હાઇકોર્ટના નવા ચૂકાદા બાદ હવે જો કોઇ પણ વ્યક્તિ ફેસબુક પેજ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી કોઇ પણ પોસ્ટ કે સામગ્રી પર ટીપ્પણી કરશે તો તે બદલ જે-તે મીડિયા કંપની અથવા પેજના એડમિન જવાબદાર ગણાશે.
કોર્ટના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયા માધ્યમ પર સક્રિય કોઇ પણ કંપની કે સંસ્થા તેમના માધ્યમ દ્વારા થઇ રહેલી ટીપ્પણી માટે જવાબદાર ગણાશે.
મતલબ કે, સમાચાર માધ્યમો ઉપરાંત, સોશિયલ મીડિયા પર સક્રિય તમામ સામુદાયિક સંસ્થાને આ ચૂકાદા હેઠળ આવરી લેવામાં આવી છે.
એબીસીમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ પ્રમાણે, ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના કમ્યુનિકેશન લૉના વિશેષજ્ઞ બ્રેટ વોલ્કરે જણાવ્યું હતું કે, આ નિયમ હેઠળ કોઇ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર તેની બદનામી કરતી પોસ્ટ સામે જે-તે સંસ્થા કે એડમિન સામે ફરિયાદ દાખલ કરી શકે છે.

Social media apps Facebook, Twitter and Instagram Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સ, સાઉથ ઓસ્ટ્રેલિયા, વિક્ટોરીયા, ક્વિન્સલેન્ડ અને ઓસ્ટ્રેલયન કેપીટલ ટેરીટરીમાં જો કોઇ પણ સંસ્થા સામે બદનક્ષીનો દાવો કરવાની ચેતવણી મળશે તો તેઓ આ બાબત કોર્ટ સમક્ષ આવે તે અગાઉ તેનો હલ લાવી શકે છે.
નવા સુધારા હેઠળ, આ રાજ્યો અને ટેરીટરીમાં રહેતા ફરિયાદકર્તાએ કાયદેસરની કાર્યવાહી શરૂ કર્યાના 2 અઠવાડિયા અગાઉ નોટીસ આપવી જરૂરી છે.
આ ઉપરાંત, માધ્યમો પર કરવામાં આવેલી ટીપ્પણી દ્વારા કોઇ પણ વ્યક્તિની શાખને થઇ રહેલી ગંભીર અસર અંગેની સીમા પણ વધારવામાં આવી છે.
નવો નિયમ, ફેસબુક સહિતના ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ માધ્યમોને લાગૂ પડશે.
કોઇ પણ વ્યક્તિ અન્ય સામે બદનક્ષી કે અપમાનજનક ટીપ્પણી ન કરે તે માટે કેવા પગલાં ભરી શકાય

Source: PA/ Niall Carson
- કોઇ પણ વપરાશકર્તા અન્ય વ્યક્તિ સામે અપમાનજનક ટીપ્પણી ન કરે તે માટે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના એડમિન તેના કોમેન્ટ વિભાગને બંધ રાખી શકે છે. આ ઉપરાંત ટ્વિટર પર અમુક જ લોકો ટીપ્પણી કરી શકે તેવી ગોઠવણ કરી શકાય છે.
- પેજનું સંચાલન કરતા મેનેજર અપમાનજનક ટીપ્પણી કે શબ્દોના વપરાશને મર્યાદિત કરી શકશે અને જો જરૂરિયાત જણાશે તો તેને સંપૂર્ણ રીતે બંધ પણ કરી શકશે.
કોર્ટે કેમ ચૂકાદો આપ્યો
Don Dale Youth Detention Centre ખાતે ડેયલેન વોલેર સાથે બનેલી ઘટના વિશે સમાચાર માધ્યમોના પેજ પર કરવામાં આવેલી ટીપ્પણીઓ માટે જે-તે સમાચાર માધ્યમો સામે ફરિયાદ કરવામાં આવી હતી.
અને, કોર્ટે ચૂકાદામાં જણાવ્યું હતું કે, પેજ પર કરવામાં આવેલી ટીપ્પણીઓ માટે કાયદાકિય રીતે જે-તે માધ્યમો જ જવાબદાર છે. તેમણે તે ટીપ્પણી લખી ન હોવા છતાં પણ તેમના માધ્યમ દ્વારા વપરાશકર્તાને અન્ય વ્યક્તિનું અપમાન કરવાની તક આપી માટે તે સંસ્થા જવાબદાર હોવાનું કોર્ટે નોંધ્યું હતું.