન્યૂ સાઉથ વેલ્સની વિદ્યાર્થીનીએ એક મિલીયન ડોલરની ઇનામી રકમ જીતી હતી.
સ્પર્ધામાં કુલ 2,744,974 લોકોએ ભાગ લીધો હતો. જેમાં 25 વર્ષીય જોએન ઝૂએ પ્રથમ ઇનામ જીત્યું હતું.
એક મિલીયન ડોલર જીત્યા બાદ જોએન ઝૂએ જણાવ્યું હતું કે, તેને 1 મિલીયન ડોલર જીત્યાનો વિશ્વાસ થતો નથી. તેણે ઉમેર્યું હતું કે ઇનામી રકમ દ્વારા તે તેના પરિવારને ચાઇનીસ ન્યૂ યર દરમિયાન ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરાવી 5 સ્ટાર હોટલમાં રહેવાનો અનુભવ કરાવશે.

A patient receives a COVID-19 vaccination at a pop-up clinic at Bunnings Mt Gravatt in Brisbane. Source: AAP
આ ઉપરાંત, તેમના માટે ભેટ ખરીદી અન્ય નાણાનું રોકાણ કરશે.
મિલીયન ડોલર વેક્સ એલાયન્સ તરફથી ક્રેગ વિન્કલરે જણાવ્યું હતું, મિલીયન ડોલરની ઇનામી રકમ ઉપરાંત, અન્ય 3100 વિજેતાઓ વચ્ચે કુલ 3.1 મિલીયન ડોલરની ઇનામી રકમ વહેંચવામાં આવી હતી.
ઓક્ટોબર મહિનામાં કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવનારા લોકોની સંખ્યા વધતા સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાભરમાંથી કુલ 3600થી પણ વધુ વિસ્તારોમાંથી લોકોએ ભાગ લીધો હતો.
ક્રેગે ઉમેર્યું હતું કે, સાઉથ ઓસ્ટ્રેલિયા, ક્વિન્સલેન્ડ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યમાંથી પણ એક લાખથી વધુ લોકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે પ્રશંસનીય કહી શકાય.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ શનિવારે 80 ટકા રસીકરણના લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો. અને ત્યાર બાદ 5મી નવેમ્બર 2021ના રોજ વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી.