ન્યૂ સાઉથ વેલ્સના સાઉથ કોસ્ટ વિસ્તારમાં 19 વર્ષીય યુવક પર 20 કાંગારુંઓને પોતાની કાર નીચે કચડી નાંખવાનો આરોપ લાગ્યો છે.
રવિવારે સાંજે પોલીસ જ્યારે તુરા બિચ વિસ્તારમાં ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમણે રસ્તા પર મૃત્યુ પામેલા કાંગારુંઓ જોયા હતા.
પોલીસના માનવા પ્રમાણે, ઘટના રાત્રે 10.30થી 11.30 દરમિયાન બની હતી.
કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ મંગળવારે બપોરે આરોપીની ધરપકડ કરી હતી.
તેની પર પ્રાણીને ત્રાસ તથા ઘાયલ કરીને મોતને ઘાટ ઉતારવાનો આરોપ લાગ્યો છે. જોકે, તેને 26મી નવેમ્બરે બેગા લોકલ કોર્ટમાં હાજર રહેવાના શરતી જામીન મળ્યા હતા.
બેગા વેલી ઇન્સ્પેક્ટર પીટર વોલ્ફે જણાવ્યું હતું કે પ્રાણીઓ પર કોઇ પણ પ્રકારનો અત્યાચાર સહન કરવામાં આવશે નહીં.
જો કોઇ પણ વ્યક્તિ આ પ્રકારનો અત્યાચાર કરતા ઝડપાશે તેની પર સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ, ન્યૂ સાઉથ વેલ્સ વાઇલ્ડલાઇફ ઇન્ફર્મેશન રેસ્ક્યુ એન્ડ એજ્યુકેશન સર્વિસીસના પ્રવક્તા ઇલેના વેવરે જણાવ્યું હતું કે ઘટનામાં કાંગારુંના ત્રણ બચ્ચાઓને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ હાલમાં સારવાર હેઠળ છે.
Share


