અગાઉના સમય કરતાં હાલમાં ગુજરાતી ફિલ્મોમાં એક નવા યુગનો પ્રારંભ થયો છે અને છેલ્લા કેટલાક સમયમાં તેમાં ભારે લોકપ્રિયતા જોવા મળી રહી છે. ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ'ની સફળતાએ આ ઉદ્યોગને એક નવી દિશા આપી છે અને તેમાં શાનદાર અભિનય કરીને પ્રખ્યાત થનારા અભિનેતા મલ્હાર ઠાકર, ગુજરાતની લોકપ્રિય ગાયક ઐશ્વર્યા મજમુદાર તથા અભિનેતા જિતેન્દ્ર ઠક્કર હાલમાં ગરબાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા આવ્યા છે. ગુજરાતના ફિલ્મ ઉદ્યોગ તથા તેમાં જોવા મળી રહેલા ફેરફાર અંગે તેમણે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

Gujarati singer Aishwarya Majmudar. Source: Aishwarya Majmudar
"જોકે ચાહકો માટે તો તે આજીવનનું સંભારણુ હોય છે તેથી હું એ ખ્યાલ રાખું છું કે હું જ્યાં પણ કાર્યક્રમ કરું તેમાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરું. ઓસ્ટ્રેલિયામાં પણ મારા ચાહકો સમક્ષ હું યાદગાર પ્રદર્શન કરવા માટે આતુર છું. "
એક કલાકારની સફળતા પાછળ તેના પરિવારનો સહયોગ ખૂબ જ જરૂરી હોય છે. એશ્વર્યાની સફળતા પાછળ તેની માતા રીમા મજમુદારનો ઘણો ફાળો છે અને તેઓ હાલમાં ઐશ્વર્યા સાથે ઓસ્ટ્રેલિયા આવ્યા છે, રીમા મજમુદારે જણાવ્યું હતું કે, "કોઇ પણ બાળકને તેની પ્રતિભા નીખારવા માટે ઘરમાંથી જ પ્રોત્સાહન મળે તે જરૂરી છે. માતા-પિતા જો તેમના બાળકમાં રહેલી કોઇ પ્રતિભાને પરખે અને તેને સહયોગ તથા માર્ગદર્શન આપે તો તે અવશ્ય સફળતા મેળવે છે."

Gujarati actor Malhar Thakar. Source: Malhar Thakar
તેમણે જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે તેનાથી વધારે ફિલ્મો નકારી છે, તે અંગે મલ્હારે જણાવ્યું હતું કે, "ફિલ્મ નકારવા પાછળ ઘણા બધા પરિબળ કારણભૂત હોય છે, સ્ક્રીપ્ટ અને રોલ નબળા હોય તેવી ફિલ્મોને હું મહત્વ આપતો નથી. છેલ્લા દિવસ બાદ મને ઘણી ફિલ્મોનો પ્રસ્તાવ મળ્યો છે જેની સ્ક્રીપ્ટ યોગ્ય ન હોય અને સ્ટોરીમાં કોઇ દમ ન હોય તેવી ફિલ્મો હું નકારું છું."
"મારી પસંદગીની ફિલ્મો 'છેલ્લો દિવસ', 'લવની ભવાઇ' અને 'થઇ જશે' છે.
"હું કોઇ પણ ફિલ્મમાં કામ કરું તેમાં મારો સૌથી શ્રેષ્ઠ અભિનય કરવાનો પ્રયત્ન કરું છું, સ્ક્રીપ્ટ અને અભિનયની માંગ પ્રમાણે તેમાં સેટ થાઉં છં," તેમ મલ્હારે જણાવ્યું હતું.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક સમયમાં ફેરફાર આવ્યો છે, તે અંગે એક્ટર જિતેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું કે, "અગાઉના સમયની ફિલ્મ તથા વર્તમાન સમયની ફિલ્મોમાં ઘણો તફાવત જોવા મળે છે. તે સમયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વ્યવસાયિક કે પ્રોફેશનલ લોકોની ઉણપ હતી.

Gujarati actor Jitendra Thakkar. Source: Jitendra Thakkar
એક જ વ્યક્તિ ઘણા બધા વિભાગો એક સાથે સંભાળતો હોવાથી ફિલ્મો થોડી નબળી બનતી હતી. બીજી તરફ, અત્યારે ફિલ્મોમાં એક પ્રોફેશનાલિઝમનો ખ્યાલ વિકસી રહ્યો છે. ફિલ્મમાં દરેક વિભાગ માટે માહેર વ્યક્તિને રોકવામાં આવે છે અને તેનાથી ફિલ્મ જીવંત થઇ જાય છે."