કોવિડ-19ના Omicron (ઓમીક્રોન) પ્રકારને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વધુ જોખમી પ્રકાર તરીકે જાહેર કર્યો છે.
છેલ્લા 2 દિવસમાં કેટલાક દેશોએ આંતરરાષ્ટ્રીય સરદહો બંધ કરી છે અને મુસાફરીની માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કોવિડ-19 મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ-19નો 5માં પ્રકાર જાહેર કર્યો છે. હાલમાં આ ઓમીક્રોન પ્રકાર અંગે તપાસ ચાલી રહી છે પરંતુ તે ઝડપથી ફેલાતો પ્રકાર હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.
મળતી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલા 9 દેશોમાંથી કુલ 141 મુસાફરોએ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં ઊતરાણ કર્યું છે. તે તમામ મુસાફરોને ક્વોરન્ટાઇન સુવિધામાં લઇ જવામાં આવ્યા છે જ્યાં તેમણે 14 દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે.
ઓમીક્રોન પ્રકારના કેસ નોંધાયા બાદ વિશ્વના દેશોએ લીધેલા પગલાં...
- રવિવારે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના ઓમીક્રોન પ્રકારના બે કેસ નોંધાયા
- આંતરરાષ્ટ્રીય ઊતરાણ માટે ઓસ્ટ્રેલિયાએ માર્ગદર્શિકામાં ફેરફાર કર્યા
- નેધરલેન્ડ્સ, ઇટલી, જર્મની, હોંગ કોંગ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા તથા યુનાઇટેડ કિંગડમમાં પણ કેસ નોંધાયા
- વિશ્વના ઘણા દેશોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલા દેશો માટે આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરી
- ઇઝરાયેલે તમામ દેશો માટે સરહદો બંધ કરી
ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં હાલમાં હોટલ ક્વોરન્ટાઇનમાં રહેલા મુસાફરને કોવિડ-19ના ઓમીક્રોન પ્રકારનો ચેપ નોંધાયો. આ ઉપરાંત, સાઉથ આફ્રિકાથી આવેલા મુસાફરને હોવર્ડ સ્પ્રિન્ગ્સ ક્વોરન્ટાઇન સુવિધામાં ચેપ નોંધાયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
ઓસ્ટ્રેલિયા મુસાફરીની માહિતી
ઓસ્ટ્રેલિયાએ આફ્રિકાના દક્ષિણ દેશોથી આવનારા મુસાફરો માટે સરહદીય પ્રતિબંધો મજબૂત કર્યા છે.
સાઉથ આફ્રિકા, લીસોટો, બોટ્સવાના, ઝીમ્બાબ્વે, મોઝામ્બિક, નામીબિયા, ઇસ્વાટીની, માલાવી અને શૈચેલ્સથી આવનારા મુસાફરોએ ફરજિયાતપણે 14 દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે.
ન્યૂ સાઉથ વેલ્સે ઉપરોક્ત દેશોથી આવનારા મુસાફરો માટે ફરજિયાત 14 દિવસ હોટલ ક્વોરન્ટાઇન જાહેર કર્યું છે.
ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં ઉતરાણ કરતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ઘરે 72 કલાક આઇસોલેટ થવું જરૂરી રહેશે.